હવે ચીન વિશ્વ સ્તરે ઘૂંટણ પડશે: અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ ઇન્ડો-પેસિફિક સુરક્ષા સંગઠન રચ્યું

વૉશિંગ્ટન, લંડન: એકવીસમી સદી (21 st century)ના ખતરાઓનો સામનો કરવા માટે અને સંરક્ષણ ક્ષમતાઓની બાબતમાં વધુ વ્યાપક ભાગીદારી માટે અમેરિકા (America), બ્રિટન (Britain) અને ઓસ્ટ્રેલિયા (Australia)એ એક નવું ત્રિપક્ષીય ઇન્ડો-પેસિફિક સુરક્ષા સંગઠન (Indo-pacific alliance) રચ્યું છે જે સંગઠન દેખીતી રીતે વ્યુહાત્મક રીતે અગત્યના એવા ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીન (China)ની વધતી શક્તિ અને લશ્કરી હાજરીનો મુકાબલો કરવા માટે રચવામાં આવ્યું છે.

મહત્વાકાંક્ષી સુરક્ષા પહેલને ખુલ્લી મૂકતા અમેરિકી પ્રમુખ જો બાઇડન, યુકેના વડાપ્રધાન બોરિસ જહોનસન અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનું આ પગલું ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષાને વેગ આપશે અને તેમના સહિયારા મૂલ્યો અને હિતોને ટેકો આપશે. અમે સહકાર વધુ ગાઢ બનાવવાની દિશામાં એક વધુ ઐતિહાસિક પગલું ભરી રહ્યા છીએ એ મુજબ અમેરિકી પ્રમુખ બાઇડને કહ્યું હતું જેઓ વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાંથી બોલી રહ્યા હતા. યુકેના વડાપ્રધાન જહોનસને કહ્યું હતું કે આ નવી ભાગીદારીનો હેતુ ઇન્ડો-પેસિફિકમાં સુરક્ષા અને સ્થિરતા માટે ગાઢ સહકારથી કામ કરવાનો છે. આ સંગઠનને ઔકસ નામ આપવામાં આવ્યું છે જેનો હેતુ ઓસ્ટ્રેલિયાને અણુ શક્તિ સંચાલિત સબમરિનોનો કાફલો પુરો પાડવાનો પણ છે. રસપ્રદ રીતે કવાડ સંગઠનની ૨૪મી તારીખે અમેરિકામાં બેઠક મળે તેના પહેલા આ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.

આ નવા સંગઠનથી અમેરિકાના કેટલાક સાથી દેશો નારાજ! ફ્રાન્સે કહ્યું પીઠમાં છરો ભોંકાયો

આ નવા ત્રિપક્ષીય સંગઠનને જાપાન અને તાઇવાને આવકાર્યું છે, જે બંને દેશો ચીનના ખતરાનો સામનો કરી રહ્યા છે અને આમાંથી જાપાન ક્વાડનું સભ્ય છે. જો કે આ નવા સંગઠનની રચનાથી અમેરિકા, યુકેના કેટલાક સાથી દેશો નારાજ પણ થયા છે. આ દેશો સાથે ફાઇવ આઇઝ જૂથના સભ્ય દેશો એવા ન્યૂઝીલેન્ડ અને કેનેડા નારાજ છે કારણ કે ચીન સાથે સંબંધો હળવા રાખવા બદલ આ દેશોને આ સંગઠનમાં સાઇડ લાઇન કરી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ આ ઔકસ સંગઠનની રચના પછી ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સ સાથે નો 90 અબજ ડોલરનો પરંપરાગત સબમરીન મેળવવા માટેનો કરાર રદ કરતા ફ્રાન્સ પણ ફુંગરાયું છે, તે પોતાની પીઠમાં છરો ભોંકવામાં આવ્યો હોવાનું કહે છે.

Related Posts