National

કોહલીએ ટોસ જીતીને દાવ લેવામાં દાવ થઇ ગયો: ભારતીય ટીમનો 78 રનમાં જ વિંટો વળી ગયો

લીડ્સ : બુધવારથી અહીં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ (third test match)માં ભારતીય ટીમ (Indian cricket team)નો માત્ર 78 રનમાં વિંટો વળી ગયો (all out) હતો. ભારતીય ટીમની ઇનિંગ (inning) દરમિયાન માત્ર 6 ચોગ્ગા લાગ્યા હતા. શરૂઆતમાં જ ભારતીય ટીમના ટોપ ઓર્ડરની ત્રણ વિકેટ ઉપાડીને જેમ્સ એન્ડરસને (Anderson) એવો ફટકો માર્યો હતો કે તેમાંથી ભારતીય ટીમને કળ વળી નહોતી અને અંતે તેઓ માત્ર 40.4 ઓવરમાં 78 રને ઓલઆઉટ થઇ ગયા હતા.

ઇંગ્લેન્ડ (England)ની ટીમે પોતાના પ્રથમ દાવમાં ટી બ્રેક (tea break) સુધીમાં વિના વિકેટે 21 રન બનાવી લીધા હતા. બ્રેક સમયે રોરી બર્ન્સ 3 અને હસીબ હમીદ 15 રને રમતમાં હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (captain kohli)એ ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યો હતો, જો કે પહેલી જ ઓવરમાં એન્ડરસને ઇનફોર્મ બેટ્સમેન કેએલ રાહુલને આઉટ કરીને ભારતીય ટીમને શરૂઆતમાં જ બેકફૂટ પર ધકેલી દીધી હતી અને તે પછી તેણે ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીને પણ આઉટ કરીને મોટો ફટકો માર્યો હતો. 58 રનના સ્કોર સુધીમાં ભારતીય ટીમને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને આ તમામ કેચ વિકેટ પાછળ જોસ બટલરે પકડ્યા હતા. ભારતીય ટીમ વતી માત્ર રોહિત શર્મા 19 અને અજિંકેય રહાણે 18 રન સાથે બે આંકડે પહોંચી શક્યા હતા. ઇંગ્લેન્ડ વતી જેમ્સ એન્ડરસન અને ક્રેગ ઓવરટને 3-3 જ્યારે ઓલી રોબિન્સન અને સેમ કરને 2-2 વિકેટ ખેરવી હતી.

ઇંગ્લેન્ડમાં ત્રીજો અને હેડિંગ્લેના મેદાનમાં ભારતનો આ સૌથી નિમ્ન સ્કોર
બુધવારથી લીડ્સના હેડિંગ્લે ગ્રાઉન્ડ પર શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ માત્ર 78 રનમાં સમેટાયો હતો અને તેની સાથે જ ભારતીય ટીમ હેડિંગ્લેમાં નોંધાવેલો આ સૌથી નિમ્ન સ્કોર રહ્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમનો ઇંગ્લેન્ડની ધરતી પર આ ત્રીજો સૌથી નીચો સ્કોર રહ્યો છે.

પહેલીવાર કોઇ ભારતીય બેટ્સમેન ટેસ્ટમાં 20 રન સુધી ન પહોંચી શક્યો
હેડિંગ્લેના મેદાન પર ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 78 રનના સ્કોરમાં ઓલઆઉટ થઇ હતી અને આ દરમિયાન ભારતીય ટીમ વતી રોહિત શર્માએ સર્વાધિક વ્યક્તિગત 19 રન બનાવ્યા હતા, જ્યારે અજિંકેય રહાણેએ 18 રન બનાવ્યા હતા. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં એવું પહેલીવાર બન્યું હતું કે જેમાં ભારતીય ટીમમાંથી એકપણ બેટ્સમેન 20 રનના આંકડે પહોંચી ન શક્યો હોય.

Most Popular

To Top