Charchapatra

જીવતે જીવત માર માર્યો  અને મર્યા  પછી ગામને જમણ!

શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા છે. ભારતમાં હિન્દુઓ આ દિવસોને મહત્ત્વના ગણે છે. પિતૃઓને તૃપ્ત કરવા પિંડદાન, શ્રાદ્ધ, કાગવાસ, ગાય કૂતરાને ખવડાવવું વગેરે કરતાં હોય છે. જાણે બહુ કર્મનિષ્ઠ!અરે! આ જ પિતુઓ જ્યારે ધરતી પર જીવતાં હતાં, વૃદ્ધો થઈ ગયાં હતાં, બિમાર અને લાચાર અશક્તિમાન હતાં ત્યારે ઘણી જગ્યાએ ઘરોમાં બેહાલ થતાં જોવામાં આવ્યા છે. થોડું ઘણું ખાતાં હતાં તે પણ ઘરના માણસોએ બંધ કરી દીધું હતું. ફળોના રસ નારિયેલ પાણી, સૂપ કાંજી દૂધ તો દૂરની વાત પણ ક્યારે મરી જાય તે માટે બધું જ કરી છૂટવા તૈયાર.

આવું પણ જોયું છે. યાદ આવતાં હ્રદયમાં ખૂબ વેદના થાય છે. જીવતાં હોય ત્યારે જ સેવા કરો, દવા કરો, બે ઘડી પાસે બેસો, ગમતું અને ચવાય એવું ખવડાવો ડોસાઓને મારો નહીં .૮૫-૯૦ વર્ષનાં વૃદ્ધોને માર ખાતાં પણ જોયા છે. હાય રે સમાજ! બિચારાં વૃદ્ધોને સહન કરતાં પણ જોયાં છે. ભૂખ અને પાણી વગર ગુપચુપ મરી જતાં પણ જોયા છે. મર્યા પછી ગામમાં મીઠાઇ -લ્હાણીની જ્યાફત અને દૂધપાક – લાડુના જમણ થતાં જોવા મળ્યાં છે. કાગડા કૂતરા ગાયને જમાડવાથી શું ફળ? જીવતે જીવત તો નર્યું દુ:ખ જ દુ:ખ આપ્યું. દંભી અને કપટી દુનિયાનું આ એક પાસું છે.
સુરત     – જ્યા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સ્વાધ્યાય-પોથી
શાળાજીવનમાં સ્વાધ્યાયનું અનોખું મહત્ત્વ છે. સામાન્ય રીતે સ્વાધ્યાય એટલે પોતાની મેળે અભ્યાસ, પાઠ કરવો તે. અંગ્રેજીવાળા ‘એક્સસૉઈઝ’ કહે. જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારનો અભ્યાસ કરવો પડે છે. સ્વાધ્યાયને વિશાળ અર્થમાં જોઈએ તો સ્વ એટલે આત્મા અને અધ્યાય એટલે જ્ઞાન-આત્મજ્ઞાન. આધ્યાત્મિક વેદ, ઉપનિષદ, ગીતા વગેરે શાસ્ત્રોનો દીર્ઘકાળ, નિરંતર, શ્રદ્ધાભક્તિપૂર્ણ અભ્યાસ એવો થાય છે. વ્યક્તિના પોતાના અભ્યાસ, અધ્યયન પોતાની મેળે તૈયાર કરવા પડે છે. અલબત્ત, જીવનપાઠની તૈયારી અગત્યની હોય છે. શાળામાં સ્વાધ્યાયપોથી ભરવાની હોય છે. આમ પણ સ્વાઘ્યાયપોથી એટલે જાતે તૈયાર થવાનું પુસ્તક. એમાં માત્ર પ્રશ્નો હોય, ઉકેલ જાતે શોધવા પડે. નાનાં બાળકો માટે બાળપોથી આવે. દરેક વિષયના એકમ, પાઠ પછી સ્વાધ્યાય આવે. વિદ્યાર્થી પાઠને બરાબર સમજી લે પછી પ્રશ્નોનો ઉકેલ સરળ બને છે. જેટલા વધુ પ્રશ્નોનો ઉકેલ જાતે શોધો, લખવાની પ્રેક્ટિસથી વિષય પર પકડ વધતાં સુંદર પરિણામ આવી શકે છે. સત્ય એ છે કે, માનવજીવન એક અંતહીન સ્વાધ્યાયપોથી છે. દરેક દિવસ એક પ્રશ્ન છે. જેનો ઉકેલ જાતે મેળવવાનો છે. જેટલી ચોકસાઈ રાખીશું એટલું પરિણામ સારું મેળવી શકાય છે.
નવસારી.   કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top