Sports

જે ગેમનું ભારતમાં કોઇએ નામ નહોતું સાંભળ્યું તે લોન બોલમાં વર્કિંગ વુમનની ટીમે દેશને ગોલ્ડ અપાવ્યો

બર્મિંઘમમાં રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં જ્યારે ભારતીય મહિલાઓએ લોન બોલમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે દેશના ઘણાં લોકો ગૂગલ પર એ રમત વિશે સર્ચ કરતાં થઇ ગયા હતા. આ દેશના મોટાભાગના લોકોને આ રમત અંગે કોઇ જાણકારી નહોતી અને આ મહિલા ટીમે જ્યારે ગોલ્ડ જીત્યો છે ત્યારે પણ મોટાભાગના લોકોને એ રમત કેવી રીતે રમાય છે કે તેમાં પોઇન્ટની ગણતરી કઇ રીતે થાય છે તે અંગે કોઇ જ માહિતી નથી. હવે જે રમતમાં દેશના લોકોને જાણકારી નથી તે રમતમાં ગોલ્ડ જીતવો અને એ ગોલ્ડ પણ બીજું કોઇ નહીં પણ મહિલા ખેલાડીઓ જીતે અને તે પણ એવી મહિલાઓ કે જેઓ વર્કિંગ વુમન છે ત્યારે બધા એ રમત વિશે જાણવા માટે ઇચ્છુક તો બને જ.

આ ક્રિકેટ પ્રેમી દેશમાં જ્યાં લોકોએ કોમનવેલ્થ ગેમ્સ પહેલા લૉન બોલનું નામ પણ નહોતું સાંભળ્યું તેમાં હવે ચાર મહિલાઓએ ગોલ્ડ મેડલ જીતાડી દીધો.. આપણી મહિલા ટીમે આ અજાયબી કરી બતાવીને વિશ્વમાં એક નવી છાપ છોડી છે. આ રમતમાં સૌથી વધુ વખત જીત મેળવનાર દેશ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા રહ્યા છે. જો કે્ ભારતીય મહિલાઓએ જે રીતે સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા પછી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પોડિયમ પર મોખરાનું સ્થાન મેળવ્યું તે કાબિલે તારીફ છે. .

ભારતીય મહિલા ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં લોન બોલ ટીમ ફોર્સ ફોર્મેટમાં પહેલીવાર ફાઇનલમાં પહોંચી હતી. લવલી ચોબે (લીડ), પિન્કી (સેકન્ડ), નયનમોની સેકિયા (થર્ડ) અને રૂપા રાની ટિર્કી (સ્કિપ)ની ભારતીય મહિલા ફોર્સ ટીમે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સ લોન બોલની મહિલા ફોર્સ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. હાલની કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટીંગ સિવાયની ગેમમાં આ ભારતનો પહેલો ગોલ્ડ રહ્યો છે. ફાઇનલમાં એક સમયે ભારતીય મહિલા ટીમ 8-2થી આગળ હતી પણ થાંબેલો મુહાંગો (લીડ), બ્રિગેટ કાલિત્ઝ (સેકન્ડ), એસ્મી ક્રગર (થર્ડ), જોહાના સ્નીમેન (સ્કીપ)ની દક્ષિણ આફ્રિકન ટીમે સ્કોર 8-8થી બરોબરી પર મૂક્યો હતો. જો કે ભારતીય ખેલાડીઓએ સંયમ જાળવીને અંતિમ ત્રણ રાઉન્ડમાં સરસાઇ મેળવીને જીત મેળવી હતી.

મહિલા લોન બોલ ફોર્સ ટીમે કોઇપણ કોચ વગર દેશને અપાવ્યો ગોલ્ડ
ભારતમાં કોઇએ જે રમતનું નામ પણ સાંભળ્યું નહોતું તે લોન બોલ્સમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનારી મહિલા લોન બોલ્સ ફોર્સ ટીમે કોઇપણ કોચ વગર આ ગોલ્ડન સિદ્ધિ મેળવી છે. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પહેલીવાર 2010માં દિલ્હીમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમે આ ઇવેન્ટમાં ક્વોલિફાઇ કર્યું હતું. આજે ગોલ્ડ જીત્યા પછી લવલી ચોબે, પિન્કી સિંહ, રૂપા રાની ટિર્કી અને નયનમોની સેકિયાએ જણાવ્યું હતુ કે છેલ્લી ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં સફળતા ન મળવાનું કારણ સરકાર પાસેથી કોઇ સમર્થન મળતું નહોતું. ખેલાડીઓએ કોચ વગર જ પ્રેક્ટિસ કરી હતી અને બર્મિંઘમમાં પણ ટીમ ટૂર્નામેન્ટના ચાર દિવસ પહેલા જ પહોંચી અને ચારેય દિવસ ગ્રીન ગ્રાઉન્ડ પર તેમણે આકરી પ્રેક્ટિસ કરી જેનો ફાયદો તેમને મળ્યો

લવલી સ્પ્રીન્ટર જ્યારે નયનમોની વેઇટલિફ્ટર હતી પણ ઇજા પછી આ રમત અપનાવી
ભારતની લોન બોલ ટીમની બે સભ્ય લવલી ચોબે અને નયનમોની સેકિયા પહેલા અલગ રમતમાં હતી. જેમાંથી લવલી 100 મીટર દોડની સ્પ્રીન્ટર હતી, તો નયનમોની વેઇટલિફ્ટર હતી. આ બંને પોતપોતાની રમતમાં ઘાયલ થઇ હતી અને તેના કારણે તેઓ એ રમત છોડીને લોન બોલમાં આવી હતી.

લોન બોલના બોલ ભારતમાં નથી બનતા, ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડથી આયાત કરવા પડે છે
લોન બોલની રમત ભારતમાં જાણીતી નથી, મોટાભાગના ભારતીયોએ તેનું નામ પણ નહીં સાંભળ્યું હોય. મહત્વની વાત એ છે કે લોન બોલ માટે ગ્રીન ગ્રાઉન્ડ અને યોગ્ય બોલ જોઇએ છે. આ બોલ ભારતમાં નથી બનતા પણ તેને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડથી આયાત કરવા પડે છે. લવલી ચોબેએ જોકે એવી આશા વ્યક્ત કરી હતી કે અમે આ મેડલ જીત્યો તે પછી હવે સ્થિતિ બદલાશે.

Most Popular

To Top