Gujarat

રાજપીપળામાં ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ કક્ષાના કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાશે

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કોર્ટોના પોતાના ભવનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે ત્યારે હવે રાજપીપળા ખાતે ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડિંગનું ટૂંક સમયમા લોકાર્પણ કરાશે. રાજ્યમાં નવીન કોર્ટો અને આનુષાંગિક સુવિધાઓનું નિર્માણ કરવામાં માટે બજેટ જોગવાઈઓ પણ કરાઈ છે.

કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના ન્યાયતંત્રમાં પૂરતી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ આધુનિક સુવિધાઓથી સુસજ્જ એવા કોર્ટ બિલ્ડિંગ છેવાડાના નાગરિક અને પક્ષકારના લાભાર્થે નિર્મિત થાય તે માટેના પ્રયાસોના ભાગરૂપે રાજપીપળા ખાતે રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૩૨ કરોડના ખર્ચે જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રાજપીપળા ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ કક્ષા તથા તાબાની કોર્ટો કાર્યરત થવાથી સમાજના બહોળા વર્ગને ફાયદો થશે. આ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં મોકળાશભર્યા કોર્ટ રૂમો, અધિકારીઓ માટેની ચેમ્બર, જજીસ લાઇબ્રેરી, કમ્પ્યૂટર રૂમ, એ.પી.પી. ઓફિસ, કોર્ટની વિવિધ શાખાઓ માટે ઓફિસ રૂમ, ન્યાયાધીશો માટે કોન્‍ફરન્સ રૂમ, ઈન્‍ક્વાયરી રૂમ, એડ્વોકેટ લાઇબ્રેરી, મુદ્દામાલ રૂમ, રેકર્ડ રૂમ, જેન્‍ટ્સ તથા લેડીઝ એડ્વોકેટ બાર રૂમ, જેન્‍ટ્સ તથા લેડીઝ વિટનેસ રૂમ, ફાયર સેફ્ટી સિસ્ટમ, જનરેટર, સી.સી. રોડ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

જેના કારણે ન્યાયિક પ્રક્રિયા વેગવંતી બનશે અને એકંદરે તેનો લાભ ન્યાયિક વ્યવસ્થા પ્રણાલીના છેવાડાના લાભાર્થી એવા પક્ષકારોને મળશે. નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં કેન્‍ટીન, પોસ્ટ ઓફિસ, બેન્‍ક વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. જેના લાભ કોર્ટ બિલ્ડિંગની મુલાકાતે આવતા પક્ષકારોને મળશે.

આ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ કરજણ કોલોની કેમ્પસ, રાજપીપળા ખાતે રાજપીપળાથી કેવડિયા તરફ જતા રસ્તે હોઈ રાજપીપળા શહેર ઉપરાંત આજુબાજુના તાલુકા જેવા કે, તિલકવાડા, ગરૂડેશ્વર, ડેડિયાપાડા, સાગબારા વગેરે ગામોથી ન્યાયિક પ્રક્રિયામાં ભાગ લેવા અર્થે આવનાર પક્ષકારોને અવરજવર અર્થે સુવિધા રહેશે.

Most Popular

To Top