દેશનેતાઓ ગઇ કાલના અને આજના

મુંબઇ મારું એક માનીતું ભારતીય શહેર છે અને મુંબઇમાં મારું એક માનીતું સ્થળ છે  દેવીમાં મણિભવન. આ હવે સ્મારક બન્યું છે અને આ જ સ્થળે ગાંધી વારંવાર રહેતા અને સત્યાગ્રહનું આયોજન કરતાં. 1990 ના દાયકામાં મણિભવનની મારી પહેલી મુલાકાતમાં મને એક સન્નારી મળ્યાં હતાં. ઝાંખા સફેદ રંગની સાડીમાં સજ્જ આ સન્નારી ખૂબ ઓછું બોલતાં હતાં અને તે પણ મૃદુતાથી. તેમનું સાદગીભર્યું વ્યકિતત્વ તેમની સિધ્ધિઓથી તદ્દન વિપરીત હતું. કારણ કે તેઓ ઉષા મહેતા હતાં. પોતાના જુવાનીના કાળમાં ઉષા મહેતા ભારત છોડો આંદોલનમાં પ્રેરક વ્યકિતત્વ બની રહ્યાં હતાં. તા. 9 મી ઓગસ્ટ, 1942 ના રોજ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓ પકડાઇ ગયા પછી ઉષા મહેતાએ ભૂગર્ભ રેડિયો સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ રેડિયો હજી સુધી કેદ નહીં પકડાયેલા દેશભકતોમાં આઝાદી માટેની તમન્નાને જીવંત રાખવા ગુપ્ત સ્થાનોએથી ચોંકાવનારા સમાચાર પ્રસારિત કરતો હતો. ઉષા મહેતાએ કોંગ્રેસ રેડિયો શરૂ કર્યો ત્યારે તેની ઉંમર વીસીના દાયકાની માંડ શરૂઆતની હશે. હજી સુધી બોમ્બે તરીકે જ ઓળખાતા મહાનગરની એક કોલેજ કન્યા ઉષા મહેતા હતાં. આખરે રાજે રેડિયોનું સ્થળ શોધી કાઢયું અને તે ચલાવનારાઓને પકડી લીધાં.

ઉષા મહેતાએ કેટલાંક વર્ષો જેલમાં ગાળ્યાં. જેલમાંથી મુકત થયા બાદ ઉષાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને બોમ્બે યુનિવર્સિટીમાં રાજનીતિ શાસ્ત્રના પ્રશસ્ય પ્રાધ્યાપક બન્યાં. તેમણે મણિ ભવનની ચિત્રોનાં પ્રદર્શન અને ગાંધીના વારસા પરત્વે વાર્તાલાપ ગોઠવવા સહિતનાં કાર્યો સાથે જાળવણી કરી. આગઝરતી યૌવના ઉષા હવે પ્રૌઢા બને છે અને મણિભવનના સંચાલનને સમર્પિત બને છે. તેમણે કયારેય લગ્ન નહીં કર્યાં. ઉષા ઠક્કરે તાજેતરમાં એક પુસ્તક પ્રગટ કર્યું છે. ‘કોંગ્રેસ રેડિયો: ઉષા મહેતા એન્ડ ધી અન્ડરગ્રાઉન્ડ રેડિયો ઓફ 1942.’ ઉષા મહેતાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડો. ઉષા ઠક્કર પણ મણિભવનના કારભારમાં સંકળાયેલાં છે અને વિદ્વાનો અને સામાન્ય વાચકો બંનેને સરખો રસ પડે તેવું આ પુસ્તક બનાવવા સામગ્રી ફંફોસી કાઢી. ઇતિહાસ જાણે વર્તમાનની વાતો કરે છે.

તા. 20 મી ઓકટોબર, 1942 ના કોંગ્રેસ રેડિયોના પ્રસારણનો આ અંશ જુઓ: ‘માનવ વિશ્વ માટે ભારતના લોકો આશા અને શાંતિ અને શુભેચ્છાનો આ સંદેશો મોકલો: ‘આપણે આજે એક લોકો દ્વારા બીજા લોકો પર કરાતી હિંસાને ભૂલી જઇએ એટલું જ યાદ રાખીએ કે સાચા અર્થમાં શાંતિપૂર્ણ અને બહેતર વિશ્વની સ્થાપના માટે આપણને દરેક દેશની ભલમનસાઇ અને દરેક પ્રજાના વૈયકિતક કાર્યોની જરૂર છે. આપણને જર્મનીના ટેકનિકલ કૌશલ્ય, વિજ્ઞાન, સંગીત, ઇંગ્લેન્ડના ઉદાર મન, હિંમત અને સાહિત્યની જરૂર છે. આપણને રશિયાની જૂની સિધ્ધિઓ અને વિજયની જરૂર છે. આપણને ઓસ્ટ્રિયાના અટ્ટહાસ્યની જરૂર છે. ચીનના શાણપણ અને હિંમત અને નવી આશા, યુવાન અમેરિકાના ચળકાટ અને સાહસની ભાવનાની જરૂર છે. રાષ્ટ્રોના સંઘર્ષ વચ્ચે પ્રસારિત થયેલું આ પ્રવચન એક કાળનો ભારતીય રાષ્ટ્રવાદ હતું. વિદેશી શાસનમાંથી મુકત થવા માટે ઊંડે ઊંડે સમર્પિત હોદ્દા સાથે રાજકીય સ્વતંત્રતા માટે જોખમ ઉઠાવવા સાથે ઉપખંડની સાંસ્કૃતિક, ભાષાકીય પરંપરા જાળવી રાખવાની હતી અને એ પણ જાણતા હતા કે આપણા દેશને અન્ય દેશોના સાંસ્કૃતિક, રાજકીય અને બૌધ્ધિક સંસાધનોથી ફાયદો થશે.

આપણે જુદા જ પ્રકારના રાષ્ટ્રવાદમાં જીવીએ છીએ. જે રાષ્ટ્રીય અને ખાસ કરીને ધાર્મિક ચડિયાતાપણાનો દાવો કરે છે આપણા શિક્ષણમાં પણ આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાનના સ્થાને હિંદુઓના ચડિયાતાપણાના વિચારો ઠોસવાના પ્રયાસ કરવામાં આવે છે. વિશ્વ સામેની બારીઓ બંધ કરવાથી સાંસ્કૃતિક વૈવિધ્ય પર ભારતમાં જ હુમલા થયા છે. જેમણે આધુનિક ભારતનું નિર્માણ કર્યું તેમણે વિશ્વભરમાં મુસાફરી કરી વિચારો ગ્રહણ કર્યા. તેમાં કદાચ પહેલા મહાન ભારતીય વૈશ્વિક રામમોહન રાય હતા જેમણે યુરોપના વિચારો પરિપૂર્ણતાથી ગ્રહણ કર્યા કારણ કે તેઓ પોતાનો અભિગમ લેવા માટે સક્ષમ હતા. રવીન્દ્રનાથ ટાગોરે એશિયા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા વગેરેની મુસાફરી કરી પોતાના દેશને સૌથી વધુ જરૂર શેની હતી તે શોધી કાઢયું.

ગાંધી, નેહરુ, આંબેડકર અને કમલા દેવી ચટ્ટોપાધ્યાયે પણ એવું જ કામ કર્યું હતું. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર છે. જોતિબા ફૂલેએ પોતાની જ્ઞાતિવાદ સામેની ચળવળમાં અમેરિકન સુધારકો પાસેથી પ્રેરણા લીધી તો 1942 માં પોતાના કોંગ્રેસ રેડિયોના બુલેટિનમાં નખશીખ ઉષા મહેતાએ યુરોપ, રશિયા, ઇટાલી અને ચીન પાસેથી મળ્યું તે શ્રેષ્ઠ લઇ લીધું. રામમોહન રોયે ઇંગ્લેન્ડમાં મતાધિકાર માટે દલીલ કરી. ટાગોરે ચીન, યુરોપ, એશિયા અને લેટિન અમેરિકાના દેશોના લેખકોને પ્રેરણા આપી. ગાંધીએ અમેરિકન નાગરિક અધિકાર ચળવળ પર પ્રભાવ પાડયો તો નેહરુએ સંસ્થાનવાદ વિરોધી ચળવળ ચાલુ કરી. આંબેડકરના સર્જનની તેમના દેશ કરતાં અન્ય વધુ કદર થઇ છે. જયારે આજે? મોદી, શાહ અને અન્યોને ઘડનાર સંઘના એકાકીપણા અને વિદેશીઓની ધૃણાના અડ્ડા બનતા જાય છે. જયાં પ્રાચીન ધર્મનાં બણગાં ફૂંકી મોટે ભાગે કાલ્પનિક દુશ્મનો સામે બદલો લેવાનું અને ‘હિંદુઓ માનવતાના વિશ્વગુરુ બનશે એવું પોપટિયું રટણ કરવાનું શીખવાડાય છે. વિશ્વે તેમની પાસેથી કંઇ શીખવાનું નથી અને કમનસીબે તેમણે પણ વિશ્વ પાસેથી કંઇ શીખવાનું પસંદ નથી કર્યું.
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top