Business

RBIએ રેપો રેટમાં વધારો કરતા તમારી લોનનો EMI 900 રૂપિયા વધી જશે

નવી દિલ્હી: રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (RBI MPC Meeting)ની ઓગસ્ટ 2022ની બેઠક શુક્રવારે પૂરી થઈ હતી. બુધવારથી ત્રણ દિવસની બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા ચાર મહિનામાં રેપો રેટમાં 1.40 ટકાનો વધારો થયો છે. હવે તેની અસર હોમ લોનથી લઈને પર્સનલ લોન સુધીના લોકોની EMI પર જોવા મળશે.

4 મહિનામાં ત્રીજીવાર વધારો
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની આ બેઠક અગાઉ સોમવારથી બુધવાર સુધી યોજાવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવી પડી હતી. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે મેથી રેપો રેટ વધારવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેંકે મે મહિનામાં મોનેટરી પોલિસી કમિટી ની ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. મોંઘવારી વધવાને કારણે રિઝર્વ બેન્કે આ પગલાં ભરવા પડ્યા છે. મે 2022ની બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. તે પછી જૂન મહિનામાં મોનેટરી પોલિસી કમિટીની નિયમિત બેઠક યોજાઈ હતી, જેમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આરબીઆઈએ મે મહિનામાં લગભગ બે વર્ષ બાદ પ્રથમ વખત રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. લગભગ બે વર્ષ સુધી રેપો રેટ માત્ર 4 ટકા જ રહ્યો. હવે રેપો રેટ વધીને 5.40 ટકા થઈ ગયો છે.

આ કારણોસર રેપો રેટ વધારવો પડ્યો
સરકાર અને રિઝર્વ બેંકના પ્રયાસો બાદ ભલે મોંઘવારી કાબુમાં આવી હોય પરંતુ બીજી તરફ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ સહિત અનેક દેશોની સેન્ટ્રલ બેંકો આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરી રહી છે. યુએસમાં ઐતિહાસિક ફુગાવાના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં સતત વધારો કરી રહ્યું છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ આ સપ્તાહે રેકોર્ડ 27 વર્ષમાં વ્યાજ દરમાં સૌથી મોટો વધારો (0.50 ટકા) જાહેર કર્યો છે. આ કારણે લગભગ તમામ વિશ્લેષકો માની રહ્યા હતા કે રેપો રેટ વધશે. મોટાભાગના વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું હતું કે રિઝર્વ બેંક આ વખતે રેપો રેટ 0.35 ટકાથી વધારીને 0.50 ટકા કરી શકે છે.

RBIએ ફરી રેપો રેટમાં વધારો કર્યો છે. રેટ વધવાથી તમારા જીવન પર આ અસરો પડશે.

  • RBI દ્વારા રેપો રેટમાં વધારાથી તમારી હોમ અને કાર લોન જેવી અન્ય લોનની EMI વધશે. કારણ કે બેંકો સામાન્ય રીતે વધેલા રેપો રેટનો બોજ પોતે ઉઠાવવાને બદલે ગ્રાહકો પર નાખે છે.
  • રેપો રેટ વધારવાની અસર તમારા સેવિંગ બેંક એકાઉન્ટ અને FD પર પણ પડશે. બેંકો તમારા સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર વધારી શકે છે.
  • સતત વધતી જતી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે, કેન્દ્રીય બેંક રેપો રેટમાં વધારો કરીને તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. રેપો રેટમાં તાજેતરનો વધારો ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ કરશે તેવી અપેક્ષા રાખવી જોઈએ.
  • જો તમે EMI નો બોજ તમારા પર વધવા દેવા નથી માંગતા, તો તમારી બેંક પહેલા જેવી જ EMI રાખીને તમારી લોનની મુદત વધારી શકે છે. મતલબ કે તમે અગાઉ 160 મહિના માટે લીધેલી લોન 162 અથવા 165 મહિના માટે લઈ શકાય છે.
  • રેપો રેટમાં વધારો મોંઘવારીને ઘટાડવામાં મદદ કરી શકે છે. રિઝર્વ બેન્કનું માનવું છે કે મોંઘા વ્યાજ દરને કારણે મોંઘવારીનો દર અંકુશમાં આવશે.
  • રેપો રેટ વધારવાની અસર ઔદ્યોગિક વિકાસ પર પણ પડી શકે છે. કારણ કે વ્યાજ દર તેમના માટે પણ મોંઘા થઈ જશે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આર્થિક વિકાસ દર પર પણ અસર પડી શકે છે. આની અસર રોજગાર દર પર પણ પડવાની શક્યતા છે.

આ રીતે વધશે તમારી હોમલોનનો હપ્તો
રેપોરેટ વધતા બેંક લોન ના હપ્તામાં વધારો થશે. સરળ ભાષામાં વાત કરીએ તો કોઈકે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમલોન લીધી છે. આ લોન પર જો વ્યાજના દર 8 ટકા હોય તો 25,093 રૂપિયા EMI ચુકવવું પડે છે. 20 વર્ષમાં આ વ્યાજદરથી તમારે 30,22,368 રૂપિયા વ્યાજ ચુકવવું પડે છે. એટલે તમારી 30 લાખ રૂપિયાનો લોનનાં તમારે 60,22,368 રૂપિયા ચુકવવા પડશે. હવે RBIએ વ્યાજના દરોમાં વધારો કરતા 8.50 ટકા વ્યાજ ચુકવવું પડશે. જેથી હવે આજ લોનનો EMI વધીને 26, 035 થશે. જેથી વ્યાજદરો વધવાના કારણે તમારી EMIમાં 942 રૂપિયા વધી જશે. જેથી 20 વર્ષ માટે લીધેલી 30 લાખ રૂપિયાની લોન માટે તમારે 62,48,327 રૂપિયા ચૂકવવા પડશે. આમ તમારે 2,25,959 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

રેપોરેટનું EMI કનેક્શન
રેપોરેટ એ વ્યાજદર છે જેના પર બેન્કો RBI પાસેથી લોન લે છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેન્કો પણ ગ્રાહકો માટે વ્યાજદરમાં ઘટાડો કરે છે. તેનાથી EMI પણ ઘટી શકે છે. તે જ રીતે જ્યારે રેપોરેટ વધે છે ત્યારે વ્યાજદરમાં વધારાના કારણે ગ્રાહક માટે ધિરાણ મોંઘુ થાય છે. જ્યારે રિવર્સ રેપોરેટ તે દરને કહે છે જેના પર બેન્કો RBIમાં પૈસા જમા કરે છે અને RBI તેમને વ્યાજ આપે છે. અત્યારે રિવર્સ રેપોરેટ 3.35% છે.

Most Popular

To Top