Dakshin Gujarat

સોનગઢ વાજપુર રેંજમાં લાકડાની તસ્કરી કરનારા ટોળાએ જંગલ ખાતાનાં વાહનોને અટકાવી હુમલો કર્યો

વ્યારા: (Vyara) સોનગઢના (Songadh) વાજપુર રેંજમાં ગવલણ ગામે (Village) લાકડાની તસ્કરી (Wood Thieves) કરનારાઓના ટોળાએ જંગલ ખાતાનાં (Forest Department) વાહનોને અટકાવી હુમલો કરતાં વાજપુર રેંજનો એક રોજમદાર અને બીટગાર્ડ ઘવાયો હતો. ટોળામાંના રસિક પ્રભુભાઈ વસાવાએ કુહાડી લઈને રોજમદાર ઉબડિયા વેડિયાભાઈ વસાવાના માથામાં મારી દેતાં રોજમદાર લોહીલુહાણ થઈ ગયો હતો. આ ટોળામાંના કોઈકે બીટગાર્ડ ગૌતમભાઈ કવાડના ડાબા હાથે પણ ઈજા પહોંચાડી હતી. હાલ આ બંને કર્મચારીઓને સારવાર અર્થે સોનગઢ રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.

  • સોનગઢના ગવલણના જંગલમાં લાકડાચોરોનો વનકર્મીઓ પર હુમલો, બે કર્મીઓ ઘવાયા
  • બંને કર્મચારીઓને સારવાર અર્થે સોનગઢ રેફરલ હોસ્પિટલ ખસેડાયા

પ્રાપ્ત માહિતી મુજબ ગવલણ ગામે જૂના આમલપાડાના સિંગા વસાવા અને દિલીપ વસાવા ઘરે સાગી લાકડામાંથી ગેરકાયદે ફર્નિચર બનાવી વેચતા હોવાની ફરિયાદ વાજપુર રેંજના આરએફઓને મળી હતી. ગત 14-6-23ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં તે સ્થળે તપાસ અર્થે પહોંચતાં વનકર્મીની રેડ જોઇ આ બંને જણા ઘરેથી ભાગી ગયા હતા. વન કર્મીઓએ ઘરની તલાસી લઈ તેમાંથી 6 નંગ સાગી સાઈઝ સાથે ફર્નિચરમાં બે સોફા અને એક પલંગ સહિતની સામગ્રી સોનગઢ રાણીઆંબા ડેપો લઈ આવ્યા હતા. આ બનાવ બાદ ગવલણના જંગલમાં આગ લાગી હતી, તે આગ આ ચોરટાઓએ લગાવી હોવાનું માલૂમ પડતાં વન વિભાગનાં રોજમદાર ગામનાં લોકો સાથે આગ બુઝાવવાના કામે લાગ્યા હતા, ત્યારે અમુક જણાએ રોજમદાર આશિષ વસાવાને આગ ઓલવતા અટકાવ્યા હતા.

જેની પોતાના અધિકારીને જાણ કરતા વાજપુર રેંજના આરએફઓ હિતેન્દ્ર ચૌધરી સ્ટાફ સાથે સરકારી વાહનમાં આશરે 11 વાગ્યાના અરસામાં ફરી ગવલણ ગામે પહોંચ્યા હતા. ત્યાં પુલ પાસે રસ્તામાં પથ્થરો ગોઠવી વન વિભાગના કર્મીઓને જતા અટકાવાયા હતા. આ ટોળા પૈકીના સિંગા વસાવા, દિલીપ વસાવા અને પ્રવીણ વસાવા સહિતે અમારા ઘરેથી લાકડાં અને ફર્નિચર લઈ ગયા છો તે પરત આપી દો, ધાકધમકી આપતાં આરએફઓએ તે લાકડા અને ફર્નિચર ગેરકાયદે હોવાથી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જંગલમાં લાગેલી આગ ઓલવવા માટે જવા દેવાનું કહેતાં તેમની સાથેનાં કેટલાક ઇસમો ઉશ્કેરાઇ ગયા હતા અને વન વિભાગના કર્મીઓ ઉપર હીચકારો હુમલો કર્યો હતો. જે અંગેની વનકર્મીઓએ પોલીસ ફરિયાદ આપી હતી.

Most Popular

To Top