Editorial

જાતીય સંબંધો માટે સંમતિ માટેની લઘુતમ વયનો મુદ્દો ખૂબ ગુંચવાડાભર્યો છે

હાલમાં આપણા દેશના કાયદા પંચે જાતીય સંબંધો બાંધવા માટે મંજૂરી આપવાની લઘુતમ વય કેટલી હોવી જોઇએ તે બાબતે અભ્યાસ કરીને કાયદા મંત્રાલયને પોતાનો અહેવાલ સોંપ્યો છે જેમાં તેણે સરકારને સલાહ આપી છે કે જાતીય સંબંધ બાંધવા માટે સાથીદારને પરવાનગી આપવા માટેની લઘુતમ કાનૂની વય ૧૮ વર્ષની છે તે જ બરાબર છે અને તેમાં કોઇ ફેરફાર હાલ કરવા જેવો નથી. જો કે કાયદા પંચે સલાહ આપી છે કે પોકસોના કેસોની ખાસ અદાલતો માટે એક માર્ગદર્શિકા તૈયાર કરી શકાય કે જેના આધારે આ ખાસ અદાલતો ૧૬થી ૧૮ વર્ષની વયના બાળકોમાં સંમતિથી બંધાયેલા જાતીય સંબંધોના કેસોમાં પોતાનો ચુકાદો આપી શકે.

ખરેખર તો કાયદા પંચે આ બાબતમાં અભ્યાસ કરવાની આખી કવાયત જ આવા જાતીય સંબંધો બાબતે પ્રવર્તતા ગુંચવાડાઓને કારણે હાથ ધરવી પડી હતી. આવા ઘણા કેસોમાં એવું થાય છે કે કાયદા હેઠળ સગીર વયની ગણાતી છોકરીએ પોતાના પુરુષ મિત્રને જાતીય સંબંધ બાંધવાની મંજૂરી આપી હોય, જાતીય સંબંધ બંધાય અને તે પછી છોકરીના પુરુષ મિત્ર સામે બળાત્કારનો ગુનો દાખલ થઇ જાય કારણ કે આપણે ત્યાં ૧૮ વર્ષથી નાની વયની છોકરી સાથે સંમતિથી જાતીય સંબંધ પણ બળાત્કાર જ ગણાય છે. જો કે વિચારકો અને અદાલતો છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દો ઉપાડી રહ્યા હતા કે સંમતિથી બંધાયેલા જાતીય સંબંધ અંગે કંઇક વ્યવહારુ વ્યવસ્થા થવી જોઇએ.

તાજેતરમાં બોમ્બે હાઇકોર્ટેની સિંગલ બેન્ચે દસમી જુલાઇએ પસાર કરેલા એક આદેશમાં એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી કે એવા સંજોગોમાં પણ પોકસોના કાયદા હેઠળ દાખલ કરાતા ક્રિમિનલ કેસોની સંખ્યા વધી રહી છે જેમાં જેણે જાતીય સંબંધ માટે મંજૂરી આપી હોય તેવી વ્યક્તિ સગીર વયની હોવાને કારણે તેને ભોગ બનનાર તરીકે દર્શાવવામાં આવે છે જ્યારે તેની સાથે સંમતિથી સેક્સ સંબંધ બાંધનારને આરોપી તરીકે દર્શાવવામાં આવે છે.

જાતીય સ્વતંત્રતાની બાબતમાં ઇચ્છિત જાતીય પ્રવૃતિમાં સંકળાવાનો અધિકાર અને અનિચ્છનિય જાતીય આક્રમણથી રક્ષણનો અધિકાર – એ બંને બાબતો આવી જાય છે, અને જયારે સગીર વયની વ્યક્તિના અધિકારોના આ બંને પાસાઓને માન્યતા મળે ત્યારે માનવીય જાતીય સંબંધને પૂરું સન્માન મળ્યું ગણાય એમ અદાલતે કહ્યું હતું. અદાલતે આ ટિપ્પણી એક પચ્ચીસ વર્ષીય યુવક દ્વારા કરવામાં આવેલી એક અપીલના સંદર્ભમાં કરવામાં આવી હતી જે અપીલમાં તેણે એક સ્પેશ્યલ કોર્ટના ફેબ્રુઆરી ૨૦૧૯ના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો જે કોર્ટ આ શખ્સને ૧૭ વર્ષની એક છોકરી પર બળાત્કાર કરવાનો દોષિત ઠરાવ્યો હતો, જ્યારે કે તે છોકરીએ પોતે અદાલતને કહ્યું હતું કે તેણે આ યુવકને પોતાની સાથે જાતીય સબંધ બાંધવાની મંજૂરી આપી હતી.

જસ્ટિસ ડાંગરેએ તે યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કાયદા પંચે હાલ જે ભલામણો રજૂ કરી છે તેમાં વ્યક્ત થયેલી એ ચિંતા પણ વાજબી છે કે સેક્સ માટેની સંમતિ આપવાની લઘુતમ વય ૧૮ વર્ષથી ઓછી કરવાથી તેનો દુરુપયોગ થઇ શકે છે. પંચે સરકારને સલાહ આપી છે કે એવી માર્ગદર્શિકા ઘડી શકાય જેને આધારે બાળકોને જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટેના કાયદા – પોકસો માટેની ખાસ અદાલતો પોતાનો ચુકાદો આપી શકે. આ ચુકાદો આપતી વખતે પુખ્ત વયના સાથીદારનો ભૂતકાળ ચકાસવામાં આવે, છોકરા અને છોકરી વચ્ચે વયનો તફાવત તપાસવામાં આવે વગેરે. ટૂંકમાં, આવા કેસોમાં અદાલતોએ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઇએ.

જાતીય સંબંધ માટે સંમતિ માટેની લઘુતમ વય પણ જુદા જુદા દેશોમાં જુદી જુદી છે. આખા વિશ્વમાં નાઇજીરીયામાં આ માટેની વય સૌથી ઓછી માત્ર ૧૧ વર્ષની છે! જાપાનમાં આ વય ૧૩ વર્ષની હતી તે હવે વધારીને ૧૬ કરવામાં આવી છે. કોમોરોસ ટાપુઓ, નાઇજર, સહરાવી આરબ રિપબ્લિકનમાં આ વય ૧૩ વર્ષની છે તો બહેરીને અને સાઉથ કોરિયામાં સૌથી વધુ અનુક્રમે ૨૧ અને ૨૦ વર્ષની છે. બીજી બાજુ ઇરાન, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, કુવૈત, માલદીવ જેવા અનેક દેશોમાં આવી લઘુતમ વયનો સવાલ જ નથી કારણ કે ત્યાં લગ્ન વિના જાતીય સંબંધની છૂટ જ નથી. ટૂંકમાં, જાતીય સંબંધો માટેની લઘુતમ વયનો મુદ્દો ખૂબ ગુંચવાડાભર્યો છે.

Most Popular

To Top