ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ ફક્ત લશ્કરી નથી તે હવે આર્થિક સંકટમાં પણ ફેરવાઈ રહ્યો છે. ઇઝરાયલના ભૂતપૂર્વ સંરક્ષણ સલાહકાર બ્રિગેડિયર જનરલ રીમ અમીનાકના મતે ઇઝરાયલ યુદ્ધ લડવા માટે દરરોજ $725 મિલિયન એટલેકે લગભગ ₹6,000 કરોડ ખર્ચ કરી રહ્યું છે.
આમાં ફક્ત મિસાઇલ, જેટ ઇંધણ, બોમ્બમારો અને સૈનિકોની તૈનાતી જેવા સીધા ખર્ચનો સમાવેશ થાય છે. જો જાહેર માળખાને નુકસાન અને ઉત્પાદકતામાં ઘટાડો પણ ઉમેરવામાં આવે તો વાસ્તવિક ખર્ચ આના કરતા ઘણો વધારે હોઈ શકે છે. ઇઝરાયલી નાણા મંત્રાલયે 2025 માં GDP વૃદ્ધિ દરનો અંદાજ 4.3% થી ઘટાડીને 3.6% કર્યો છે. જ્યારે 2025 માં અગાઉ નક્કી કરાયેલ બજેટ ખાધ મર્યાદા 4.9% થી વધી શકે છે.
પહેલા 2 દિવસમાં ₹12,500 કરોડ ખર્ચાયા
13 જૂને ઈરાન પર થયેલા હુમલા પછી પહેલા બે દિવસમાં ઇઝરાયલનો ખર્ચ $1.45 બિલિયન (લગભગ ₹12,500 કરોડ) સુધી પહોંચી ગયો. આમાંથી, $593 મિલિયન (લગભગ ₹5 હજાર કરોડ) બોમ્બમારા અને જેટ ઇંધણ પર ખર્ચાયા અને બાકીનો બચાવ કામગીરી પર ખર્ચ થયો.
આ યુદ્ધમાં અત્યાર સુધી ઇરાને 400 થી વધુ મિસાઇલો છોડી છે જ્યારે ઇઝરાયલે 120 લોન્ચર્સનો નાશ કરવાનો દાવો કર્યો છે. ઇઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ હવે થાકી રહી છે. અમેરિકા પાસેથી નવી ડિફેન્સ સિસ્ટમ મળવાની અપેક્ષા છે. આ સાથે ઇઝરાયલ અમેરિકા પાસેથી મળતા ભંડોળમાં વધારો કરવાની માંગ પણ કરી શકે છે.
ફાયર પાવર વેબસાઇટ અનુસાર અમેરિકા આયર્ન ડોમ અને એરો ડિફેન્સ સિસ્ટમ માટે દર વર્ષે ઇઝરાયલને 4500 કરોડ રૂપિયા આપે છે. અમેરિકા દ્વારા દર વર્ષે ઇઝરાયલને લશ્કરી સહાય તરીકે લગભગ 30 હજાર કરોડ રૂપિયા અલગથી આપવામાં આવે છે. આ સહાયને ‘ઇઝરાયલ ફંડ’ કહેવામાં આવે છે.
ઇઝરાયલના નાણા મંત્રાલય દ્વારા 2025 માટે બજેટ ખાધ મર્યાદા GDP ના 4.9% એટલે કે લગભગ $27.6 બિલિયન નક્કી કરવામાં આવી હતી. પરંતુ આ અંદાજ ઈરાન સાથે નવું યુદ્ધ શરૂ થયું તે પહેલાંનો હતો. હવે ઇઝરાયલની બજેટ ખાધ વધુ વધી શકે છે. ઇઝરાયલનું સંરક્ષણ બજેટ ગાઝા યુદ્ધમાં પહેલેથી જ ઘણું ખર્ચાઈ ગયું છે. આ કારણોસર નાણા મંત્રાલયે 2025 માં GDP વૃદ્ધિ દરનો અંદાજ 4.3% થી ઘટાડીને 3.6% કર્યો છે.
ઇઝરાયલનું સંરક્ષણ બજેટ 2023 માં $15 બિલિયનથી વધીને 2025 માં $31 બિલિયન થયું છે જે GDP ના લગભગ 7% છે (યુક્રેન પછી વિશ્વમાં બીજા ક્રમનું સૌથી વધુ). આનાથી આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પાછળ રહી શકે છે.
