Columns

મંદિર-મસ્જિદના વિવાદો વચ્ચે જાણો

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે દુનિયાની અજાયબી ગણાતા તાજમહેલને પણ આવા એક વિવાદમાં ઘેરવાની કોશિશ કરવામાં આવી હતી. તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં તાજમહેલના બંધ ઓરડાઓ ખોલવાની માગ કરવામાં આવી હતી. અરજદારે તાજમહેલનો ‘વાસ્તવિક ઈતિહાસ’ શોધવા માટે ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીની રચના કરવાની માગ કરી હતી. હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી. એટલું જ નહીં, અરજદારને સખત ઠપકો પણ આપ્યો.

હાઈકોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું કે, પહેલા M.A. કરો પછી આ વિષય પર Ph.D. કરો. જો તમને કોઈ ન કરવા દે તો અમને કહેજો. તમે આજે આવી અરજીઓ કરીને તાજમહેલના ઓરડાઓ ખોલાવવા માંગો છો? કાલે તમે ન્યાયાધીશોની ચેમ્બર ખોલાવશો! PILની મજાક ન ઉડાવો, ડ્રોઈંગ રૂમમાં આવીને દલીલો કરો પણ કોર્ટનો સમય બગાડો નહીં. આવા વિવાદોની ચર્ચા કોર્ટમાં નહીં પણ ચાર દીવાલોમાં કરવાની હોય છે. કોર્ટનું કામ ઐતિહાસિક તથ્યોની ચકાસણી અને સંશોધન કરવાનું નથી. આ કામ ઐતિહાસિક તથ્યોના નિષ્ણાતો અને ઈતિહાસકારો પર છોડવું જોઈએ.

પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તાજમહેલના રૂમમાં શું છે તે અંગે અફવાઓ ન ફેલાવવી જોઈએ કે કોઈ વિવાદ થવો જોઈએ નહીં. તેને રોકવા માટે જ આ ઓરડાઓની તસવીરો જાહેર કરવામાં આવી હતી. અલબત્ત, તાજમહેલનો ઇતિહાસ ખરેખર શું છે, એ દરેકે જાણવો જોઈએ. આજના આ માહોલમાં મુસ્લિમ શાસકોએ બનાવેલી દરેક ઐતિહાસિક ઈમારતોને વિવાદમાં ઘસેડવાને બદલે તેના ઇતિહાસને જાણવો દેશના નાગરિક તરીકે જરૂરી છે. તમે તાજમહાલનો ઇતિહાસ જાણશો તો ખબર પડશે કે તેની પાછળની કહાનીમાં હિન્દુઓનું પણ યોગદાન હતું.

17મી સદીમાં મુઘલો અને તેમની ભવ્યતા ભારતના ઘણા પ્રવાસીઓને તેમની કલ્પના બહારની લાગતી હતી. આ મુસાફરોમાં અંગ્રેજો પણ હતા. આ જ કારણ હતું કે તેણે અહીં આવીને બિઝનેસ કરવાનું શરૂ કર્યું હતું. જ્હોન મિલ્ટન લંડનમાં જન્મેલા અંગ્રેજી કવિ હતા. તેમની ખૂબ જ પ્રખ્યાત કવિતા ‘’પેરેડાઇઝ લોસ્ટ’’ છે. આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તી ધર્મમાં વિશ્વના પ્રથમ પુરુષ અને સ્ત્રીનું નામ આદમ અને ઇવ છે. જ્હોન મિલ્ટનની આ કવિતામાં લખ્યું છે કે – આગ્રા શહેર આદમને એવી રીતે બતાવવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં આ શહેર વિશ્વની અજાયબી બની જશે.

મુઘલોને બગીચાઓ અને ભવ્ય ઈમારતો બનાવવાનો ખૂબ શોખ હતો. તેમાં કોઈ શંકા નથી કે તેના દ્વારા બાંધવામાં આવેલા શહેરો અદભુત દેખાતા હતા. મુઘલોના સમયમાં આગ્રાનો વિકાસ પણ નદીના કિનારે વસેલા શહેરની જેમ થયો હતો, જેમાં ઘણા સુંદર બગીચાઓ હતા. શહેરના તમામ પ્રખ્યાત લોકો પાસે મોટા આલીશાન મકાનો અને બગીચાઓ હતા. એબ્બા કોચ એક ઈતિહાસકાર છે. તેમના પુસ્તક ‘’ધ કમ્પ્લીટ તાજમહેલ’’માં તેમણે નકશા સાથે શહેરના આ તમામ પ્રખ્યાત લોકોના નામ લખ્યા છે. કેટલાક લોકોના ઘર કિલ્લાની નજીક નદીના કિનારે હતા. તેમાં મહાબત ખાન, આસફ ખાન, મુકિમ ખાન, દારા શિકોહ અને માન સિંહના નામ સામેલ છે.

જ્યારે મુમતાઝ બેગમે આ દુનિયા છોડી દીધી ત્યારે નક્કી થયું કે તેને અકબરાબાદમાં દફનાવવામાં આવશે. તે સમયે આગ્રાને અકબરાબાદ કહેવામાં આવતું હતું. કબર બનાવવા માટે યોગ્ય જગ્યાની શોધ શરૂ થઈ. મુમતાઝના પતિએ નક્કી કર્યું હતું કે તે પોતાની પત્નીની કબરને સ્વર્ગ જેવી સુંદર બનાવશે.

એક ભવ્ય અને વિશાળ કબર બનાવવાની હતી. કબરનું માળખું ખૂબ જ ભારે હોવાના કારણે આર્કિટેક્ટસે નક્કી કર્યું કે માળખાને ટેકો આપવા માટે ઊંડા ખાડાઓ પર જાડા લાકડાનાં પાટિયાંઓ સ્થાપિત કરવામાં આવશે. એ નક્કી થયું કે યમુના નદી પાસે સમાધિ બનાવવામાં આવશે. આ જ શ્રેષ્ઠ સ્થળ જેવું લાગતું હતું. આ જમીન અકબરના સેના પ્રમુખ રાજા માનસિંહના નામે હતી. જો કે રાજા માનસિંહ અને મુઘલોના પરિવારોમાં લગ્નો થયા હોવાથી તેમની વચ્ચે ગાઢ સંબંધો હતા.

1631માં મુમતાઝ બેગમનું અવસાન થયું, ત્યારે રાજા જયસિંહ, જે માનસિંહના પૌત્ર હતા. તે જમીનના હકદાર હતા. જો કે શાહજહાં અને રાજા જયસિંહે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ તેમની સંપત્તિની આ રીતે તપાસ થશે. તેમ છતાં સદભાગ્યે મુઘલ વહીવટીતંત્રે હજારો દસ્તાવેજો તૈયાર કર્યા એટલું જ નહીં પણ તેમને સાચવી રાખ્યા. આમાંના મોટાભાગના દસ્તાવેજો ખોવાઈ ગયા છે છતાં કેટલાક બાકી છે.

બાબર અને જહાંગીર જેવા મુઘલોએ પોતે તેમનાં સંસ્મરણો લખ્યાં હતાં. બાકીનાં સંસ્મરણો તેમના સત્તાવાર ઇતિહાસકારો દ્વારા લખવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય ઘણા દસ્તાવેજો લખવામાં આવ્યા હતા, જેમાંથી તે સમયગાળાની દરેક માહિતી મળે છે. શાહજહાંના સમયમાં પણ સરકારી ઈતિહાસકારોએ આવા જ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોમાં કાઝવિની, અબ્દુલ હમીદ લાહોરી, મોહમ્મદ વારિસ અને મોહમ્મદ સાલેહ કણબોના પાદશાહ હતા.

આ બધું શાહજહાંના શાસન વિશે ઘણું કહે છે. 19મી અને 20મી સદીમાં શાહજહાંના શાસનકાળ પર ઘણું બધું લખવામાં આવ્યું હતું પરંતુ તે દસ્તાવેજોમાં લખેલા તથ્યો સાચા છે તેની કોઈ ખાતરી નથી. વેઈન એડિસન બેગલી, ઝિયાઉદ્દીન, એ. દેસાઈએ તેમના પુસ્તક ‘’તાજ મહેલ : ધ ઈલ્યુમિનેટેડ ટોમ્બ’’માં શાહજહાંના સમયમાં લખેલા તમામ દસ્તાવેજોનું સંકલન કર્યું છે. આ તમામ પુસ્તકો પરથી એવું સામે આવે છે કે આ મકબરો બનાવતી વખતે દસ્તાવેજોમાં તમામ બાબતોની ધ્યાનપૂર્વક નોંધ કરવામાં આવી હતી.

તેમાં લખ્યું છે કે, રાજા જયસિંહ આ ઉમદા હેતુ માટે પોતાની જમીન મફતમાં આપવા માગતા હતા પરંતુ બાદશાહ તૈયાર ન હતા. કબર બનાવવા માટે જે જગ્યા મળી હતી તેની સરખામણીમાં તેણે રાજાને એક વિશાળ હવેલી આપી. બે પુસ્તકો અને એક જાજરમાન ‘ફરમાન’ના અનુવાદમાંથી મળેલી માહિતી દર્શાવે છે કે રાજા જયસિંહની હવેલીના બદલામાં તેમને ચાર હવેલીઓ આપવામાં આવી હતી.

લાહોરી અને કાઝવિનીમાં એવું કહેવામાં આવે છે કે આગ્રાના દક્ષિણ ભાગમાં આવેલી જમીનમાં તે બધું હતું જે તે જગ્યાને રાણીની કબર માટે સ્વર્ગની અનુભૂતિ કરાવતું હતું. કાઝવિનીમાં એવું પણ લખ્યું છે કે તે જગ્યા રાજા જયસિંહની હતી. તેમાં એવું પણ લખેલું છે કે રાજા તેને મફતમાં આપવા તૈયાર હતો છતાં શાહજહાંએ તેને બદલામાં એક આલીશાન મહેલ આપ્યો. આ જ વાત મોહમ્મદ સાલેહ કનબોમાં લખેલી છે. આ હુકમનામાની પ્રમાણિત નકલ જયપુરના સિટી પેલેસમાં રાખવામાં આવી છે. હુકમનામા અનુસાર, જ્યારે 1631માં નક્કી કરવામાં આવ્યું હતું કે તે જ જગ્યાએ મુમતાઝની કબર બનાવવામાં આવશે ત્યારે રાજા જયસિંહે તેને તે જગ્યા આપી દીધી પરંતુ બદલામાં શાહજહાંએ તેને 28 ડિસેમ્બર, 1633ના રોજ ચાર હવેલીઓ આપી હતી.

તાજમહેલ જેવી અજાયબી વિશ્વને આપનારા શાહજહાંના પાછળના દિવસો ખૂબ જ દુઃખ ભરેલા હતા. ઈતિહાસકાર નિકોલાઓ માનુચીએ તેમના પુસ્તક ‘’સ્ટોરિયા ડુ મોગોર’’માં લખ્યું છે – ઔરંગઝેબે પોતાના ભાઈ દારા શિકોહને મારવા માટે સૈનિકોને જેલમાં મોકલ્યા હતા. ત્યારે દારા તેના પુત્ર સાથે રસોઈ બનાવતો હતો. સૈનિકોએ દારાનું ગળું તેના પુત્રની સામે જ નિર્દયતાથી કાપી નાખ્યું! ઔરંગઝેબે દારા શિકોહનું કપાયેલું માથું એક બોક્સમાં મૂક્યું અને કેદ કરેલા પોતાના પિતા શાહજહાંને એમ કહીને મોકલ્યું કે ‘ભેટ સ્વીકારો. તમારો દીકરો તમને ભૂલ્યો નથી.’ શાહજહાં ભેટ જોઈને ખુશ થયા અને બોલ્યા – ‘ઉપરવાળાનો આભાર. ઔરંગઝેબ આજે પણ તેના પિતાને યાદ કરે છે.’

જ્યારે શાહજહાંએ બોક્સ ખોલ્યું અને દારા શિકોહનું કપાયેલું માથું જોયું તો તે બેહોશ થઈ ગયા! ભાનમાં આવ્યા ત્યારે તેઓ એટલા ઉદાસ હતા કે જ્યાં સુધી તેના ચહેરા પરથી લોહી વહેવા ન લાગ્યું ત્યાં સુધી તેઓ પોતાની દાઢીના વાળ ખેંચતાં રહ્યા હતા! માનુચી આગળ લખે છે – ઔરંગઝેબનું દિલ હજી ભરાયું નહોતું. તેણે દારા શિકોહના મૃતદેહને કબરમાં દફનાવ્યો અને તાજમહેલની સામે જમીનમાં તેનું માથું દાટી દીધું હતું. ઔરંગઝેબે શાહજહાંને કહ્યું – ‘જ્યારે પણ તમે બેગમની કબર જોશો. તમને એ પણ યાદ આવશે કે તમારા વહાલા પુત્રનું માથું પણ ત્યાં જ દફનાવવામાં આવ્યું છે.’

Most Popular

To Top