SURAT

સુરતમાં જ્વેલર્સની હડતાળના કારણે 70 કરોડના દાગીનાની ખરીદી અટકી

કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર બીઆઇઅસનો નિયમ ફરજિયાત કરવામાં આવતાં જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિયમના કારણે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક ઘરેણા પર હોલમાર્કિંગ યુનિક આઈડી નંબર નોંધવો પડશે. જેના વિરોધમાં શહેરના જ્વેલર્સો દ્વારા 23મી ઓગસ્ટના હડતાળ પાડવામાં આવી હતી. જો કે, સુરતમાં આ હડતાળનો મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો હતો. શહેરની મોટાભાગના જ્વેલરી શો-રૂમ બંધ જ્યારે અમુક ખુલ્લા રહ્યા હતાં.

કેન્દ્ર સરકાર દ્વારા બીઆઈએસ હોલમાર્કિંગના નિયમને જ્વેલરી ક્ષેત્રમાં ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. ગ્રાહક અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ વર્ગ માટે હોલમાર્કિંગનો રચવામાં આવેલો નિયમ આવકાર્ય છે, પરંતુ તેની સામે એચયુઆઈડીનો નિયમ તેટલો જ વિચિત્ર છે. આ નિયમ પોઈન્ટ ઓફ સેલની દ્રષ્ટિએ વેચાણવકર્તા જવેલર્સ સુધી રાખવામાં આવે તેવી માંગણી જ્વેલર્સો દ્વારા કરવામાં આવી રહી છે.

આ નિયમનું પાલન નહીં કરનારાઓ સામે દંડની જોગવાઇ કરવામાં આવી છે તેમજ લાઈસન્સ કેન્સલ કરવા સુધીની જોગવાઈ પણ છે. જેના કારણે નાના જ્વેલર્સની સ્થિતિ ખરાબ થશે, જેના વિરોધમાં વિવિધ જવેલર્સ સંગઠનો દ્વારા એક દિવસન શો-રૂમ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત શહેરમાં નાના-મોટા મળીને અંદાજે 2500 જેટલા જ્વેલર્સો છે.

જેમાંથી મોટા ભાગના બંધ રહ્યા હતાં. જ્યારે શહેરના 4થી 5 ટકા જેટલા જ્વેલર્સો ખુલ્લાં રહ્યાં હતાં. અડાજણ, ઘોડ-દોડ અને વેસુ સહિતના વિસ્તારોમાં આવેલા શો-રૂમ્સ બંધ રહ્યા હતાં. જ્યારે વરાછા કતારગામના અમુક જ્વેલર્સો ખુલા રહ્યા હતાં. ઈન્ડિયન બુલિનય જ્વેલરી એસોસિએશનના પ્રમુખ નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે, ‘આ બંધનો સુરતમાં સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ શહેરમાં અંદાજે 70 કરોડના દાગીનાની ખરીદી થઈ શકી નહતી.

Most Popular

To Top