Comments

આપણે શ્વાસ લઈએ છીએ તેવી જ રીતે આપણે દેશને પણ પ્રેમ કરીએ છીએ

દેશમાં ઠેર ઠેર ત્રિરંગો જોઈને મનમાં એક અજાણ્યો આનંદ થઈ રહ્યો હતો, પરંતુ દેશને  પ્રેમ કરવાનો કાર્યક્રમ સરકારી થઈ જવો જોઈએ નહીં. બાળકના જન્મ પછી કોઈ બાળકને કહેતું નથી કે તારા મા બાપને પ્રેમ કર, કોઈ એવું પણ કહેતું નથી કે તારા મા બાપની સંભાળ રાખ , જીવનમાં કેટલીક બાબતો એટલી સહજ હોય છે કે આપણે આપમેળે શીખીએ છીએ. જેમ કોઈ સંતાન પોતાનાં માતા પિતા કે ભાઈ બહેનની સંભાળ રાખે તે કોઈ ઉપકાર નથી તેમ આપણે દેશ માટે જે કંઈ પણ કરીએ તે આપણે પોતાના માટે જ કંઈક કર્યું છે એટલું જ સહજ હોવું જોઈએ, પણ સમસ્યા એવી છે આપણે દેશ કોને સમજીએ છીએ. દેશ એટલે નકશામાં દેખાતી ભૂમિ અથવા પર્વત- સમુદ્ર અને નદીઓ જ નહીં, પણ દેશ એટલે તેમાં રહેતો એક એક માણસ આપણો છે, પછી તેનો રંગ, તેની ભાષા, તેનો ધર્મ અને તેની આર્થિક સ્થિતિ અલગ પણ હોય, તેમ છતાં તે આપણો છે તેવું માનીએ અને તેને સ્વીકારીએ ત્યારે ખરા અર્થમાં આપણે દેશનો  સ્વીકાર કરી તેને પ્રેમ કરીએ છીએ તેવું કહી શકાય.

ઘરમાં પણ જેમ ભિન્ન મત હોય તેમ દેશમાં રહેતાં લોકો સાથે પણ આપણો મત ભિન્ન હોઈ શકે છે, પણ ભિન્ન મત હોવા છતાં તે આપણો જ છે તે સમજી લેવાની જરૂર છે. 2002 માં ગુજરાતનાં રમખાણો થયાં ત્યારે મેં ગુજરાતના મોટા ભાગના રમખાણગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. જો કે મારો પ્રવાસ હું જે સંસ્થામાં પત્રકાર તરીકે કામ કરતો હતો તેના ભાગ રૂપે જ હતો. તે અંગે મેં રીપોર્ટીંગ કર્યું અને તે પ્રસિધ્ધ પણ થયું, પરંતુ મને 2005 માં વિચાર આવ્યો કે ગુજરાતમાં જે કંઈ બન્યું તેનું એક દસ્તાવેજીકરણ થવું જોઈએ, એટલે મેં રીપોર્ટર ડાયરીની જેમ 2002 નાં રમખાણો ઉપર એક પુસ્તક લખ્યું. 

મેં પ્રામાણિક પ્રયાસ કર્યો તે હું કોઈ તરફ ઢળી જાઉં નહીં, ગુજરાતમાં ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોવાને કારણે સ્વાભાવિક તેમનો ઉલ્લેખ અનેક સ્થળે જોવા મળતો હતો. ગુજરાતમાં થયેલાં અત્યાર સુધીનાં રમખાણો અંગે ગુજરાતી ભાષામાં લખાયેલું આ પહેલું પુસ્તક રહ્યું છે.દેશમાં અને દેશ બહાર અનેક લોકોએ વાંચ્યું છે. આ પુસ્તક લખવાનો ઈરાદો કોઈ  પર્દાફાશ કરવાનો ન્હોતો પણ માણસના મનમાં બીજા માણસ માટે નિસ્બત જન્મે તેનો પ્રયાસ હતો. આ પુસ્તક પ્રસિધ્ધ થયું તેનાં બે  વર્ષ પછી મને ઉત્તર અમેરિકાના એક રેડિયો સ્ટેશનમાંથી ફોન આવ્યો. તેઓ ગુજરાતની ઘટનાઓના અનુલક્ષમાં મારો ઈન્ટરવ્યુ કરવા માગતા હતા.

રેડિયો સ્ટેશન ઉપર મને સૂચના આપવામાં આવી હતી કે અમેરિકા રહેતાં લોકો પણ ઈન્ટરવ્યુ દરમિયાન તેમને સીધા પ્રશ્નો  પૂછશે. આ ઈન્ટરવ્યુનું જીવંત પ્રસારણ થવાનું હતું. મેં ઈન્ટરવ્યુની હા પાડી અને એક કલાક સુધી મારો ઈન્ટરવ્યુ ચાલ્યો. હું ફોન ઉપર ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો.  મને રેડિયો સ્ટેશનના ઉદ્દઘોષક તેમજ અમેરિકા રહેતાં ભારતીયો ગુજરાતમાં રમણાણો કેવી રીતે થયાં, ખરેખર શું બન્યું, સરકાર અને રાજકીય  પક્ષોની ભૂમિકા કેવી હતી તે મુદ્દે પ્રશ્નો પૂછી રહ્યા હતા. એક કલાક પછી મારો ઈન્ટરવ્યુ પૂરો થયો. હું મારા કામે લાગી ગયો, પણ મને થોડા કલાક પછી ફરી ઉત્તર અમેરિકાના તે જ રેડિયો સ્ટેશનથી ફોન આવ્યો અને તેમણે મને કહ્યું, અહિંયા તેમના શ્રોતાઓ મારા  પત્રકારત્વ અને માહિતીથી ખાસ્સા પ્રભાવિત છે એટલે રેડિયો સ્ટેશને તમને અમેરિકા આવવા માટે સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો છે. તમે અમને તમારા પાસપોર્ટ સહિતની માહિતી મોકલી આપો એટલે અમે બાકીની વ્યવસ્થા કરીશું.

હું એકદમ રોમાંચિત થઈ ગયો, કારણ વિદેશ તો કયારેય ગયો ન્હોતો એટલું જ નહીં, મેં હવાઈ માર્ગે ભારતમાં પણ કયારેય મુસાફરી કરી ન્હોતી. મેં અમેરિકા જવાનું મન બનાવી લીધું અને બીજા દિવસે મારી જરૂરી વિગતો અમેરિકાના રેડિયો સ્ટેશનને મોકલી આપવાનો નિર્ણય  કર્યો. મને રોજ રાતે સૂતાં પહેલાં  જાત સાથે વાત કરવાની ટેવ છે. મેં મારી જાતને સવાલ કર્યો કે મને અમેરિકા કેમ બોલાવવામાં આવે છે. મેં જ જવાબ આપ્યો ગુજરાતનાં રમખાણો માટે મારી પાસે જે માહિતી છે તે બીજા કોઈ પાસે નથી એટલે,  પછી મને સવાલ થયો કે ગુજરાતમાં જે કંઈ બન્યું તે સારી બાબત તો ન્હોતી, તેના માટે કોણ જવાબદાર તે જુદો પ્રશ્ન છે.

હું અમેરિકા જઈશ એટલે વિવિધ સ્થળે મારા કાર્યક્રમો થશે, મારે અમેરિકા રહેતાં ભારતીયો અને બિનભારતીયો સામે ગુજરાતનું ચિત્ર ઊભું કરવાનું છે. મેં જે ચિત્ર જોયું અને હું જે ચિત્ર રજૂ કરવાનો હતો તેમાં અનેક બાબતો એવી હતી કે જે સારી ન્હોતી. ગુજરાતના રાજકારણીઓ અને પોલીસ અધિકારીની ભૂમિકા પણ હું જાણતો હતો. હું અમેરિકા જવા માટે રોમાંચિત હતો, પણ મારે અમેરિકા જઈ મારા ગુજરાતમાં શું બન્યું તે કહેવાનું હતું. મારા ગુજરાતના રાજકારણી અને પોલીસ અધિકારીની ભૂમિકા ઉપર બોલવાનું હતું. મારા ગુજરાતમાં એક માણસ બીજા માણસના લોહીનો તરસ્યો કેવી રીતે બન્યો  તેની વાત કરવાની હતી. ગુજરાતમાં જે બન્યું તે કમનસીબ હતું, પણ મને પ્રશ્ન થયો કે મારે વિદેશની ધરતી ઉપર જઈ મારા ગુજરાત અને મારા ગુજરાતીઓ અંગે ઘસાતું બોલવાનું, મારું રાજય કેટલું બિહામણું છે તેનું ચિત્ર આપવાનું.

મને વિચાર આવ્યો કે હું આવું કેવી રીતે કરી શકું. મને મારા ગુજરાતના રાજકારણીઓ સામે એકસો વાંધા હોય, પણ તેમને હું વિદેશ જઈ કેવી રીતે ભાંડી શકું. તે જેવા છે તેવા મારા છે. તેમને પણ મારી સામે વાંધો છે. તેમણે મને અનેકો વખત નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છતાં તેઓ મારા છે. હું અમેરિકા જઈ મારા ગુજરાત અને મારા દેશની ટીકા કરી શકું નહીં, કારણ આ દેશ અને દેશનાં લોકો મારાં છે. હું મારા દેશમાં સારું શું થયું તેની વાત વિદેશમાં જઈ કરી શકું, પણ મારા દેશની ટીકા વિદેશ જઈ કરી શકું નહીં.

બીજા દિવસે સવારે ઊઠી મેં અમેરિકા રેડિયો સ્ટેશનને ફોન જોડયો અને કહ્યું, તમારા આમંત્રણ માટે આભાર, પરંતુ હું અમેરિકાની ધરતી ઉપર આવી મારા દેશની ટીકા કરું તે મને યોગ્ય લાગતું નથી. હું અમેરિકા આવી શકું તેમ નથી. એક પત્રકાર તરીકે મેં અનેકો વખત દેશની રાજકીય પાર્ટી અને નેતાઓની કડક ટીકા કરી છે, પણ અમેરિકા જઈ ભારતની ટીકા નહીં કરવાનો મારો નિર્ણય કદાચ હું મારા દેશને પ્રેમ કરું છું તેનો જ એક પ્રકાર હશે, વંદેમાતરમ્.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top