Dakshin Gujarat

ભરૂચમાં 5 બેઠક માટે 32 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે

ભરૂચ: ભરૂચ (Bharuch) અને નર્મદા (Narmada) જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે મંગળવારે સાંજે ૫ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. ભરૂચની પાંચ બેઠક માટે ૩૨ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. પ્રચાર પડઘમ શાંત પડી ગયા બાદ હવે ખાટલા બેઠકોનો દોર ચાલશે. મતદારોને રીઝવવા માટે અંતિમ પ્રયાસમાં હવે ભરપૂર નાણાં (Money) અને દારૂની (Alcohol) રેલમછેલ જોવા મળશે. ઉમેદવારોની દરેક ગતિવિધિ પર હવે ચૂંટણી પંચની બાજનજર રહેશે.

ગુજરાતમાં બે ચરણમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તા.૧ ડિસેમ્બરે ગુરુવારે ભરૂચ જિલ્લાની મળી પાંચ બેઠક માટે મતદાન થશે. પાંચેય બેઠકો માટે મંગળવારે સાંજે ૫ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતા. હવે ઉમેદવારો કે રાજકીય પક્ષો જાહેરમાં પ્રચાર કરી શકશે નહીં. મંગળવાર અને બુધવાર ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓ માટે એકદમ મહત્ત્વના છે. બે દિવસમાં મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો કરાશે. ખાટલા બેઠકો કરી મતદારોને તેમના તરફી મતદાન માટે મનાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને ઝઘડિયા વિધાનસભા બેઠક માટે ૩૨ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

અગાઉની ચૂંટણીઓમાં ૭૨ કલાક પહેલાં પ્રચાર બંધ કરાવી દેવામાં આવતો હતો, પણ ભાજપે ચૂંટણી પંચમાં આ સમય ઘટાડીને ૪૮ કલાક કરવા માટે રજૂઆત કરી હતી. જેને ચૂંટણી પંચે માન્ય રાખતાં હવે મતદાનના ૪૮ કલાક પહેલાં પ્રચાર પડઘમ શાંત થશે. પ્રચાર પડઘમ શાંત થઇ ગયા બાદ હવે મતદાન મથકો ખાતે ઇવીએમ અને વીવીપેટ તેમજ સ્ટાફ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને બુધવારે જે-તે મતદાન મથકો ખાતે રવાના કરાશે.

ભરૂચની પાંચ વિધાનસભામાં હમણા સુધીમાં આચારસંહિતાની 8 ફરિયાદ
ભરૂચ: ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં લેખિત, ટેલિફોનીક અને સી-વિજીલ એપ પર હમણા સુધીમાં ૮ આચારસંહિતાની કમ્પ્લેઇન મળી હતી, જેમાં આપનાં બેનરો ફાડી કાઢવા અને મની લોન્ડરિંગ બાબતે ફરિયાદો પ્રાપ્ત થઇ હતી.

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર હમણા સુધી ૮ આચારસંહિતા કમ્પ્લેઇન મળી હતી, જેમાં ભરૂચ વિધાનસભામાં ૨, વાગરામાં ૨ કમ્પ્લેઇન મળી હતી. એક ટેલિફોન ઉપર ૧, લેખિતમાં ૩ મળીને કુલ ૪ ફરિયાદ મળી હતી. જ્યારે સી-વિજીલ એપ પર ૪ કમ્પ્લેઇન મળી હતી. કેતનભાઈ મનહરભાઈ પરમારે લેખિતમાં આપનાં બેનરો, પોસ્ટરો કોંગ્રેસ પાર્ટી દ્વારા ફાડી કાઢ્યા હોવાની ફરિયાદ કરી હતી. વાગરાના અપક્ષ ઉમેદવાર કમલેશ મઢીવાલા અને ચાવજના ગૌરવે તેમના વિસ્તારમાં મની લોન્ડરિંગ પ્રકરણ અટકાવવા માટે ફરિયાદ કરી હતી. કમલેશ મઢીવાલાએ પોલીસ વિભાગ પર અંગુલી નિર્દેશ કરીને હેરાનગતિ અને જાસૂસી બંધ કરવા માટે કમ્પ્લેઇન કરી હતી.

Most Popular

To Top