Editorial

હવાઇ પ્રવાસમાં મુસાફરો અને કર્મચારીઓ શિસ્ત જાળવી રાખે તે ખૂબ જરૂરી છે

છેલ્લા કેટલાક સમયમાં વિશ્વભરમાં હવાઇ મુસાફરીઓના પ્રમાણમાં ઘણો જ વધારો થયો છે. દુનિયાભરના આકાશમાં ઉડાઉડ કરતા રહેતા વિમાનોની સંખ્યા ખૂબ વધી ગઇ છે અને હવાઇ મુસાફરી કરતા લોકોના પ્રમાણમાં અનેકગણો વધારો થયો છે. દુનિયામાં જ્યારે ઓટોમોબાઇલની શોધ નહીં થઇ હતી ત્યારે લોકો પશુઓ પર સવારી કરીને અને ત્યારબાદ બળદગાડા કે ઘોડાગાડી જેવા વાહનોમાં બેસીને મુસાફરી કરતા. થોડાક સો કિલોમીટરનું અંતર કાપતા પણ દિવસો નીકળી જતા. પછી ઇંધણથી ચાલતા સ્વચાલિત વાહનો આવ્યા, કોલસાથી ચાલતી ટ્રેન આવી અને મુસાફરીની તરાહ નોંધપાત્ર બદલાવા માંડી.

આંતરરાષ્ટ્રીય પ્રવાસો જહાજો અને પછી સ્ટીમરો દ્વારા થતા હતા, આજે પણ થાય તો છે જ, પરંતુ ગત સદીની શરૂઆતમાં વિમાનની શોધ થઇ અને પછી તેમાં ઝડપી સુધારા, વધારા થયા તે પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસોનું આખું ચિત્ર જ બદલાઇ ગયું. થોડા વર્ષોમાં તો વિશ્વભરમાં એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસ કરવા માટે વિમાન એક આગળ પડતુ સાધન બની ગયું. ઓટો વાહનો અને રેલવે ટ્રેનોમાં અનેક ટેકનોલોજીકલ સુધારા થયા, વિજળીથી ચાલતી ટ્રેનો શરૂ થઇ તે છતાં ડોમેસ્ટિક એટલે કે દેશની અંદર જ થતી હવાઇ મુસાફરીઓ પણ વધવા માંડી અને છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં જે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એર ટ્રાવેલ એટલે કે હવાઇ મુસાફરીઓમાં વધારો થયો છે તે સાથે જ મુસાફરીઓના અન્ય માધ્યમોમાં પ્રવર્તતી અરાજકતા, બેદરકારી જેવી બાબતો હવાઇ મુસાફરીના ક્ષેત્રે પણ પ્રવેશવા માંડી છે એ એક ચિંતાજનક બાબત છે.

હવાઇ મુસાફરોના પ્રમાણમાં થયેલા મોટા વધારા પછી બસ કે ટ્રેનમાં કેટલાક મુસાફરો જે રીતે ગેરશિસ્તભર્યું વર્તન કરે છે તેવું વર્તન કરનારા મુસાફરો હવે વિમાનોમાં પણ દેખાવા માંડ્યા છે. આજથી કેટલાક વર્ષ પહેલા વિમાનમાં તો મુસાફરોનું વર્તન શિસ્તબધ્ધ જ હોય તેવો એક માહોલ હતો તે હવે બદલાયો છે અને વિમાનોમાં મુસાફરો વચ્ચે ગાળા ગાળી અને મારા મારી થાય, કોઇ મુસાફર દારૂ પીને ધમાલ કરે તેવા બનાવો વધ્યા છે. ભારતમાં અને વિશ્વમાં અન્યત્ર પણ આવા બનાવો છેલ્લા કેટલાક સમયમાં નોંધપાત્ર વધારે નોંધાયા છે જેની ચર્ચા અહીં અગાઉ પણ થઇ ચુકી છે.

પરંતુ બસ કે ટ્રેનના કર્મચારીઓની બેદરકારીના બનાવો જે અગાઉ પ્રસંગોપાત બહાર આવતા હતા તેવા બનાવો હવે વિમાની કર્મચારીઓના સંદર્ભમાં પણ બનવા માંડ્યા છે અને તે વધુ ચિંતાજનક બાબત છે. આપણા દેશની જ મુખ્ય એરલાઇન એર ઇન્ડિયામાં આ વર્ષ દરમ્યાન જ બનેલા પાયલોટોની બેફિકરાઇના બે બનાવો જોઇએ. હાલમાં એર ઇન્ડિયાને એક ફ્લાઇટમાં પાયલોટોએ તેમની એક મહિલા મિત્રને કોકપીટમાં આવવા દીધી હતી. આ જ એરલાઇનમાં આ વર્ષ દરમ્યાન આવો આ બીજો બનાવ છે. મળતી વિગતો મુજબ હાલ કેટલા દિવસ પહેલા દિલ્હીથી લેહ જઇ રહેલ ફ્લાઇટમાં આ બનાવ બન્યો હતો.

વિમાનના પાયલોટોએ તેમની મિત્ર એવી એક મહિલાને વિમાનની કોકપીટમાં પ્રવેશવા દીધી હતી. વિમાન આકાશમાં ઉડી રહ્યું હોય તે સમયે કોઇ બિનકર્મચારી વ્યક્તિને કોકપીટમાં પ્રવેશવા દેવી તે નિયમ વિરુદ્ધ છે. આવું કરવા બદલ આ ફ્લાઇટના બંને પાયલોટોને એર-ઇન્ડિયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે તપાસ કરવા એક સમિતિ રચવામાં આવી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં આ રીતે બિનઅધિકૃત વ્યક્તિને પ્રવેશવા દેવાની બાબત વિમાન અને મુસાફરો સામે ગંભીર જોખમ ઉભું કરનારી હતી કારણ કે લેહ જતો હવાઇ માર્ગ આમ પણ ખૂબ મુશ્કેલ હવાઇ માર્ગ ગણાય છે.

હવાઇ માર્ગ મુશ્કેલ હોય કે ન હોય પરંતુ હવામાં અધ્ધર રહીને ઉડતું વાહન એક પ્રકારની જોખમી સ્થિતિમાં તો પ્રવાસ કરતું જ હોય છે અને સ્વાભાવિક રીતે તેમાં જમીન પર રહીને દોડતા વાહનોની સરખામણીમાં વધુ શિસ્તભર્યા વર્તનની જરૂર હોય છે, ચાલકો અને પ્રવાસીઓ બંને પાસેથી આવા વર્તનની અપેક્ષા હોય છે. હાલનો આ બનાવ એના એક મહિના પછી જ આવ્યો છે જ્યારે ડીજીસીએ દ્વારા આવા એક બનાવ અંગે એર-ઇન્ડિયાએ રૂ. ૩૦ લાખનો દંડ કર્યો હતો. દુબઇથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં ૨૭ ફેબ્રુઆરીના રોજ એક પાયલોટે પોતાની સ્ત્રી મિત્રને બોલાવી હતી. વિમાનના જ એક કર્મચારીએ તે પાયલોટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી છતાં યોગ્ય પગલા નહીં લેવાતા ગયા મહિને ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએએ એર-ઇન્ડિયાને દંડ કર્યો હતો. તપાસ થાય અને શિસ્તભંગ કરતા પાયલોટો કે અન્ય કર્મચારીઓને યોગ્ય શિક્ષા થાય તે જરૂરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વધેલું વૈશ્વિવકરણ, વિશ્વના અનેક દેશોમાં લોકોની, ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની સધ્ધર બનેલી આર્થિક સ્થિતિ, ઝડપી અને સ્પર્ધાત્મક બનેલ જીવન વગેરે કારણોસર હવાઇ મુસાફરીઓના પ્રમાણમાં ખૂબ વધારો થયો છે. ડોમેસ્ટિક ફ્લાઇટોના પ્રમાણમાં થયેલા વધારા માટે તો મોટે ભાગે આ જ કારણો જવાબદાર છે. સસ્તા ભાડાની એરલાઇનોનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે અને છેલ્લા ૧પ વર્ષમાં તો તેમનો બજાર હિસ્સો બમણો થઇ ગયો છે અને તેથી પણ હવાઇ મુસાફરી વધી છે. જો કે આપણે આગળ જોયું તેમ હવાઇ મુસાફરી વધુ શિસ્તબધ્ધ અને જવાબદાર વર્તન માગી લેતી મુસાફરી છે અને કોઇ પણ ચાલકો અને પ્રવાસીઓ તરફથી ગેરશિસ્ત નહીં થાય તે માટે કડક નિયમો અને કાયદાઓની જરૂર છે.

Most Popular

To Top