Comments

કેશ ફોર ક્વેશ્ચન : હવે તો હદ થાય છે

આપણે ચૂંટેલા ધારાસસ્ભ્યો અને સાંસદો ગૃહમાં જઈને શું કરે છે? એ આપણાં હિતોની વાત રજૂ કરે છે ખરા?  ધારાસભા હોય કે લોક્સભા કે પછી રાજ્યસભામાં જે રીતે કાર્યવાહી ચાલે છે એમાં કોઈ ભલીવાર હોતો નથી. ઉપયોગી ચર્ચા થતી નથી. ઘણી વાર એવું બન્યું છે કે, મહત્ત્વના મુદે્ કે બીલ પર ઝાઝી ચર્ચા જ થતી નથી અને એવાં બીલ કાયદા બની જાય છે. આવું અનેક વાર બન્યું છે. સરકાર કોઈ પણ પક્ષની હોય, આવું બનતું રહે છે અને હવે કેશ ફોર ક્વેશ્ચન કૌભાંડ ગાજ્યું છે. ભાજપના બહુ બોલકા સાંસદ નિશીકાંત દ્દુબેએ ટીએમસીના સભ્ય મહુઆ મોઇત્રા પર આક્ષેપ મૂક્યો કે, એમણે પૈસા લઇ સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. અને એમાં ય વડા પ્રધાન મોદીની પ્રતિભાને ઝાંખી પાડવા અદાણી ગૃહ સામે જ પ્રશ્નો પૂછ્યા હતા.

આ આક્ષેપ બાદ રાજકારણ ગરમાય એ સ્વાભાવિક છે. મહુઆએ આવા આક્ષેપો ખોટા છે એવું કહ્યું અને બદનક્ષીનાં પગલાં લેશે એવું ય કહ્યું. પણ એ પછી મહુઆના એક વેળાના મિત્ર અને મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ દર્શન હીરનંદાનીએ એફિડેવિટ આપી એટલે મહુઆ હવે ફસાયા છે. આ એફિડેવિટમાં એવું કહેવાયું છે કે, મહુઆએ એનો ઈ મેઈલ પણ આપેલો અને પ્રશ્નો તૈયાર કરી દેવાયા હતા અને બદલામાં પૈસા ને ગીફ્ટ માગ્યા હતા. મહુઆએ જલ્દી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પગલું લીધું હતું.  ૬૦ પ્રશ્નો એણે પૂછેલા એમાંથી ૫૦ તો અદાણીને લગતા હતા.

આ એફિડેવિટના કારણે મામલો સંસદની એથીક્સ સમિતિ પાસે ગયો છે અને એમાં નિશીકાંત દુબેની જુબાની લેવાઈ છે અને ૩૧ ઓક્ટોબરે મહુઆને બોલાવાયા છે. મહુઆએ હાજર રહી જવાબ આપવા તૈયારી બતાવી છે. એના વકીલ જય અનંત દેહાદ્રી ખસી ગયા છે. એની સાથે પણ મહુઆના સંબંધો રહ્યા છે. સવાલ એ છે કે, હીરનંદાનીની એફિડેવિટને સમિતિ કેટલી ગંભીરતાથી લે છે. અને હીરનંદાનીને સમિતિ બોલાવે છે કે કેમ? એ દુબઈ રહે છે. એક આશ્ચર્ય એ છે કે, મમતા બેનર્જી દ્વારા આ મુદ્દે કોઈ પ્રતિભાવ આવ્યો નથી  અને એમના પક્ષ દ્વારા પણ મહુઆને બહુ ટેકો કરાય એવું લાગતું નથી. મહુઆ માટે આ કેસમાંથી નિર્દોષ બહાર નીકળવું મુશ્કેલ છે.

પણ સવાલ એ છે કે, આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રશ્નો પૂછવા માટે પૈસા લે તો પછી અપેક્ષા કોની પાસે રાખવી? અગાઉ ૨૦૦૫માં પણ ૧૧ સભ્યો સામે આવો જ કેસ બન્યો હતો અને એમાં મિડિયાની ભૂમિકા રહી હતી ત્યારે ભાજપના છ સભ્યો , બસપાના ત્રણ અને કોંગ્રેસ , રાજદના એક એક સભ્ય એમાં સંડોવાયેલા હતા અને ત્યારે ભાજપે સભ્યોને ગેરલાયક ઠેરવવા જેવી આકરી સજા ના ફરમાવવા માટે માગણી કરી હતી. સવાલ એ છે કે, પ્રશ્ન પૂછવાના અધિકારનો આ રીતે દુરુપયોગ કરનારા છૂટી જાય છે. એમની સામે તો આકરી સજાની જોગવાઈ હોવી જોઈએ. છે પણ ખરી. પણ પુરાવાના અભાવે એ છૂટી જાય છે. મહુઆ છૂટી જશે કે એમાં ય કોથળામાંથી બિલાડું નીકળશે?

પેપર ફૂટે છે …: ગુજરાતમાં ક્યાંય ઇડી – સીબીઆઈની રેડ કેમ નહિ?  
રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાઓ સરકારી એજન્સી ઇડીના રડારમાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવને નોટીસ આપી છે; ફોરેન એક્સચેન્જ કાયદાના ભંગ મુદે્ આ નોટીસ અપાઈ છે. આક્ષેપ એવો છે કે, કેટલીક સંસ્થાઓ થકી ગેહલોટે કાળા નાણાં ધોળા કર્યા છે અને કોન્ગ્રેસના બીજા એક નેતા કે જે રાજસ્થાનમાં પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ પણ છે એ ગોવિંદ સિંહને ત્યાં ઇડીની તપાસ થઇ છે એ પાછળ કારણ ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફૂટ્યાં છે એ દર્શાવાય છે. કહે છે કે, ત્યાં ૧૯ પેપર ફૂટ્યાં અને એનાથી ૭૦ લાખ ઉમેદવારોને નુકસાન થયું છે. આવું બન્યું હોય તો એ ગંભીર છે અને એની તપાસ થવી જ જોઈએ.

પણ અહીં એક સવાલ એ છે કે, ગુજરાતમાં છેલ્લાં બે ત્રણ વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં ૧૪ જેટલાં પેપર ફૂટ્યાં છે એ મુદે્ ક્યારેય ઇડીની તપાસ થઇ નથી કે પછી સીબીઆઈ ચિત્રમાં આવી નથી. આવું એટલા માટે થાય છે કે ગુજરાતમાં ભાજપ સરકાર છે? અને કોંગ્રેસ એક દલીલ કરે છે જેમાં દમ છે કે, યુપીએ શાસનમાં ૧૧૨ રેડ થઇ હતી ઇડીની અને એમાં ૧૦૪ કેસમાં ચાર્જશીટ થયા. એટલે કે એ રેશિયો ૯૦ ટકા રહ્યો પણ એનડીએ શાસનમાં રેડ તો  પડી છે પણ એમાં માત્ર ૯૩માં જ ચાર્જશીટ થયું છે. આવું કેમ? ભ્રષ્ટાચારનો કોઈ પણ કેસ હોય, એમાં તપાસ કાચબા ગતિએ કેમ થાય છે? એનું પરિણામ કેમ આવતું નથી? આ પ્રશ્નનો જવાબ સરકારે આપવો જોઈએ. પછી સરકાર ગમે તે પક્ષની કેમ ના હોય? બાકી સરકારી એજન્સીઓનો રાજકીય ઉપયોગ સતાધીશ દરેક પક્ષ કરતો આવ્યો છે.

મિઝોરમમાં કરોડપતિ ઉમેદવારો
મિઝોરમમાં પણ ચૂંટણી છે અને આ નાનકડા રાજ્યમાં ૪૦ જ બેઠકો છે અને એ માટે ૧૭૪ નામપત્રો ભરાયાં છે અને એમાંથી ૧૧૨ ઉમેદવારો તો કરોડપતિ છે. આવડા નાના રાજ્યમાં નેતાઓ પાસે આટલી મોટી સંપત્તિ હોય એ અચરજ પમાડે એ સ્વાભાવિક છે અને એમાં ય આ રાજ્યમાં આપણા પ્રદેશ અધ્યક્ષ એન્ડ્ર્યુ લલરેમકીના સૌથી વધુ સંપત્તિ ધરાવે છે અને આંકડો ૬૯ કરોડ છે. આપ પાસે માલદાર ઉમેદવારોની કમી નથી. દિલ્હીમાં પણ આવા ઉમેદવારો હતા અને એમાંથી ઘણા ધારાસભ્યો પણ બન્યા અને મંત્રી પણ. આપ પ્રત્યે કરોડપતિ ઉમેદવારો કેમ આકર્ષાય છે એ સવાલ અનુત્તર છે. મિઝોરમની વાત કરીએ તો આપ બાદ કોંગ્રેસમાં સૌથી વધુ કરોડપતિઓ છે. જેટલા ઉમેદવારો છે એમાંથી ૬૪ ટકા ઉમેદવારો કરોડપતિ હોય તો બધા પક્ષોનો પ્રચાર કેટલી ધૂમ મચાવશે એ સમજી શકાય છે. ચૂંટણી લડવી એ કાચાપોચાનું કે ધનિક ના હોય એમનું કામ રહ્યું નથી.
કૌશિક મહેતા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top