SURAT

ખાડીપૂર અને સરોલી બ્રિજને કારણે બીઆરટીએસ બસના રૂટ ડાયવર્ટ કરાયા

સુરત: મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા ખાડીપૂર (Khadipur)અને જહાંગીરપુરા (Jahangirpura) ખાતે આવેલા સરોલી બ્રિજમાં (Saroli Bridge)ભંગાણ પડતાં પ્રભાવિત થઈ છે. આ સ્થિતિને પગલે મનપા દ્વારા ગુરુવારે પણ હંગામી ધોરણે પાંચ અલગ-અલગ બીઆરટીએસ બસોના (BRTS Buses) રૂટને ડાયવર્ટ કરવામાં આવતાં મુસાફરોને આંશિક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મગોબ-પરવટ ખાડી બ્રિજ પર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાવાને પગલે રૂટ નં.15, 16 અને 21ને પરવટ પાટિયાથી વાયા મોડલ ટાઉન-ડુંભાલથી સંજયનગર-દેવધ ગામથી દોડાવવામાં આવી રહી છે. આ સિવાય 204 નંબરના રૂટ રઘુકુળ ગરનાળામાં પાણી ભરાવાને કારણે કિન્નરી સિનેમાથી વાયા ભાઠેના કેનાલથી દોડાવવામાં આવી રહી છે.

સતત ત્રીજા દિવસે ખાડીપૂરના કારણે હાલાકી

ખાડીપૂરની સ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી હજારો લોકો અને મનપાનું તંત્ર પણ લાચાર દેખાઇ રહ્યું છે. ત્યારે હજુ પણ મીઠી ખાડીપૂરના પાણી ઊતરવામાં એકાદ દિવસનો સમય જાય તેવી સ્થિતિ હોવાથી ખાડીપૂરથી પ્રભાવિત 50 હજારથી વધુ લોકો જન્માષ્ટમીનો તહેવાર પૂરના પાણીમાં જ ઉજવવા માટે મજબૂર બનશે તેવું લાગી રહ્યું છે.શહેરમાંથી પસાર થતી ખાડીઓના ઉપરવાસમાં વરસાદના આંશિક વિરામ છતાં લિંબાયતમાંથી પસાર થતી મીઠી ખાડીના સ્તરમાં ઘટાડો ન થતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ત્રીજા દિવસે પણ યથાવત્ છે. મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારોમાંથી પાણી ઉલેચવા માટે ગઈકાલથી જ રાઉન્ડ ધ ક્લોક યુદ્ધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે 28 ડિવોટરિંગ પમ્પ દ્વારા ખાડીપૂરના પાણી દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

જેમાં ઝોન કચેરીના છ, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને ઉકાઈથી મંગાવવામાં આવેલા 50 એચપીના 10 પમ્પ તેમજ 60 એચપીના 8, 40 એચપીના બે અને 30 એચપીના બે પમ્પો અલગ – અલગ વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યા છે. આમ છતાં ઋષિ વિહાર, વામ્બે આવાસ, પરવત ડેપો વિસ્તાર, ડુંભાલ ટેનામેન્ટ વિસ્તાર, પરવટ ગામતળ સહિત કમરૂ નગર, બેઠી કોલોની જેવા વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે અને હજુ 24 કલાક સંપૂર્ણ પાણી ઊતરવામાં ચાલ્યા જાય તેવી સ્થિતિ છે. અંદાજે પચાસ હજાર જેટલા નાગરિકો છેલ્લા ત્રણ દિવસથી ખાડીપૂરની હાલાકીને પગલે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

ખાડીના પાણી ઊતરવા માંડતાં યુદ્ધ સ્તરે સફાઈ અભિયાનનો પ્રારંભ
શહેરમાંથી પસાર થતી ખાડીઓ પૈકી છેલ્લા ત્રણ દિવસથી મીઠી ખાડી ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા એકસાથે અનેક મોરચે સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક તરફ ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં ડિવોટરિંગ દ્વારા પાણી ઉલેચવાની સાથે સાથે જ્યાં જ્યાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં ત્યાં આજે સવારથી જ યુદ્ધ સ્તરે સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીપૂરને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ગુરુવારે સતત ત્રીજા દિવસે નીચાણવાળા વિસ્તારો પૈકી કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતાં જ લિંબાયત ઝોન દ્વારા અલગ-અલગ ટીમો દ્વારા સફાઈ અભિયાન સાથે દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ હતી. આ સંદર્ભે લિંબાયત ઝોન દ્વારા અગાઉથી જ શહેર કતારગામ, રાંદેર, અઠવા, ઉધના અને સેન્ટ્રલ ઝોનમાંથી 200થી વધુ બેલદાર સહિત 20 જેટલા સુપરવાઈઝરની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી.

Most Popular

To Top