Columns

સારાં કામ કરતાં રહો

એક સંત ગામથી દૂર નદી કાંઠે એક નાનકડી કુટીરમાં રહેતા હતા.આખો દિવસ ભગવાનનું નામ લેતા અને નદી કાંઠાનાં વૃક્ષો પર જે ફળ ઊગતાં તે ખાઈને ગુજરાન ચલાવતા.નદી કાંઠે વાંસ ખૂબ ઊગતું હતું. એક સંત તાજા વાંસ તોડીને, પાણીમાં ધોઈને તેની ટોપલી બનાવવા લાગ્યા.ભજન ગાતાં જાય અને ટોપલી બનાવતાં જાય.બહુ સુંદર ટોપલી બની અને સંતને તે બનાવવામાં ખૂબ આનંદ આવ્યો. ટોપલી જોઇને સંતને વિચાર આવ્યો કે મેં ટોપલી બનાવી તો ખરી, પણ મારે તેનું શું કામ છે?અને હું કંઈ પાસે રાખતો જ નથી એમ વિચારી તેમણે ટોપલી નદીના પ્રવાહમાં વહાવી દીધી.

સંતને ટોપલી બનાવવામાં આનંદ આવતો હતો અને તેમનો સમય પણ પસાર થતો હતો એટલે તેઓ હવે રોજ એક ટોપલી બનાવતા અને તેને નદીના પ્રવાહમાં વહાવી દેતા.આવું ઘણા દિવસો ચાલ્યું.એક દિવસ ટોપલી બનાવતાં બનાવતાં સંતને વિચાર આવ્યો કે આ મારી બનાવેલી ટોપલી નક્કી કોઈકને તો કામ લાગતી હશે કે નહિ.વળી વિચાર આવ્યો કે મને કોઈ કામ નથી તો હું શું કામ રોજ ટોપલી બનાવવાની મહેનત કરું …આમ વિચારોમાં અટવાઈને સંતે ટોપલી બનાવવાનું બંધ કર્યું.

એક દિવસ સંત નદી કિનારે ટહેલતાં ટહેલતાં ઘણા આગળ નીકળી ગયા.ત્યાં નદીના કિનારે એક ડોશીમા બેસીને રડી રહ્યાં હતાં.સંતે પૂછ્યું, ‘માજી કેમ રડો છો?’ડોશીમા બોલ્યાં, ‘છેલ્લા ઘણા દિવસોથી આ નદીમાં આ દિશામાંથી એક સુંદર મજબૂત ટોપલી વહેતી વહેતી આવતી અને હું તે ટોપલી બહાર કાઢી સૂકવીને વેચી દેતી અને તેમાંથી જે પૈસા મળતા તેમાં મને બે ટંકનું ભોજન મળી રહેતું પણ હવે તે ટોપલી આવતી નથી અને મારાથી બીજું કોઈ કામ હવે થઇ શકતું નથી એટલે ખાવાનું મળતું નથી એટલે રડું નહિ તો શું કરું?’

આ સાંભળી સંત ઉતાવળા પગલે પોતાની કુટીર તરફ પાછા વળી ગયા અને જલ્દી વાંસ કાપી ટોપલી બનાવી નદીના પ્રવાહમાં વહાવી દીધી અને ડોશીમાની મદદ માટે રોજ ટોપલી બનાવવાનું શરૂ કરી દીધું.તેમના મનના બધા વિચારો દૂર થઇ ગયા હતા. તેઓ ભગવાનનું નામ લેતાં લેતાં એક સારા કામ માટે રોજ ટોપલી બનાવતા અને નદીમાં વહાવી દેતા. સ્વાર્થને ભૂલીને , કોઇ પણ ખોટા વિચારો વિના કરેલું સારું કામ હંમેશા સારું ફળ આપે છે. હંમેશા નિ:સ્વાર્થ ભાવથી કરેલું કોઇ પણ કામ નકામું જતું નથી. કોઈને અને કોઈને તે કામનો લાભ મળે જ છે.એટલે સ્વાર્થ ભૂલીને સારાં ભલાઈનાં કામો કરતાં રહેવું જરૂરી છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top