Comments

વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામોની ગઠબંધનના ભવિષ્ય પર જ નહીં, કોંગ્રેસના ભવિષ્ય પર પણ મોટી અસર પડશે

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન હજી પણ પ્રારંભિક અને નવા તબક્કામાં છે, તેમ કહેવાથી કોઈ નકારી શકે તેમ નથી. કોઈ એ વાતનો પણ ઇનકાર કરી શકતું નથી કે જ્યાં બીજા પક્ષનો ગઢ હોય ત્યાં બેઠકોની દૃષ્ટિએ કમજોર ભાગીદારને એડજસ્ટ કરવું સહેલું કામ નહીં હોય. આ અસ્વસ્થતા પાછળનું મૂળ પરિબળ સર્વોપરિતા માટેની લડાઈ છે. આ વાત ત્યારે પ્રતિબિંબિત થઈ જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસના વડા મિસ્ટર કમલનાથે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સીટ એડજસ્ટમેન્ટ અંગે સમાજવાદી પાર્ટીના નેતાની ફરિયાદને ફગાવી દેતાં ટિપ્પણી કરી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મિસ્ટર અખિલેશ યાદવને રાજ્યમાં ગઠબંધન અંગે કોંગ્રેસ સ્પષ્ટ ન હોવાની ફરિયાદ કરતાં પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો, ‘’છોડીએ અખિલેશ વિખલેશ કો.’’

ચોક્કસપણે આ ઢીલી ટિપ્પણી એવા સમયે ટાળી શકાય તેવી હતી જ્યારે વિપક્ષી પાર્ટીઓ 2024ની લોકસભાની ચૂંટણીઓ પર નજર રાખીને મિસ્ટર નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સામે પ્રચંડ ગઠબંધન બનાવવા માટે વધારાનો પ્રયાસ કરી રહી છે. તેણે બિનજરૂરી રીતે ખાસ કરીને કૉંગ્રેસ-સમાજવાદી પાર્ટીના સંબંધોમાં અસ્વસ્થતા ઊભી કરી છે, જેની ઉત્તર પ્રદેશમાં સામાન્ય ચૂંટણીઓમાં મહત્ત્વની ભૂમિકા છે. જોકે, નાથ-અખિલેશ વિવાદમાં તેનું સકારાત્મક પાસું પણ છે!

આ પ્રકરણે ફરી પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ઇન્ડિયા ગઠબંધન માત્ર લોકસભાની ચૂંટણીઓ માટે જ છે અને વિધાનસભા ચૂંટણીમાં ભાગીદારો પોતપોતાના માર્ગે જઈ રહ્યા છે? આ મુદ્દે સંયુક્ત ભાગીદારોનું કોઈ સામાન્ય સ્ટેન્ડ નથી, પરંતુ અનૌપચારિક રીતે એવી સમજણ હોય છે કે મહામુકાબલો માત્ર સામાન્ય ચૂંટણીઓ પર કેન્દ્રિત છે. રસપ્રદ વાત એ છે કે, ગઠબંધનને આગળ વધારવા અને સીટની વહેંચણીના મુદ્દાને ઉકેલવાના ચાલી રહેલા પ્રયાસો અચાનક પાછળ રહી ગયા. સ્પષ્ટ કારણ, ભાગીદારો ખાસ કરીને કોંગ્રેસ દ્વારા દર્શાવવામાં આવ્યું છે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ છે. અન્ય ગઠબંધન સાથીદારોની જેમ આ રાજ્યોમાં કોંગ્રેસની મજબૂત હાજરી હોવાથી પાર્ટી આ તબક્કે સીટ-એડજસ્ટમેન્ટની ચર્ચામાંથી ચતુરાઈપૂર્વક અને યોગ્ય રીતે બહાર નીકળી ગઈ.

ગઠબંધન રચનાનો એક મજબૂત ભાગ એ ભાગીદારો વચ્ચે એક-અપમેનશિપની રમત છે. વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ આ વાત બહાર આવી રહી છે. અન્ય પક્ષો ઇચ્છતા હતા કે કોંગ્રેસ તેમની સાથે બેઠકો વહેંચે, જ્યારે પક્ષ આ રાજ્યોમાં તેની પ્રભુત્વની સ્થિતિ ઓછી કરવા માંગતો ન હતો. જેના પરિણામે લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં તેની સોદાબાજીની સ્થિતિ ઘટશે અને સમગ્ર રમતમાં તેની કેન્દ્રિયતા માટે જોખમ ઊભું થશે.

જોકે, અખિલેશ-નાથ પ્રકરણમાં કોઈ અન્યએ નહીં ખુદ મિસ્ટર યાદવ ખુલાસો કર્યો છે કે, તેમને “કોંગ્રેસના સર્વોચ્ચ નેતા તરફથી સંદેશો મળ્યો છે અને તેને સ્વીકારવો પડશે. તે નંબર વન છે.” એટલું જ નહીં, અખિલેશે વધુમાં કહ્યું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમાજવાદી પાર્ટી હંમેશા કોંગ્રેસની સાથે રહેશે. તેમણે સમાજવાદી આઇકન ડૉ. રામ મનોહર લોહિયા અને તેમના પિતા મુલાયમ સિંહ યાદવને ટાંકીને એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યનો ઉલ્લેખ પણ કર્યો હતો. ‘’તેઓએ ભૂતકાળમાં કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ સૌથી નબળી હોય અને જ્યારે તેમને અમારી જરૂર હોય ત્યારે તેઓ સંપર્ક કરશે અને અમારે તેમની સાથે રહેવું જોઈએ…. અમે અમારી પરંપરાને અનુસરીશું…’’

મધ્ય પ્રદેશના એપિસોડે કોંગ્રેસની મુખ્ય સ્થિતિને સાથી પક્ષો માટે સ્વીકાર્ય બનાવી દીધી છે. કારણ કે, 80 લોકસભા બેઠકોવાળા ઉત્તર પ્રદેશમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતી સમાજવાદી પાર્ટી રાજ્યની વિધાનસભા ચૂંટણીના જોડાણને એક મોટો મુદ્દો બનાવવાની નિરર્થકતાને ઝડપથી સમજી ગઈ છે. આનાથી અન્ય પ્રાદેશિક સત્રપો અને રાજ્ય સ્તરના ખેલાડીઓ માટે કોંગ્રેસને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાનો માહોલ તૈયાર કરી દીધો છે. જો સમાજવાદી પાર્ટીને યુપીમાં તેનું વર્ચસ્વ હોવા છતાં ગઠબંધનનું મૂલ્ય સમજાયું હોય તો અન્ય લોકો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અથવા પંજાબ અને દિલ્હીમાં મિસ્ટર અરવિંદ કેજરીવાલ કેમ ન કહે. મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કોંગ્રેસ પહેલેથી જ એવા પક્ષો સાથે સફળ પ્રાદેશિક ગઠબંધનનો ભાગ છે, જે ઇન્ડિયા ગઠબંધનનો મજબૂત ભાગ છે.

કમલનાથ-અખિલેશ યાદવના વિવાદથી ભાજપ અને તેના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેઓ વિપક્ષી ગઠબંધનની એકજૂટતા પર સવાલ ઉઠાવતા હતા, પરંતુ તેમની હોડી તરત જ તૂટી ગઈ. કારણ કે, આ મુદ્દો અપેક્ષા કરતાં વહેલો ઉકેલાઈ ગયો હતો. ઇન્ડિયા ગઠબંધન માટે કોઈ એક સરળ સવારીની અપેક્ષા રાખતું નથી. જેમ-જેમ લોકસભાની ચૂંટણી  નજીક આવી રહી છે તેમ-તેમ આગામી દિવસોમાં આવા વધુ એપિસોડ આવી શકે છે. જોકે, વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પર ઘણું નિર્ભર રહેશે અને તેની માત્ર ગઠબંધનના ભવિષ્ય પર જ નહીં, પરંતુ કોંગ્રેસના ભવિષ્ય પર પણ મોટી અસર પડશે.

કદાચ આ એપિસોડને કારણે એ પણ અહેસાસ થયો છે કે કમજોર નહીં, પરંતુ મજબૂત કોંગ્રેસ જ વિપક્ષી એકતાના હિતમાં છે. એ બીજી વાત છે કે, કેટલાક પ્રાદેશિક નેતાઓ આવનારા સમયમાં મજબૂત બનેલી કોંગ્રેસને તેમના અસ્તિત્વ માટે ખતરો માને છે. ક્રિકેટની પરિભાષા અને વ્યૂહરચનાના સંદર્ભમાં ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓ પાસે બોલ-બાય-બોલ રમવાનો અભિગમ હોવો જોઈએ. તેમનો પહેલો ધ્યેય લોકસભાની ચૂંટણી હોવો જોઈએ અને વ્યૂહરચનાનો એક ભાગ એકબીજાના મજબૂત અને નબળા મુદ્દાઓને માન આપવાનો પણ હોવો જોઈએ. જેમ મિસ્ટર અખિલેશ યાદવે કર્યું છે અને તેના દ્વારા એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top