Columns

ચાલતી રહે બસ વાતો તારી!

સવારથી શિલ્પાનું મગજ છટક્યું હતું. રોજ સવાર પડે ને ચિંતા કરવાની કે કામ કરવા માટે આરતી આવશે કે નહીં? આવશે તો સરખું કામ કરશે કે નહીં? અને સરખું કામ કરશે તો વાત કરશે કે નહીં? આમ તો આરતી છેલ્લાં પાંચ વર્ષથી એને ત્યાં કામ કરવા આવે છે. બે માળના બંગલાને સાફ કરવાનો અને એ સિવાય બીજું નાનું–મોટું દરેક કામ આરતી કરે છે. તેના બદલામાં એને એક ટાઈમ જમવાનું અને 3000 રૂપિયા પગાર  શિલ્પા આપે છે.  પોતાના જૂના કે ન ગમતાં નવા ડ્રેસ પણ આરતીને આપે છે.  છેલ્લા કેટલાક સમયથી આરતી હવે પહેલાંની જેમ દિલથી કામ નથી કરતી એવું શિલ્પાને લાગે છે.

આમ જુઓ તો આરતી પહેલાંની જેમ જ સમયસર સવારે 10 વાગે આવી જાય છે. ચા પીને તરત એ રાતના વાસણ સાફ કરી ગોઠવી દે. પછી ઉપરના માળે આવેલા ત્રણ બેડરૂમ અને ત્રણ બાથરૂમની સફાઈ કરીને 12 વાગે જરાક પોરો ખાઈને પાછી બંગલાની આગળપાછળના ગાર્ડનમાં માળી કામ કરતો હોય તો એને મદદ કરે. બપોરે જમવાનું પતી જાય એ પછી એ બંગલામાં ભોંયતળિયે સફાઈ કરે. બપોરે બેથી ચારમાં ધોબીને ત્યાં ઈસ્ત્રીનાં કપડાં લેવા–મૂકવા જાય કે પછી શિલ્પા ચીંધે તે વીણવા કરવાનું કામ કરે.  બપોરે ચાર વાગે ચા પીને પછી પોતાના ઘરે જતી રહે. આમ જુઓ આ ક્રમ એમ ને એમ જ છે. પણ શિલ્પાને સતત લાગ્યા કરે છે કે છેલ્લા થોડા સમયથી આરતી ઘરનું કામ સરખું નથી કરતી. પહેલાં તો આરતી આવીને શિપ્લા સાથે વાતોના તડાકા મારતી.

આજુબાજુનાં બંગલાની શેઠાણીઓની અને એવી બીજીત્રીજી વાતો કરતી રહેતી. આ બધી વાતોમાં રસ હતો, ગોસીપ હતું. અને સૌથી મહત્ત્વની વાત કે કોઈ વાત કરવાવાળું હતું. બાકી કોની પાસે સમય છે કે એની સાથે વાત કરે? ઘરમાં પૂરા સાત જણ રહે છે. શિલ્પા અને એના પતિ શિવમ. એમના બે બાળકો વિહાન અને વિધિ. 85 વર્ષના બુઢા દાદા અને શિલ્પાનાં સાસુ–સસરા. સાસુસસરાનું ટાઈમટેબલ ફિક્સ છે. બધાનું ટાઈમટેબલ ફિક્સ છે.  શિલ્પનાં સાસુ–સસરાને સવારે સાત વાગે ચા સાથે બિસ્કિટ આપી દેવાના. એ પછી એ લોકો પોતાના રૂમમાં બનાવેલા મંદિરમાં સેવાપૂજા કરવા બેસી જાય તો નવ વાગે બહાર આવે. નાસ્તો કરી અને હવેલી જતાં રહે તે બપોરે સાડા અગિયારે આવે. જમી કરીને સૂઈ જાય તે બપોરે ચારે ચા પીને પાછા નજીકના મંદિરે ચાલતાં સત્સંગમાં જતાં રહે. તે પછી સાંજે સાડા સાતે પાછા આવે. તે પછી બુઢા દાદા સાથે બેસીને ગપસપ કરે કે પાછા પોતાના રૂમમાં.

શિલ્પાના પતિ શિવમને દુકાન છે. તે સવારે નવ વાગે નાસ્તોપાણી કરીને ટિફિન લઈને જતા રહે તે રાતે 8 વાગે આવે. 10 અને 12 વર્ષનાં બાળકો સ્કૂલ અને ટયુશનમાંથી નવરા જ ન થાય. બધાંના ટાઈમટેબલ ફિક્સ છે પણ શિલ્પાનું કોઈ ટાઈમટેબલ નથી. એ બધાંના સમય જ સાચવે છે. એક આરતી હતી જે શિલ્પાનો સમય સાચવતી હતી. પણ જ્યારથી આરતીએ મોબાઈલ લીધો છે ત્યારથી એ હવે નવરી પડે કે ફોન લઈને બેસી જાય. શિલ્પા એને કાંઈ પૂછે કરે તો સરખો જવાબ આપે નહીં. બધું ટૂંકમાં પતાવી દે. શિલ્પા એની સાથે વાત કરવા પ્રયત્ન કરતી રહેતી પણ પછી શિલ્પાને ગુસ્સો આવે, ઘણી વાર ખિજાય જાય,

‘શું આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે? કામ કર ને!’ શરૂઆતમાં તો શિલ્પાના આવા ગુસ્સાથી આરતી છોભીલી પડી જતી. મોબાઈલ ફટ કરતો પર્સમાં મૂકીને ઊભી થઈ જતી પણ પછી તો શિલ્પ કશું કહે તો તરત ટકા જેવો જવાબ આપી દે, ‘લે….માણસ ઘડીક તો પોરો ખાઈ કે નહીં?’ અને શિલ્પા ગુસ્સાથી તમતમી જતી. ‘માળા હાળા આજકાલના કામવાળા ય ગાંઠતા નથી.’ ધીરે ધીરે આરતી અને શિલ્પા વચ્ચે ટેન્શન વધતું જતું હતું. શિલ્પાને લાગતું હતું કે આરતીને એની કિંમત નથી અને આરતીને લાગતું હતું કે શિલ્પાભાભી કચકચ કરતાં થઈ ગયાં છે.

શિલ્પાએ પોતાની બહેનપણીઓ સગાં–વહાલાંમાં સારી કોઈ કામવાળી હોય તો પોતાને જોઈએ છે તેવી વાત ફેલાવવા માંડી.  ઘણાં લોકો કામ કરવા તૈયાર થઈ ગયા કારણ કે શિલ્પા આમ ઉદાર અને ભલી હતી. એને પોતાનું ઘર સચવાય એથી વિશેષ બહુ કચકચ ન હતી પણ કોઈને શિલ્પાની શરત મંજ્રર ન હતી. શિલ્પાની શરત હતી કે જે એના ઘરે કામ કરવા આવે એણે બંગલામાં આવતાં–વેંત મોબાઈલ શિલ્પાને સોંપી દેવાનો. કામ પતાવીને ઘરે જતાં સમયે લઈ લેવાનો.

થોડાક દિવસ એમ જ વીતી ગયા..પણ કોઈ મળ્યું નહીં જે એની શરતે કામ કરવા તૈયાર થાય. શિલ્પા દિવસે દિવસે નાસીપાસ થવા લાગી. એ પહેલાં જેવી પ્રસન્ન રહેતી ન હતી. ઘરમાં બધાં પર ગુસ્સો કર્યા કરતી. એક દિવસ સાસુસસરા સાથે આરતીની હાજરીમાં પણ બોલાચાલી થઈ ગઈ. કાયમ આરતીએ જોયું છે કે શિલ્પાભાભી એમના સાસુસસરાની બહુ આમન્યા રાખે છે. પણ તે દિવસે જરાં વધુ પડતું શિલ્પા બોલી ગઈ. જેને લીધે રાતે શિવમને જાણ થઈ.

‘શિલ્પા તારી તબિયત સારી રહે છે ને? કંઈ પ્રોબ્લેમ છે ?’ શિલ્પા રડી પડી. બીજે દિવસે આરતી આવી એટલે શિવમે એને બોલાવી. ‘જો આરતી, તારી ભાભીને વાત કરવા માટે કોઈ મળતું નથી. તું કામ કરવા આવે ત્યારે મોબાઈલ ન વાપરે તો ન ચાલે? હું તને વાત કરવાના દર મહિને 500 રૂપિયા અલગથી આપીશ. તારી ભાભીને તારે કહેવાનું નથી.’ બીજે દિવસે આરતી કામ કરવા ઘરમાં નવ વાગે આવી ને તરત એણે પોતાનો મોબાઈલ શિલ્પાને આપી દીધો. ‘લો, હું જાઉં ત્યારે પાછો આપજો’

Most Popular

To Top