SURAT

સુરત:પહેલા તબક્કાના મતદાનને ગણતરીને કલાકો બાકી અને આ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનાં બેનર લાગ્યાં

સુરત: ગુજરાતમાં (Gujarat) પહેલા તબક્કાના મતદાનને (Voting) ગણતરીને કલાકો જ બાકી છે, ત્યારે કામરેજ વિસ્તારમાં ચૂંટણી (Election) બહિષ્કારનાં બેનરો લાગતાં રાજકીય પાર્ટીઓ ટેન્શનમાં આવી ગઈ છે. કામરેજ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી તેમના વિસ્તારોમાં રસ્તા બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. તેમ છતાં તેમની માંગ ન સંતોષાતાં તેઓએ ચૂંટણી બહિષ્કારનાં બેનરો લગાવી દીધાં છે. જેથી સ્થાનિકો નેતાઓની દોડધામ વધી ગઈ હતી. જો કે, આ બાબતે ભાજપના સ્થાનિક નેતાઓના જણાવ્યા મુજબ તો અહીં રસ્તાનો વર્ક ઓર્ડર અપાઇ ગયો છે. અને ગટર લાઇનનું કામ ચાલુ હતું એટલે રસ્તો બન્યો નથી. પરંતુ અહીં આપના અમુક કાર્યકરો રહેતા હોવાથી આવું કરાયું હતું.

  • છેલ્લાં પાંચ વર્ષથી સ્થાનિકો દ્વારા રસ્તો બનાવવા રજૂઆત કરવા છતાં પણ કોઈ નિવેડો ન આવતાં સ્થાનિકો રોષે ભરાયા
  • જો કે, વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં આપના કાર્યકરોએ બેનરો લગાવ્યાં હોવાની વાત
  • 5 સોસાયટીના 8000 લોકો ચૂંટણીનો બહિષ્કાર

કામરેજ વિસ્તારમાં આવેલી અંબા લક્ઝુરિયા, લક્ષ્મીધામ સોસાયટી, વિક્ટોરિયા ટાઉનશીપ, નવકાર રેસિડેન્સી અને સહજાનંદ સોસાયટીને સાંકળતો રોડ બનાવવા માટે છેલ્લાં પાંચ વર્ષથી સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી. સ્થાનિકોની રજૂઆતને નજરઅંદાજ કરાતાં આખરે રોષે ભરાયેલા આ સોસાયટીના રહેવાસીઓએ ચૂંટણી બહિષ્કારનાં પોસ્ટર લગાવી દીધાં હતાં. પોસ્ટરમાં તેઓએ લખ્યું હતું કે, કામરેજની આ 5 સોસાયટીમાં અંદાજે 8 હજાર કરતાં વધુ મતદારો વસવાટ કરે છે. 2017થી 2022 સુધી સોસાયટીવાસીઓ રસ્તાની માંગણી કરી છે, પરંતુ તેઓની માંગ પૂર્ણ કરવામાં આવી રહી નથી. તંત્ર દ્વારા માત્ર ખોટા વાયદા કરવામાં આવી રહ્યા છે. જેથી 5 સોસાયટીના 8000 લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ચૂંટણી બહિષ્કારની ચીમકીથી સ્થાનિક નેતાઓ દોડતા થઈ ગયા હતા.

Most Popular

To Top