SURAT

સુરતના અઠવાલાઈન્સની આ સ્કૂલને સામી દિવાળીએ 100 કરોડનો ચાંલ્લો થવાના એંધાણ

સુરત: શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી સ્કૂલ દ્વારા પાછલા ત્રણ વર્ષ દરમિયાન વાલીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી લીધા હોવાની ફરિયાદ ઉચ્ચસ્તરે થયા બાદ હવે આ સ્કૂલ સામે કડક કાર્યવાહીના સંકેત મળ્યા છે. દિવાળી પહેલાં જ આ સ્કૂલના સંચાલકોને કરોડો રૂપિયા ભરપાઈ કરવાની નોબત આવે તો નવાઈ નહીં.

સુરત (Surat) શહેર અઠવાગેટ ચાર રસ્તા પાસે આવેલી મહાકાય મેટાસ સ્કૂલને (Metas Adventist School) સામી દિવાળીએ સો કરોડનો ચાંલ્લો થશે એવા વરતારા છે. ફી રેગ્યુલેશન એક્ટ ૨૦૧૭ના (Fee Regulation Act) અમલ પછી અને 2017 પહેલાના મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, માન્યતાની શરતોનો ભંગ કરી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (Medical Education Trust) સંચાલિત મેટાસ એડવેન્ટિસ્ટ સ્કૂલના વાલીઓ પાસેથી રોકડા અને રસીદ આપી લાખો રૂપિયા શિક્ષણના નામે ઉઘરાવ્યા હતા.

જેની ફરિયાદ પુરાવા, એફિડેવિટ, સોગંદનામા સાથે સુરત, ગાંધીનગર અને દિલ્હી સુધી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને બાળ આયોગ દિલ્હી દ્વારા નોટિસ ઉપર નોટિસ (Notice) મળી હતી. પરંતુ કોઇ અજાણ્યા કારણોસર ત્રણ-ત્રણ વર્ષ સુધી શિક્ષણ નામે ઉઘરાવેલાં નાણાં વસૂલ કર્યા તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આ પ્રકરણમાં વાલીઓ, શિક્ષણ અગ્રણીઓ અને આરટીઆઈ (RTI) એક્ટિવિસ્ટો દ્વારા સતત આ કૌભાંડની કેડીએ કેડીએ ચાલીને ફરિયાદ ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આખરે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ફરિયાદી અને તમામ પક્ષકારોને 30 તારીખે ગાંધીનગર હાજર રહેવાનું તેડું મોકલવામાં આવ્યું છે. ગુરુવારે ડીઈઓ કચેરી સુરતના જાહેર સેવકો દોડતા થયા હતા અને ફરિયાદીઓનાં ઘર શોધી શોધી ૩૦ ઓક્ટોબરે પુરાવા સાથે હાજર રહેવાનું કહેણ આપી ગયા છે. હાલમાં અમદાવાદની કાયદાઓનો ભંગ કરી ડીપીએસ શાળાને સરકાર દ્વારા ૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Most Popular

To Top