Columns

સંજય સિંહની ધરપકડ પછી હવે અરવિંદ કેજરીવાલનો વારો છે?

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. દારૂ કૌભાંડ કેસમાં ૧૦ કલાક લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી દિનેશ અરોરા એક્સાઇઝ તપાસ કેસમાં તાજના સાક્ષી બન્યા બાદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનિષ સિસોદિયાની ધરપકડ બાદ સંજય સિંહ આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ પછી બીજા સૌથી મોટા નેતા હતા. સંજય સિંહ આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્ય છે અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પાર્ટીનું સુકાન તેમની પાસે છે. આ સિવાય પાર્ટી માટે ચૂંટણીની રણનીતિ અને જમીની સમીકરણો નક્કી કરવામાં પણ સંજય સિંહની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. સંજય સિંહની ધરપકડ ‘આપ’માટે મોટો ફટકો છે. આ ફટકો આમ આદમી પાર્ટી કરતાં ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે વધુ ગંભીર છે, કારણ કે મનિષ સિસોદિયાની ધરપકડ બાદ સંજય સિંહ કેજરીવાલના સેકન્ડ ઇન કમાન્ડ બની ગયા હતા. આમ આદમી પાર્ટીની મહત્ત્વની જવાબદારીઓ સંજય સિંહના ખભા પર હતી. સંજય સિંહે પાર્ટીના મુખ્ય નિર્ણયોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સંજય સિંહ યુપીના સુલતાનપુરથી આવે છે.

૨૦૧૧માં તેઓ દિલ્હીમાં અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં જોડાયા હતા. નવેમ્બર ૨૦૧૨માં જ્યારે આમ આદમી પાર્ટીની રચના થઈ ત્યારે તેઓ મુખ્ય સભ્યોમાંના એક હતા. હિન્દીભાષી રાજ્યોના રાજકારણમાં સંજય સિંહની સક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ વર્ષે યુપીની નાગરિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું તેમાં સંજય સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગાઝિયાબાદ, કૌશામ્બી, ફિરોઝાબાદ, બદાયું સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી. સંજય સિંહની ધરપકડ પછી ભાજપનું આગલું નિશાન અરવિંદ કેજરીવાલ મનાય છે.

દારૂના વેપારી દિનેશ અરોરાને સરકારી સાક્ષી બનાવ્યાના બીજા દિવસે ઇડીએ સંજય સિંહના ૧૨૫, નોર્થ એવન્યુ ખાતેના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. દિનેશ અરોરાએ નિવેદનમાં કહ્યું હતું કે સંજય સિંહના કહેવા પર તેમણે દિલ્હીના રેસ્ટોરન્ટ અને બાર માલિકો પાસેથી ૮૨ લાખ રૂપિયા એકઠા કર્યા હતા અને પાર્ટી ફંડના બહાને ચેકના રૂપમાં મનિષ સિસોદિયાને આપ્યા હતા. તે નાણાં તે સમયગાળા દરમિયાન આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વાપરવાના હતા. આમ આદમી પાર્ટીની સરકારે ૧૭ નવેમ્બર ૨૦૨૧ના રોજ નવી દારૂ નીતિ લાગુ કરી હતી.

નવી નીતિ હેઠળ દારૂ વેચવાનું કામ સંપૂર્ણપણે ખાનગી કંપનીઓના હાથમાં સોંપાયું હતું. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી સિસોદિયાની ૯ માર્ચ, ૨૦૨૩ ના રોજ આ કેસમાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ઇડીનો અને સીબીઆઈનો આરોપ છે કે દારૂના વેપારીઓને લાઇસન્સ આપવા માટે દિલ્હી સરકારની નીતિએ કાર્ટેલાઇઝેશનને મંજૂરી આપી હતી. તેણે આ માટે કથિત રીતે તગડી લાંચ ચૂકવનારા કેટલાક ડીલરોનો પક્ષ લઈને ભ્રષ્ટાચાર કર્યો હતો.

સીબીઆઈએ સૌથી પહેલાં દારૂ નીતિ કૌભાંડમાં તપાસ શરૂ કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આબકારી નીતિના અમલીકરણમાં નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ક્ષતિઓને ટાંકીને સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી સીબીઆઈએ પુરાવાના આધારે કેસ નોંધ્યો અને ૨૬ ફેબ્રુઆરીએ નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાની ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ઓછામાં ઓછા ૧,૯૩૪ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના પુરાવા મળ્યા છે.

પુરાવાના આધારે ઇડી દ્વારા મિલકતો પણ જપ્ત કરવામાં આવી રહી છે. આ પોલીસીથી સરકારી તિજોરીને ૧૪૪.૩૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ભ્રષ્ટાચારના આરોપોની સીબીઆઈ તપાસની ભલામણ કર્યા પછી આબકારી નીતિ રદ કરવામાં આવી હતી. આ પછી ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. દિલ્હી સરકારમાં ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની ૩૦ મે, ૨૦૨૨ ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ તિહાર જેલમાં બંધ છે. સત્યેન્દ્ર જૈન પર શેલ કંપનીઓ બનાવીને ૧૬ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવાનો આરોપ છે. સીબીઆઈ અને ઇડીએ પણ દારૂ નીતિ કૌભાંડ કેસમાં પણ તેમની પૂછપરછ કરી છે.

સંજય સિંહ આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક છે. તેઓ એવાં લોકોમાં સામેલ છે, જેમણે ૨૦૧૨માં આમ આદમી પાર્ટીની રચના કરવામાં ભૂમિકા ભજવી હતી. સંજય સિંહ ટીમ અણ્ણાના કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો. તેઓએ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગોમતી પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ સંજય સિંહ પર વિશ્વાસ દર્શાવ્યો અને તેમને ૨૦૧૭માં પંજાબના પ્રભારી બનાવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ આપે પંજાબમાં સારું પ્રદર્શન કર્યું હતું અને સૌથી મોટા વિરોધ પક્ષ તરીકે ઊભરી હતી. સંજય સિંહ ૮ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવ મૌર્યે સંજય સિંહની ધરપકડ પર X પર પોસ્ટ કરીને લખ્યું કે છે ‘‘દેશના બંધારણ અને કાયદાથી કોઈ વ્યક્તિ મોટી નથી.’’અગાઉ જ્યારે તેમણે બીજી ટ્વિટ કરી ત્યારે લખ્યું હતું કે ‘‘દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીનું નામ બદલીને ભ્રષ્ટાચાર અને કૌભાંડી પાર્ટી રાખવું જોઈએ!’’દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘‘સંજય સિંહની ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદે છે.

આ પગલું મોદીજીની હતાશા દર્શાવે છે. તેઓ ચૂંટણી સુધી ઘણા વધુ વિપક્ષી નેતાઓની ધરપકડ કરી શકે છે.’’સંજય સિંહની ધરપકડ પર ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે ‘‘આ ધરપકડ એટલા માટે થઈ કારણ કે જેમણે પૈસા આપ્યા તેમણે પોતે કહ્યું કે પૈસા આપવામાં આવ્યા છે. સંજય સિંહની ધરપકડ દર્શાવે છે કે માત્ર સંજય સિંહ જ નહીં પરંતુ રેલો અરવિંદ કેજરીવાલ સુધી પણ પહોંચશે.’’આ વિધાન પરથી ખ્યાલ આવે છે કે ભાજપની નેતાગીરીનું મૂળ નિશાન તો અરવિંદ કેજરીવાલ છે.

સંજય સિંહ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેમની રાજકીય સમજ ઘણી સારી છે. વર્ષોથી તેમણે કોંગ્રેસ સહિતના બિનભાજપ પક્ષો સાથે સંબંધો બનાવ્યા છે. આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેઓ કેજરીવાલની સાથે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી તેમ જ ઉદ્ધવ ઠાકરે સાથે મીટિંગોમાં જાય છે. તેઓ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘ઇન્ડિયા’ની દરેક બેઠકમાં જોવા મળે છે. સંજય સિંહ પાસે વિપક્ષી નેતાઓ સાથે સંકલનની જવાબદારી પણ છે. મણિપુર મુદ્દો, હાથરસની ઘટના, કોરોના, બેરોજગારી, લઘુમતી મુદ્દાઓ, ખેડૂતોનું આંદોલન અને અદાણી મુદ્દો વગેરે અનેક મુદ્દાઓ પર સંજય સિંહ રાજ્યસભામાં અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે. સંજય સિંહની ગિરફતારી સાથે હવે અરવિંદ કેજરીવાલની ધરપકડની સંભાવના વધી ગઈ છે.

Most Popular

To Top