Charchapatra

દીન દલિત પછાત

આર્ય સંસ્કૃતિમાં ચાર વર્ગો તેમની કામગીરીને અનુરૂપ સ્થપાયા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ઉપરાંત શુદ્ર પ્રકારે સમાજ રચના થઇ. આમાં કાળક્રમે શુદ્રોને દુર્દશા, અન્યાય, આભડછેટ અને અપમાનનો ભોગ બનવું પડયું. ભારતમાં આજે એકસો તેંતાલીસ કરોડની જનસંખ્યામાં મોટે ભાગે દીનદલિત અને પછાત વર્ગનાં લોકો જીવે છે, તેમની પર શુદ્રતાનો કલંકિત અન્યાયી પડછાયો છે. જે સમૂળગો દૂર થવો જોઇએ. મહિલા આરક્ષણ બિલ વખતે આવો ભેદભાવ પ્રગટ થયો તે બિલમાં ઓબીસી (અધર બેકવર્ડ કલાસ), અલ્પ સંખ્યક મુસ્લિમો માટેની જોગવાઇનો અભાવ જણાયો. આઝાદી અને ગણતંત્રનાં છોત્તેર વર્ષો પછી પણ પછાત વર્ગો અને અલ્પસંખ્યકોની દશા સુધરી નથી.

સત્તાસ્થાન હોય કે અધિકારી વર્ગ હોય, ત્યાં તેમની ઉપેક્ષા જ થઇ છે. તેમના કલ્યાણ અને ઉત્થાનની યોજનાઓ તો જાહેર થાય છે પણ ઇચ્છિત પરિણામ દેખાતું નથી. આને બદલે હવે તો નફરત અને હિંસાનું વાતાવરણ જામ્યું છે. ધર્મને નામે અધર્મનું આચરણ થાય છે. બાબાસાહેબ આંબેડકરે માનવતાને અગ્રસ્થાન આપતું સમાનતાને અધિકાર આપતું સંવિધાન આપ્યું છે. આમ છતાં બંધારણીય અમલ થતો નથી. આજે સૌથી પહેલી જરૂરત છે દીનદલિત પછાત, અલ્પસંખ્યકોને સન્માન અને ન્યાય સાથે આત્મનિર્ભરતાની, સશકિતકરણની સરકારમાં અને શાસનમાં કાર્યરત અધિકારીગણમાં તેમની પૂરતી સંખ્યા સાથેના અવાજની, ઉચ્ચનીચના ભેદભાવ, આભડછેટ દૂર કરવાની, નફરત અને હિંસા નિર્મૂળ કરવાની, સમાન તકો આપવાની અને સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કાર માટેની સક્રિયતાની. દીનદલિત પછાત સમાજે પણ ઉજળિયાત સમાજ જેવા સ્વચ્છ આવાસ, સુઘડતા, યોગ્ય પોશાક અને ખાધાખોરાકી બાબતોમાં સુંદર રુચિ કેળવવાની. સંગઠિત રીતે આગળ વધવાની પરિશ્રમયુકત તમન્ના અને વ્યસનમુકિતની દૃઢતા સાથેની ભાવના કેળવવાની. દેશમાં તેમની જનસંખ્યાનું બળ આ બધું સિધ્ધ કરી શકે તેમ છે, તેમની સામે ઊભું છે તેમનું ઉજ્જવળ ભવિષ્ય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top