SURAT

બરવાળામાં ઝેરી દેશી દારૂ પીધા બાદ સુરતની ખાનગી બસના ક્લીનરને આંખે અંધાપો આવ્યો

સુરત (Surat): બરવાળા લઠ્ઠાકાંડનો (LaththaKand) રેલો સુરત આવી પહોંચ્યો છે. બરવાળામાં ઝેરી દેશી દારૂ (Deshi Daru) પીધા બાદ સુરતની ખાનગી બસના ક્લીનરને (Bus Cleaner) આંખે અંધાપા (Blind) આવી ગયા છે. ક્લીનરને હાલ સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો છે. તંત્ર તેની તબિયત પર નજર રાખી રહ્યું છે.

આ કેસની વિગત એવી છે કે ખાનગી બસના ક્લીનર બલદેવે 3 દિવસ પહેલાં બરવાળા ખાતે દેશી દારૂ પીધો હતો. તેની તબિયત બરવાળામાં જ બગડી હતી. ત્યાંની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મળતા તે સ્વસ્થ થયો હતો. ત્યાર બાદ તે બસમાં સુરત આવી ગયો હતો, પરંતુ સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાવેલ્સની બસ પાર્ક કરી ત્યાં જ તેની તબિયત ફરી બગડી હતી. તેને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ બલદેવ બેભાન થઈ ગયો હતો. બસનો માલિકે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. કતારગામ પોલીસ સૂત્રોએ કહ્યું કે, બલદેવે બરવાળામાં દેશી દારૂ પીધો હતો. બસના માલિકે પોલીસને માહિતી આપી હતી કે તેની તબિયત સુધરતા તે બસમાં બેસી સુરત આવ્યો હતો, અહીં ફરી તેની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ડીસીપી ભાવના પટેલે કહ્યું કે, બલદેવ મૂળ બોટાદ જિલ્લાનો વતની છે. તે ખાનગી બસમાં કલીનર તરીકે કામ કરે છે. અમરેલી સુરત વચ્ચે દોડતી બસમાં તે ફરજ પર હતો. તે મંગળવારે રાત્રે બસમાં સુરત આવ્યો હતો. ડ્રાઈવરના જણાવ્યા મુજબ ક્લીનરે તેને કહ્યું હતું કે મારા ગામમાં પણ ઝેરી કેમિકલ પીવાથી મૃત્યુ પામ્યા છે. મને કંઈ થયું નથી. મેં સારવાર લીધી છે.

લઠ્ઠાકાંડમાં 57 લોકોના મોત થયા
સોમવારે તા. 25 જુલાઈના રોજ બોટાદના બરવાળા ખાતેના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી મોતનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યાર બાદ રોજિદ તેમજ આસપાસના ગામમાં દેશી દારૂ પીવાના લીધે ટપોટપો લોકોના મોત થવા માંડ્યા હતા. બે જ દિવસમાં એટલે કે તા. 26 જુલાઈના રોજ મોતનો આંકડો 55 પર પહોંચી ગયો હતો. સ્મશાનગૃહમાં ખાટલા ખુટી પડતા જમીન પર લાશોના અંતિમસંસ્કાર કરવા પડ્યા હતા. મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. રોજિદ ગામમાં જ 12 લોકોના મોત થયા હતા. રાણપુર તાલુકાના 8 લોકોના પણ મૃત્યુ થયા છે.

હજુ 97 લોકો સારવાર હેઠળ છે
લઠ્ઠાકાંડની ઘટના બનતા જ સરકાર અને પોલીસ વિભાગ સતર્ક થયો હતો. સરકાર દ્વારા તાત્કાલિક સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં SIT ની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ 97 લોકો સારવાર હેઠળ છે. આ કેસમાં પોલીસે આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાંડની માગણી કરી હતી.કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.

Most Popular

To Top