National

‘હવે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી નહીં લાવી શકે’, પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) કલમ 370ને લઈને સુપ્રીમ કોર્ટનો (Supreme Court) નિર્ણય આવ્યો છે, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ કલમ 370ની પુનઃસ્થાપનાને લઈને વિપક્ષી પાર્ટીઓને (Opposite Parties) જડબાતોડ જવાબ આપ્યો છે. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે હવે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી લાવી શકશે નહીં.

વડા પ્રધાને કહ્યું કે સુપ્રીમ કોર્ટે પુષ્ટિ કરી છે કે એક દેશમાં બે કાયદાઓ કામ કરી શકતા નથી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે કોઈપણ રાજનીતિ કરતા કલમ 370 નાબૂદ કરવી વધુ મહત્વપૂર્ણ છે. જમ્મુ-કાશ્મીરમાં વિકાસ અને ત્યાંના લોકોના સરળ જીવન માટે તે જરૂરી હતું. પીએમ મોદીએ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ પર નિશાન સાધતા કહ્યું કે પરિવારના કેટલાક સભ્યોએ પોતાના રાજકીય હિત માટે તેને કબજે કરી છે.

જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો ન તો કોઈ સ્વાર્થી રાજકારણનો હિસ્સો છે અને ન બનવા ઈચ્છે છે. તે ભૂતકાળની મુશ્કેલીઓને દૂર કરવા અને દેશના સામાન્ય નાગરિકની જેમ કોઈપણ ભેદભાવ વિના પોતાના બાળકોના ભવિષ્ય અને વર્તમાનને સુરક્ષિત કરવા માંગે છે.

વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની તસવીર બદલાઈ ગઈ છે. હવે ત્યાં સિનેમા હોલ ચાલી રહ્યા છે. ત્યાં કોઈ આતંકવાદીઓ નથી, હવે પ્રવાસીઓનો મેળો છે. હવે ત્યાં પથ્થરમારો નથી થતો પણ ત્યાં ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આજે પણ જે લોકો રાજનીતિક હિતમાં કલમ 370 વિશે ભ્રમ ફેલાવી રહ્યા છે, તેમને હું સ્પષ્ટ કહીશ – હવે બ્રહ્માંડની કોઈ પણ શક્તિ કલમ 370 પાછી લાવી શકશે નહીં.

આ પહેલા સંસદમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમારી સરકારે કલમ 370 પર લીધેલા નિર્ણયને ઇતિહાસ યાદ રાખશે. તેમણે કહ્યું કે અનુચ્છેદ 370 અલગતાવાદને વેગ આપે છે અને તેના કારણે આતંકવાદ ઉભો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં પથ્થરો લઈને ફરતા યુવાનોના હાથમાં અમારી સરકારે લેપટોપ આપ્યા છે. આપણે નિર્ણય લઈ શકીએ છીએ, આપણે ભાગી શકતા નથી. તેમણે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે અને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

Most Popular

To Top