Business

યુવાઓમાં પર્સનલ ગરબા ક્લાસીસનો ટ્રેન્ડ ઇન

એક પછી એક તહેવારોની મજા માણવાનું સુરતીઓ ચુકતા નથી. હજુ તો નવરાત્રિ આડે ઘણો સમય છે. સુરતીઓ નવરાત્રિનો તહેવાર દર વર્ષે ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવે છે. એક તરફ શેરીઓ, સોસાયટીમાં ટ્રેડિશનલ ગરબાની ધૂમ મચતી હતી. તો બીજી બાજુ વૈભવથી છલકતા એસી ડોમ્સ અને મોકળા લીલાછમ ગ્રાઉન્ડ્સ, દમદાર ગાયક કલાકારોની મોજ, અદભૂત સાઉન્ડ ઈફેક્ટ્સ, મોંઘાદાટ ઈનામોનું ભરપૂર આયોજનો થાય છે. સુરતની નવરાત્રિ તો જે માણે તે જ જાણે. પાર્ટી પ્લોટોમાં યુવા ધન શક્તિની ભક્તિના ભાવ સાથે મન મુકીને ગરબે ઘુમતા હતા. આ વખત ભલે હજુ નવરાત્રિ અંગે કોઈ જાહેરાત થઈ ના હોય, પણ ગરબાના શોખીન સુરતીઓમાં આ વર્ષે પર્સનલ ગરબા ટીચીંગનો ટ્રેન્ડ વર્તાઇ રહ્યો છે અને ઘરે જ ગ્રૂપ ટ્રેનીંગ લઈ નવા ગરબા-દોઢિયાંના સ્ટેપ્સ શીખી રહ્યા છે.

આ વર્ષે તો ઘણા ગ્રૂપ પર્સનલી ગરબા શીખવાનું પસંદ કરી રહ્યાં છે : સ્મિત પટેલ

ગરબા અને ડાન્સ ટ્રેનર સ્મિત જણાવે છે કે, ‘’હું ઘણા વર્ષોથી ગરબા કલાસ ચલાવું છું. જો કે કોરોનાને હિસાબે ગયાં વર્ષે ક્લાસીસ નથી લીધા, પણ ઘણાં લોકો સામેથી બોલાવતા કે અમને તો ગરબા શીખવા જ છે. તમે જોઈએ તો ઓનલાઈન ગરબા ક્લાસ લો. ત્યારબાદ મેં વર્ચ્યુયલ ક્લાસમાં ગરબા શિખવવાનું શરૂ કર્યું. અને આ વર્ષે તો ઘણા ગ્રૂપ પર્સનલી ગરબા શીખવાનું પસંદ કરી રહ્યાં છે. કેમ કે મોટાભાગના યંગસ્ટર્સ એવી ડિમાન્ડ કરે કે અમારા ગરબા સ્ટેપ બીજા લોકોથી કે ગ્રૂપથી હટકે હોય આથી તેમના ગ્રૂપ પૂરતું અલગ અલગ એક્શનના સ્ટેપ ગોઠવીને દોઢિયું શીખવાડું છું.’’

નવરાત્રિ તો નક્કી નથી પણ અમે અગાઉ જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી : દિપીકા પટેલ

દિપીકા પટેલ જણાવે છે કે, ‘’ મને નવરાત્રિમાં ગરબા રમવાનો ખૂબ જ શોખ. અમે દર વર્ષે નવરાત્રિમાં ફ્રેન્ડ્સ ગ્રૂપ સાથે નવરાત્રિ રમવા જઈએ. જો કે કોરોનાને લીધે પાર્ટી પ્લોટના આયોજનોની મજા લઈ શકાઈ નથી. આ વર્ષે પણ રામ જાણે નવરાત્રિ થશે કે નહીં ? પણ અમારા ફ્રેન્ડ્સ ગ્રુપે નક્કી કર્યું છે કે નવરાત્રિ અંગે સરકારે ભલે સ્પષ્ટતા નથી કરી પણ આપણે આપણી તૈયારીમાં રહીએ. એમ વિચારી અમારા ગ્રુપે દોઢિયાં ક્લાસમાં જવાને બદલે ઘરે જ પર્સનલ ગરબા ક્લાસની ટ્રેનીંગ મળી રહે એ માટે અમે ગરબા ટ્રેન્નરને વાત કરી કે અમારે પર્સનલ ક્લાસમાં ટ્રેનીંગ લેવી છે. અમારા ગ્રૂપમાં 10 થી 15 સભ્યો છીએ આથી તેઓ ઘરે જ અમને ગરબા શીખવવા માટે આવે છે. મારુ ગ્રૂપ ડેઇલી ગરબાની તૈયારી કરે છે. જેથી કરીને જો પરવાનગી મળે તો અમારું ગ્રૂપ જુદી જુદી જગ્યાએ થતાં આયોજનોમાં જઈ શકે અને ના થાય નવરાત્રિ તો શિખેલું તો એળે જતું જ નથી. અંતે શેરી ગરબા તો છે જ ને. ‘’

હું ઘરે જ ગરબા ક્લાસમાં દોઢિયાંના નવાં નવાં સ્ટેપ શિખું છું : મોક્ષા દેસાઇ

મોક્ષા દેસાઇ જણાવે છે કે, ‘’નવરાત્રિ મારી ફેવરિટ ફેસ્ટિવલ છે. હું ત્રણ વર્ષની હતી ત્યારથી ગરબા રમુ છું અને મને અનેક ગરબા કોમ્પિટિશનમાં પ્રાઇઝ પણ મળ્યા છે. સ્કૂલમાં પણ મારો ડાન્સ અને ગરબામાં નંબર આવે. છેલ્લાં બે વર્ષેથી શેરી ગરબામાં જ રમુ છું. પણ આ વર્ષે મેં નક્કી કર્યું કે મારે ગરબા ક્લાસ પણ જોઇન કરવા છે પણ કોરોના સંક્રમણને હિસાબે એ હિતાવહ ના ગણાય આથી મારા ગરબા ક્લાસના સરને વાત કરતાં તેઓ મને પર્સનલી ઘરે જ ગરબા ક્લાસની ટ્રેનીંગ આપવા માટે આવે છે અને હું ઘરે જ ગરબા ક્લાસમાં દોઢિયાંના નવાં નવાં સ્ટેપ શિખું છું.’’

Most Popular

To Top