National

ફરી ઉભો થયો વિવાદ: રાજીનામાંની જાહેરાત બાદ કોહલી અને સીનિયર ખેલાડીઓ વચ્ચે ખટરાગની વાતો

મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)એ એક પોસ્ટ મુકીને પોતે ટી-20 ટીમના કેપ્ટન પદેથી ખસી રહ્યો હોવાની જાહેરાત કરી તે પછી ડ્રેસિંગ રૂમમાં કોહલી અને સાથી ખેલાડીઓ વચ્ચે બધુ બરાબર ન હોવાના અહેવાલો (controversy) સામે આવ્યા હતા અને રોજે રોજ કોહલી અને ટીમના સીનિયર ખેલાડીઓ વચ્ચેના ખટરાગની વાતો સામે આવી રહી છે.

આ દરમિયાન એક અહેવાલ એવા પણ આવ્યા હતા કે કોહલી રોહિત શર્મા (Rohit shrma)ને વાઇસ કેપ્ટન પદેથી હટાવવા માગતો હતો, જો કે તેની વાત સ્વીકારાઇ નહોતી. હવે એવા અહેવાલ આવ્યા છે કે વિરાટ કોહલી સામે સાથી ખેલાડીઓએ બળવો પોકાર્યો છે અને કેટલાક સીનિયર ખેલાડીઓએ તેના વર્તન અંગે બીસીસીઆઇ (BCCI)ના સચિવ જય શાહને ફરિયાદ કરી છે. જો આ અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં હાર્યા પછી કોહલીએ ટીમમા પોતાનું જે સન્માન હતું તે ગુમાવી દીધું છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર કોહલી ટીમ પરનું પોતાનું નિયંત્રણ ગુમાવી રહ્યો છે. કેટલાક ખેલાડીઓને તેનું વલણ ગમતું નથી અને હવે તેને એ ખેલાડીઓ પ્રેરણાદાયી લીડર ગણતા નથી. તે ખેલાડીઓ સાથે સન્માનજનક વર્તન કરતો ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બેટ્સમેનો અને બોલરો બંને ફેલ ગયા હતા અને એ પરાજય પછી કોહલીએ એવું નિવેદન કર્યું હતું કે ખેલાડીઓમાં એવો ઇરાદો કે જુસ્સો જ નહોતો કે ટીમ જીતી શકે. વિરાટનું આ નિવેદન ખેલાડીઓને ગમ્યુ નહોતું. એવા પણ અહેવાલ આવ્યા છે કે પ્રેક્ટિસ દરમિયાન વિરાટે કોચ સામે પણ ગુસ્સો કર્યો હતો, કોચ જ્યારે તેને બેટિંગ અંગે સલાહ આપતો હતો ત્યારે તેણે કહ્યું હતું કે મને કન્ફ્યુઝ ન કરો. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોહલી અંગે બીસીસીઆઇના સચિવ જય શાહને ટીમના નજીકના લોકો દ્વારા માહિતી આપવામાં આવી હતી, તો તેમણે આ બાબતે નારાજી દર્શાવી હતી. જય શાહે અન્ય અધિકારીઓની સલાહ લીધી અને ખેલાડીઓનો સંપર્ક કરીને તેમનો પણ મત લીધો હતો.

ધોનીને મેન્ટર બનાવવા પાછળનો ઇરાદો શાસ્ત્રી-કોહલીની પાંખ કાપવાનો
બીસીસીઆઇના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના મેન્ટર તરીકે ધોનીની નિમણૂંક કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તો રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીની પાંખ કાપવાનો જ છે. એવું કહેવાય છે કે ધોનીને મેન્ટર બનાવવા અંગે કોહલીને કોઇ જાણ કરાઇ નહોતી. તેની સાથે જ ટી-20 ટીમમાં રવિચંદ્રન અશ્વિનની પસંદગી કરીને બીસીસીઆઇએ કોહલીને એવો સંકેત આપ્યો હતો કે ભારતીય ક્રિકેટનું સંચાલન ક્રિકેટ બોર્ડે કરવાનું છે તારે નહીં.

Most Popular

To Top