Sports

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન ડે જીતીને સીરિઝ 2-1થી કબજે કરી

ચેન્નાઇ : આજે અહીં રમાયેલી અંતિમ નિર્ણાયક વન ડેમાં (One Day) હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે લગામ કસવા છતાં ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના પૂંછડીયા બેટ્સમેનોની મદદથી 49 ઓવરમાં 269 રનનો પડકાર જનક સ્કોર બનાવીને મૂકેલા 270 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ (Indian Team) વિજયથી 21 રન છેટી રહી ગઇ હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શુભમન ગીલે સારી શરૂઆત અપાવી હતી. જો કે 77 રનના સ્કોર સુધીમાં બંને આઉટ થઇ ગયા હતા. વિરાટ કોહલી અને કેએલ રાહુલે મળીને 69 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 32 રન કરીને આઉટ થયા પછી અક્ષર પટેલ પણ આઉટ થયો હતો અને ભારતે 151 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી 54 રન કરીને આઉટ થયો તે પછી બાજી પલટાઇ ગઇ હતી અને હાર્દિક તેમજ રવિન્દ્ર જાડેજા ખુલીને રમી શક્યા નહોતા અને અંતે ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રને ઓલઆઉટ થઇ હતી.

આ પહેલા ટોસ જીતીને પહેલા દાવ લેવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શની જોડીએ અર્ધશતકીય ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. તે પછી ઓસ્ટ્રેલિયાએ નજીકના ગાળામાં ત્રણ વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 3 વિકેટે 85 રન થયો હતો. એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ 138 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી એલેક્સ કેરી અને માર્કસ સ્ટોઇનિસે મળીને છઠ્ઠી વિકેટની 58 રનની ભાગીદારી કરીને સ્કોર 196 રન સુધી પહોંચાડ્યો હતો. તે પછી સીન અબોટ અને એશ્ટન અગરે મળીને 8મી વિકેટની ભાગીદારીમાં 42 રન અને મિચેલ સ્ટાર્ક તેમજ એડમ ઝ્મ્પાની જોડીએ અંતિમ વિકેટ માટે 22 રન જોડીને ટીમને 269 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત વતી હાર્દિક અને કુલદીપે 3-3 તેમજ અક્ષર પટેલ અને મહંમદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી.

વન ડે ઇતિહાસમાં સ્ટીવ સ્મિથના નામે નોંધાયો એક શરમજનક રેકોર્ડ
ચેન્નાઇમાં રમાયેલી ત્રીજી નિર્ણાયક વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો કાર્યકારી કેપ્ટન સ્ટીવ સ્મિથ માત્ર ત્રણ બોલ રમીને શૂન્યમાં આઉટ થયો હતો અને ઓસ્ટ્રેલિયન ઇનિંગ પુરી થતાની સાથે જ તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. વન ડેના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું કે જ્યારે ટીમના બાકીના તમામ ખેલાડીઓ ડબલ ફિગરમાં પહોંચ્યા હોય અને એકમાત્ર બેટ્સમેન શૂન્યમાં આઉટ થયો હોય.

સતત ત્રણ મેચમાં ગોલ્ડન ડક મેળવનાર સૂર્યકુમાર યાદવ પહેલો ખેલાડી બન્યો
ચેન્નાઇમાં રમાયેલી ત્રીજી વન ડેમાં સૂર્યકુમાર યાદવ સતત ત્રીજી મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. ભારતીય ટીમ મેનેજમેન્ટે સૂર્યાને તેના નિયમિત બેટીંગ ક્રમ ચોથા સ્થાનને બદલે સાતમા ક્રમે બેટીંગમાં મોકલ્યો હતો. જો કે બેટીંગ ક્રમ બદલાયો હોવા છતાં તેનું નસીબ બદલાયું નહોતું અને એશ્ટન અગરના પહેલા બોલે તે બોલ્ડ થઇને પેવેલિયન ભેગો થયો હતો.

ઘરઆંગણે વન ડે ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન અને અર્ધસદી મામલે કોહલી સચિન પછી બીજા ક્રમે પહોંચ્યો
ચેન્નાઇમાં રમાયેલી વન ડેમાં વિરાટ કોહલી અર્ધસદી ફટકારીને આઉટ થયો તેની સાથે જ તેણે વન ડે ઇન્ટરેનેશનલમાં ઘરઆંગણે સર્વાઘિક રન કરવા મામલે ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટીંગને ઓવરટેક કરીને ભારતના માસ્ટર બેટ્સમેન સચિન તેંદુલકર પછી બીજા સ્થાને પહોંચ્યો હતો. આ ઉપરાંત ઘરઆંગણે વન ડે ઇન્ટરનેશનલમાં સર્વાધિક અર્ધસદી મામલે પણ તે સચિન પછી બીજા સ્થાને પહોંચ્યો છે. સચિન તેંદુલકર 6976 રન અને 58 અર્ધસદી સાથે પહેલા ક્રમે, જ્યારે વિરાટ કોહલી 5443 રન અને 47 અર્ધસદી સાથે બીજા ક્રમે છે, પોન્ટીંગ 5406 રન સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે અર્ધસદીમાં જેક કાલીસ 46 અર્ધસદી સાથે ત્રીજા ક્રમે છે.

Most Popular

To Top