Editorial

કોવિડ-૧૯ના વૈશ્વિક રોગચાળાનો નજીકના ભવિષ્યમાં અંત આવે તેવી શક્યતા દેખાતી નથી

ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય કેટલાક દક્ષિણી રાજ્યોમાં હજી કેસો વધારે છે. બીજી બાજુ ડેલ્ટા વેરિઅન્ટ અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના નીકળતા કેસો મોટી ચિંતાનો વિષય છે જ અને આ વધુ ચેપી વેરિઅન્ટોને કારણે દેશમાં ત્રીજું મોજું શરૂ થાય, ખાસ કરીને દિવાળીની આસપાસના સમયમાં શરૂ થાય તેવો ભય સેવાઇ રહ્યો છે ત્યારે વિશ્વમાં અનેક સ્થળે નવા કેસો નીકળી રહ્યા છે અને વિશ્વભરમાં ફરી એક વાર કોવિડ-૧૯ કોરોનાવાયરસના નવા વેરિઅન્ટો સાથે તરખાટ મચાવશે કે કેમ? તેવો ભય સેવાઇ રહ્યો છે.

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી કોવિડના કેસો વધી ગયા છે. હાલમાં એવા અહેવાલ આવ્યા છે કે ફ્લોરિડાની હોસ્પિટલો કોવિડના વધતા કેસોના કારણે ભારે દબાણ હેઠળ આવી ગઇ છે અને એવી તસવીરો બહાર આવી છે જેમાં દર્દીઓ સારવાર માટે રાહ જોતા જોતા હોસ્પિટલોમાં ફ્લોર પર સૂઇ રહ્યા હોય. અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના પહેલા મોજા વખતે જેવા દ્રશ્યો સર્જાયા હતા તેવા દ્રશ્યો ફરી વાર કેટલાક સ્થળે સર્જાઇ રહ્યા છે અને ફલોરિડાની હોસ્પિટલોમાં દર્દીઓના ધસારા વચ્ચે અંધાધૂંધીના દ્રશ્યોની વ્યથિત કરનારી તસવીરો બહાર આવી છે.

ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ સારવારની ઉપલબ્ધતા વધારવાના પ્રયાસો કરી રહ્યા છે. જ્યાં કોવિડ-૧૯ની એન્ટિબોડી સારવાર આપવામાં આવે છે તે જેકસનવિલે પબ્લિક લાયબ્રેરીનો એક ફોટો બહાર આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે બિમાર દર્દીઓ અહીં ભોંય પર સૂઇ રહ્યા છે. ફ્લોરિડામાં ૧૭૦૦૦ કરતા વધુ કોવિડના દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને આવા ૩૬૦૦ દર્દીઓ તો આઇસીયુમાં છે. અમેરિકામાં હાલમાં એક નવી બાબત એ બની રહી છે કે ત્યાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત બનતા બાળકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે બે સપ્તાહમાં જ હોસ્પિટલોમાં દાખલ થતા બાળકોની સંખ્યા સો ગણા જેટલી થઇ ગઇ છે. અમેરિકાભરની હોસ્પિટલોમાં ૧૭ વર્ષ કરતા ઓછી વયના બાળકો રોજના ૨૮૦ જેટલા દાખલ થઇ રહ્યા છે, ડોકટરો કહે છે કે ૧૪ દિવસ જ અગાઉ દરરોજના માત્ર બેથી ત્રણ બાળકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવતા હતા.

જો કે આમાં વિસ્તાર મુજબ આંકડાઓ જુદા જુદા છે. અમેરિકામાં હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની સારવાર માટે દાખલ કરવામાં આવેલા બાળકોની સંખ્યા ૪૯૦૦૦ કરતા પણ વધારે છે અને એક સપ્તાહમાં જ બે હજાર કરતા વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરો કહે છે કે આમાંથી ઘણા બાળકો એવા છે કે જેઓ ૧૨ વર્ષ કરતા વધુ વય ધરાવે છે અને તેમને રસી આપીને બિમારી અટકાવી શકાઇ હોત.

દરમ્યાન, બાળકોમાં વધતા કેસો આથે અમેરિકામાં રાજકીય વિવાદો પણ થયા છે. કેટલાક ગવર્નરો શાળાઓને બાળકો માટે માસ્કનો આગ્રહ રાખવાની મનાઇ ફરમાવી રહ્યા છે જ્યારે પ્રમુખ જો બાઇડને આવા ગવર્નરો સામે પગલા લેવાની ચેતવણી આપી છે. ઓસ્ટ્રેલિયામાં પણ નવા કેસો વધ્યા છે. જો કે કેસો બહુ મોટી સંખ્યામાં નથી પણ અત્યારથી જ તેમને સખત રીતે દાબી દેવા માટે ત્યાં સરકારે કડક નિયંત્રણો લાદતા તનાવ સર્જાયો છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ૬૦૦ કરતા વધુ કેસો નિકળ્યા બાદ સીડનીમાં લૉકડાઉન ઓકટોબર સુધી લંબાવવામાં આવ્યું છે, જ્યારે મેલબોર્ન અને બ્રિસ્બેન શહેરમાં પણ નિયંત્રણો અમલમાં મૂકવામાં આવતા પ્રજાના એક મોટા વર્ગમાં નારાજગી દેખાઇ રહી છે.

મેલબોર્નમાં શનિવારે એક લૉકડાઉન વિરોધી રેલી યોજવામાં આવી હતી જેમાં ૪૦૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ રેલીમાં કેટલાક લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી પડતા પોલીસે તેમના પર બળ પ્રયોગ કર્યો હતો. સીડની, બ્રિસ્બેન અને કેઇર્ન્સ શહેરોમાં પણ નાના પાયે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.બીજી બાજુ, કોવિડને કાબૂમાં લઇ લેવા બાબતે વિશ્વભરમાં જેની વ્યાપક પ્રશંસા થઇ હતી તે ન્યૂઝીલેન્ડમાં પણ નવા કેસો દેખાતા ચિંતાઓ સર્જાઇ છે.

આ નવા કેસો ભારતીય ડેલ્ટા વેરિઅન્ટના કારણે નીકળ્યા હોવાનું માનવામાં આવે છે. આના પછી વડાપ્રધાન આર્ડેને ચેતવણી આપી છે કે વધતા કેસોને કાબૂમાં લેવા માટે સખત નિયંત્રણો અમલમાં મૂકવામાં આવી શકે છે. ચીનમાં, જ્યાંથી રોગચાળાની શરૂઆત થઇ હતી, પણ બાદમાં રોગચાળો ખૂબ કાબૂમાં આવી ગયો હતો ત્યાં પણ નવા કેસો નીકળ્યા છે. લાગે છે કે નવા વેરિઅન્ટોને કારણે કોવિડના રોગચાળાનો અંત જલ્દી નહીં આવે. એક સદી પહેલાના સ્પેનિશ ફ્લુનો રોગચાળો પણ ત્રણેક વર્ષ ચાલ્યો હતો, તે રીતે આ રોગચાળો પણ ઓછામાં ઓછો ત્રણ વર્ષ તો ચાલશે જ એમ લાગે છે.

Most Popular

To Top