Comments

ખાદી હજુ પણ ગામડાને મજબૂત કરે તેમ છે

ત્રિપુરા ઔદ્યોગિક રીતે દેશનું સૌથી પછાત રાષ્ટ્ર ગણાય છે. એની ભૌગોલિક પરિસ્થિતિ, વસ્તીનો પ્રકાર, શિક્ષણનું સ્તર, ઇત્યાદિ બાબતો રાજ્યમાં મોટા અને મધ્યમ કદના ઉદ્યોગોની સ્થાપનામાં અવરોધરૂપ છે. તાજેતરમાં રાજ્યમાં વિપુલ માત્રામાં કુદરતી ગૅસ મળી આવતાં હવે ઉદ્યોગો સ્થાપવાની આશા જન્મી છે. ઓરિસ્સામાં પ્રાકૃતિક સાધનોનો વિપુલ ભંડાર છે. આથી વન સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાય તો રાજ્યમાં લઘુ ઉદ્યોગના વિકાસની તકો ઝડપથી વિકસી શકે. ત્રિપુરાના ગ્રામ વિસ્તારોમાં લઘુ ઉદ્યોગો સ્થાપવાથી આ વિસ્તારોનો વિકાસ થઈ શકે એમ છે.

અને રોજગારીની તકોમાં વધારો થઈ શકે તેમ છે. ત્રિપુરામાં ગ્રામ વિસ્તારોના કારીગરોની ઉપેક્ષા થઈ છે. દેશના ભાગલા પછી, એ સમયના પૂર્વ બંગાળના વણકરો તેમજ કુશળ કારીગરોએ ત્રિપુરામાં આશરો લીધો હતો. રાજ્યમાં આદિવાસી વણકરો પણ કૌશલ્ય ધરાવતા હતા. આ વણકરો, વાંસકામમાં કુશળ રહ્યા છે. ત્રિપુરામાં મમરા બનાવતા કારીગરોની સંખ્યા આજે પણ ઘણી મોટી છે. પરંતુ એમનું કૌશલ્ય હજી ઢંકાયેલું રહ્યું છે અને રાષ્ટ્રનું ધ્યાન આ કારીગરો તરફ નથી દોરાયું.

પણ વર્ષ ૨૦૨૦ પછી આ દિશામાં ખાદી આંદોલન દ્વારા નોંધપાત્ર પહેલ થઈ. તાજેતરનાં વર્ષોમાં તો લોકોમાં ખાદી વિશેના પરંપરાગત ખ્યાલોમાં મોટું પરિવર્તન આવ્યું છે. ખાદીની વૈશ્વિક માંગમાં વૃદ્ધિ થઈ છે અને એનું બજાર વ્યાપક બનવા માંડયું છે. ખાદીની ડિઝાઇન, વણાટની ગુણવત્તા અને કાપડના ઉત્પાદન વગેરે ઘણી બાબતોમાં બદલાવ આવ્યો છે. ત્રિપુરા સરકારે ખાદી ઉદ્યોગના વિકાસ દ્વારા ગ્રામીણ કારીગરોના ઉદ્ધાર માટે કેન્દ્ર સરકાર સાથે મળી અનેકવિધ પગલાં ભર્યાં છે, અને ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે વિકાસના અંતરાયો દૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ખાદીના વારસાગત વણાટ ઉદ્યોગ માટે અને ધંધાકીય વિકાસ માટે રૂ.૭૨૫ કરોડનું પાંચ વર્ષનું પૅકેજ જાહેર કર્યું છે, જેમાં ત્રિપુરા સહિત ઉત્તર-પૂર્વનાં રાજ્યો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે.

બદલાતી સામાજિક જરૂરિયાતોને સાંકળતાં રાજ્ય સરકારે ખાદી ક્ષેત્રના કારીગરો માટે વીમા યોજના અમલમાં મૂકી છે. રાજ્યના અંદાજપત્રમાંથી રૂ.૩૯૦ કરોડની ફાળવણી પણ થઈ છે. તથા રૂ.૮૨૫ કરોડનાં સંસ્થાકીય ધિરાણોનો કાર્યક્રમ શરૂ કરાયો છે. ખાદી-ગ્રામોદ્યોગની બનાવટોના વેચાણ માટેનાં માર્કેટિગની વ્યૂહરચના ધરમૂળથી બદલવામાં આવતાં ખાદીની ગુણવત્તા ઉપર હવે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખાદી અને ગ્રામોદ્યોગ પંચે દેશના સ્વાતંત્ર્યની મૂળ વિભાવનાને અમલી બનાવી છે. આ યોજનાનો ઉદ્દેશ પ્રજાના ચોકકસ વર્ગો જેઓ આજ સુધી ખાદી-ગ્રામોદ્યોગ પ્રવૃત્તિથી અળગા રહ્યા છે એમને આ પ્રવૃત્તિ હેઠળ આવરી લેવાનો છે.

ખાદી અને ગ્રામોદ્યોગ પંચની અનેકવિધ યોજનાઓ મારફત ત્રિપુરામાં ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં સ્વરોજગારી વધારવાનો અવકાશ ઉજળો બન્યો છે. ગ્રામીણ બેંકોની માર્જિન મની સ્કીમ મારફત ગ્રામ ઓદ્યોગિકીકરણ શકય છે. રાજ્યમાં ગ્રામ વિસ્તારોમાં આ યોજના અમલી બનાવવા ત્રિપુરા સરકાર તેમજ ત્રિપુરા ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડે પણ પગલાં ભર્યાં છે. એટલું જ નહીં પણ રાજ્યની ખાદી પ્રવૃત્તિ આગળ ધપાવવા અનિવાર્ય પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે.  ત્રિપુરાના ગરીબ અને પીડિત લોકો હવે પોતાની હુન્નર કળા અને કારીગરીથી જાણીતા બનતાં આજે ત્રિપુરાનાં વણાટકામ, ॰ામ અને વાંસકામ દેશમાં પ્રચલિત બન્યાં છે. દેશભરમાં ત્રિપુરાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્રિપુરાનાં ભીંતચિત્રો પણ દેશ-વિદેશમાં જાણીતાં બન્યાં છે. પ્રાકૃતિક રીતે અતિ રમણીય ત્રિપુરામાં પ્રવાસન ઉદ્યોગ વિસ્તરી રહ્યો છે. તે સાથે ગૅસ આધારિત ઉદ્યોગો વિસ્તરે, શિક્ષણનું સ્તર વિસ્તરે અને પૂર્વ ભારતના તટવિસ્તારમાં ત્રિપુરા એકવીસમી સદીનું વિકાસ કેન્દ્ર બની રહે તે માટે સરકાર સજાગ જણાય છે.

ત્રિપુરામાં જે રીતે શૂન્યમાંથી સર્જન થયું અને લાખ્ખો ગરીબો પગભર થયા. રાજ્ય સરકાર, ગૃહ ઉદ્યોગો અને આમ લોકોની આવડતના સમન્વય થકી જે રચનાત્મક સહયોગ વિકસ્યો તે શું સૌરાષ્ટ્રમાં શકય નથી ? આઝાદી પહેલાં સ્થપાયેલ કાઠિયાવાડ ખાદી સંઘ દ્વારા સૌરાષ્ટ્રમાં મજબૂત મંડાણ નંખાયું છે. પણ તે પછી ઉપાડ થયો નહીં. ગોંડલમાં ઉદ્યોગ ભારતી, ભાવનગર જિલ્લાના મહુવા ગામે ગ્રામ વિકાસ સંઘ અને રાજકોટમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ જે સફળ પ્રયોગો કર્યા તે પ્રકારે બીજે કયાંય શકય બન્યું નહીં. આથી સૌરાષ્ટ્ર ∞બારી, કાઠી રાજપૂત અને કોળી લોકોમાં જે કસબ છે તે હવે તૂટી રહ્યા છે. જામનગર અને વઢવાણ શહેરનું બાંધણી કામ મૃતપ્રાય સ્થિતિએ પહોંચ્યું છે.

બીજી ઑકટોબરથી એક માસ માટે રાજ્ય સરકારની સબસિડી ઉમેરી ખાદીમાં વળતર યોજના રહેશે. પણ વળતર આવતાં પહેલાં ખાદીની સંસ્થાઓ માલ-સામાનની કિમતમાં વધારો કરી નવી ટીકડી (પ્રાઈસ-ટૅગ) લગાડી છેવાડાના માણસના વિકાસને કોળવા દેતા નથી. આથી જન-જન સુધી ખાદીના વિચારને પહોંચાડવામાં ક્ષતિ પહોંચે છે, ખાદી પોતાની ગુણવત્તા ગુમાવી દે છે અને બજારના અન્ય કાપડ સામે જર્જરિત સાબિત થાય છે. ગુજરાતના જાણીતા ચિંતક શ્રી મનુભાઈ પંચોળી કહેતા : ‘‘ખાદી ઉપર વળતર એ ઓક્સિજન છે.

માંદો માણસ ઓક્સિજનથી સાજો થાય. પણ ઓક્સિજનના સિલિંડર ખભે રાખી માણસ જીવી શકે નહીં.’’ રાજ્ય સરકાર સ્વર્ણિમ ગુજરાતને એક આંદોલન બનાવી રહ્યું છે ત્યારે આ વાતનો ખ્યાલ રહે કે ગરીબ અને મધ્યમ વર્ગના લાખ્ખો ગુજરાતી કારીગરોને ખાદી-ગ્રામોદ્યોગ દ્વારા સાંકળી શકાય તો રાજ્યના વિકાસનો પથવધુ મજબૂત અને કાયમી બની રહેશે. જોકે આ કામ હવે ખાદીની સંસ્થાના ભરોસે છોડવાના બદલે સરકારે કોઈ નવી વ્યવસ્થા દ્વારા સાકાર કરવાનો વખત આવી ગયો છે. ઓરિસ્સામાં જે થયું તે ગાંધીના ગુજરાતમાં ન થાય?
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top