Madhya Gujarat

ધર્મજ પંચાયતમાં ગેરરીતિ, તલાટી સસ્પેન્ડ કરાયાં

પેટલાદ : ચરોતરના પેરિસ ગણાતાં એનઆરઆઈ ટાઉન ધર્મજ ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરિતી થઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં કરેલા ઠરાવ કરતાં વધુ ખર્ચ સ્વભંડોળમાંથી કર્યો હોવાને કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. જેને કારણે નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ ધર્મજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરતાં ચકચાર મચી છે.

ચરોતરમાં આર્થિક રીતે સૌથી સમૃદ્ધ ગામ ધર્મજ ગણાય છે. અહિયાંના વતનીઓ વિશ્વના ખૂણે ખૂણે વસવાટ કરી રહ્યાં છે. માટે જ ચરોતરનું પેરિસ અને એનઆરઆઈ ટાઉન તરીકે ધર્મજ ખ્યાતનામ ગામ તરીકે ઉભરી આવ્યું છે. વિકાસશીલ ગણાતાં ધર્મજ ગામમાં રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો વર્ષોથી ધમધમી રહી છે. આ ગામમાં શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે પણ દાતાઓના સથવારે વિકાસની હરણફાળ ભરી છે. આવા સમૃદ્ધ ગણાતા ધર્મજ ગામના સ્થાનિક રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ગરમાવો ચાલી રહ્યો હોવાની વાત જગજાહેર છે. જેનો ભોગ તાજેતરમાં ધર્મજ ગ્રામ પંચાયત બની હોવાનું જાણવા મળે છે. આ પંચાયતના તલાટી કમ મંત્રીને નાણાંકીય ગંભીર ગેરરિતી આચરવા બદલ નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે.

આ સસ્પેન્શન ઓર્ડરમાં જણાવ્યા મુજબ, ધર્મજ ગ્રામ પંચાયતની 9મી જૂન 2022ના રોજ સામાન્ય સભા મળી હતી. જેની કાર્યસૂચીના કામ નં.12 માટે ઠરાવ નં.35 કરવામાં આવ્યો હતો. જે મુજબ ગામમાંથી જે ઘન કચરો નીકળે તેના નિકાલ માટે ડમ્પીંગ સાઈટ બનાવવા રૂપિયા દોઢ લાખ મંજૂર થયા હતા. આ કામ સૂરજબા પાર્ક પાસે ખાડા પુરી તેનું લેવલ કરવા માટે મંજૂર થયું હતું. પરંતુ આ કામના ખર્ચનું રેકર્ડની ચકાસણી કરતાં માલુમ પડ્યું હતું કે, ખાડા ખોદવા તથા માટી પુરાણ અને લેવલ કરવા પેટે ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી રૂ.23.53 લાખનું ચુકવણું કરી નાખ્યું છે. જે 9મી જૂન 2022ના રોજ થયેલા ઠરાવની રકમ કરતાં ખૂબ જ વધુ છે.

જેથી આ કામમાં ગંભીર પ્રકારની નાણાંકીય ગેરરિતી આચરવામાં આવી હોવાનો ઉલ્લેખ આ સસ્પેન્શન ઓર્ડરમાં કરવામાં આવ્યો છે. જેને કારણે નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ ધર્મજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પી.એસ. પરમારે સસ્પેન્ડ કરતાં હુકમમાં જણાવ્યું છે કે, આવી બિનજવાબદારી વાળી હરકત જાહેર વહિવટના હિતમાં ચલાવી શકાય તેમ નથી. જેથી ગુજરાત પંચાયત સેવા (વર્તણુંક) નિયમો 1998ના નિયમ મુજબ જાહેર વહિવટ હિતાર્થે પી.એસ. પરમારને તલાટી કમ મંત્રી તરીકે ફરજ ઉપર ચાલુ રાખવા ઉચિત જણાતું નથી. જેને કારણે તેઓને તાત્કાલિક અસરથી ફરજમાંથી 18મી એપ્રિલ 2023થી ફરજ મોકુફી હેઠળ ઉતારવાનો હુકમ કરવામાં આવ્યો છે.

તલાટીને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ
ધર્મજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પી.એસ.પરમારને સસ્પેન્ડ કરી તેઓ પાસેથી તમામ ચાર્જ લઈ લીવ રિઝર્વ તરીકે પેટલાદ તાલુકા પંચાયત ખાતે મૂકવામાં આવ્યા છે. તેઓને હેડ ક્વાર્ટર ખાતે નિયમિત હાજર રહેવા તાકીદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જો સાત દિવસ કરતાં વધુ સમય માટે હેડ ક્વાર્ટર છોડવું હશે. તો સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. ફરજ મોકુફી દરમ્યાન તેઓ કોઈપણ અન્ય નોકરી કે વેપાર સ્વીકારી નહીં શકે.

અધિનિયમના લીરેલીરા ઉડ્યા !
આ સસ્પેન્શન ઓર્ડરમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતે સ્વભંડોળમા઼ંથી ખર્ચ કરતાં અગાઉ આગામી બજેટમાં કાયમી જોગવાઈ કરવાની થતી હોય છે. જો બજેટમાં જોગવાઈ કરેલ ના હોય છતાં આકસ્મિક કામની આવશ્યકતા ઉભી થાય તો સુધારેલ બજેટ મંજૂર કરવાનું હોય છે. પરંતુ બજેટમાં પ્રબંધ કરવામાં આવ્યો ના હોય તેવી કોઈ જ રકમ ખર્ચ કરી શકાતી નથી. ઉપરાંત સ્વભંડોળની રકમના વિકાસલક્ષી કામો પણ ગ્રામ સભામાં જ તૈયાર કરવાના હોય છે. પરંતુ ધર્મજ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2021-22નું સુધારેલું કે વર્ષ 2022-23ના અસલ બજેટમાં આ કામની કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી. જેથી બજેટમાં જોગવાઈ કર્યા સિવાય આટલો મોટો નાણાંકીય ખર્ચ કરવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 117 (1) (2), કલમ 118 અને કલમ 179ની જોગવાઈઓનું પાલન કરવામાં ધર્મજ ગ્રામ પંચાયત નિષ્ફળ નિવડેલ હોવાનો ઉલ્લેખ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

Most Popular

To Top