Columns

સંસદ ભવનમાં ‘સેંગોલ’ મૂકવા સાથે ભારત હિન્દુ રાષ્ટ્રની દિશામાં આગળ વધશે?

વર્ષ ૧૯૪૭ની ૧૪મી ઓગસ્ટના રાત્રે ૧૧:૪૫ કલાકે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા ભારતના (India) પ્રથમ વડા પ્રધાન (Prime Minister) પંડિત જવાહરલાલ નેહરુને ‘સેંગોલ’ સુપરત કરવામાં આવ્યો હતો. બ્રિટિશરોના હાથમાંથી ભારત સરકારના હાથમાં સત્તા સુપરત કરવાના પ્રતિક રૂપે આ ‘સેંગોલ’ (Sengol) નેહરુને આપવામાં આવ્યો હતો. આ ઘટનાનો ઉલ્લેખ તે જ મહિનાની ૨૫ તારીખે છપાયેલા ‘ટાઈમ’મેગેઝીનમાં પણ કરવામાં આવ્યો હતો. તે ઘટનાનાં લગભગ ૭૫ વર્ષ બાદ આ જ ‘સેંગોલ’ને નવી સંસદના ઉદ્ઘાટન બાદ લોકસભાના સ્પિકરની ખુરશીની બાજુમાં મૂકવામાં આવશે. આ ‘સેંગોલ’શું છે? તેનું શું મહત્ત્વ છે? છેલ્લા સાડા સાત દાયકાઓથી એ ક્યા હતો? ‘સેંગોલ’ને કેમ નવા સંસદ ભવનમાં મૂકવામાં આવશે? આ પ્રશ્નોના જવાબો જાણવા ભારતના ઇતિહાસમાં ઊંડા ઉતરવું પડશે.

‘સેંગોલ’એક તમિળ શબ્દ છે, જેનો અર્થ ‘રાજદંડ’કે ‘ધર્મદંડ’થાય છે. જેવું તેનું નામ છે તેવું જ તેનું કામ છે. ‘સેંગોલ’નું મહત્ત્વ તમિલનાડુમાં વધું જોવા મળે છે, જ્યાં તેનો ઈતિહાસ ૨,૦૦૦ વર્ષ કરતાં પણ જૂનો છે. નિષ્ણાતોના મત મુજબ ‘સેંગોલ’એક શાસક પાસેથી બીજા શાસકને સોંપવામાં આવતો હતો. તમિલનાડુની સંસ્કૃતિ મુજબ ‘ચોલ’વંશના રાજાઓ દ્વારા પોતાના ઉત્તરાધિકારીને ‘સેંગોલ’આપવામાં આવતો હતો. આના વડે એ રાજાને તેનો ધર્મ અને પ્રજા પ્રત્યેનું કર્તવ્ય યાદ અપાવવામાં આવતું હતું. ‘સેંગોલ’નું સહુથી પ્રતિષ્ઠિત ઇતિહાસલેખન મદુરાઈના પ્રખ્યાત મીનાક્ષી મંદિરના ૧૮મી સદીનાં ચિત્રમાં છે, જેમાં દેવી ‘નાયક’રાજાને રાજદંડ સોંપી રહ્યાં છે.

રામનાથપુરમ જિલ્લામાં ૧૮મી સદીના રામલિંગા વિલાસમ્ મહેલમાં અન્ય એક ચિત્ર છે, જ્યાં દેવી રાજરાજેશ્વરી ‘સેતુપતિ’રાજાને ‘સેંગોલ’આપતા જોવા મળે છે. તમિલનાડુના લોકો માટે ‘સેંગોલ’કોઈ નવી બાબત નથી. તેથી જ ગૂગલ સર્ચનાં આંકડાઓમાં ‘સેંગોલ’શબ્દ તમિળ લોકોની સરખામણીમાં દિલ્હીના લોકો દ્વારા પાંચ ગણી વખત ઉપયોગમાં લેવામાં આવ્યો છે. સમકાલીન તમિળ રાજકારણમાં સેંગોલ સાથે સંકળાયેલી સૌથી પ્રખ્યાત ઘટના જુલાઈ ૧૯૮૬માં મદુરાઈમાં બની હતી. તત્કાલીન શાસક એઆઈએડીએમકે દ્વારા એક વિશાળ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પ્રચાર સચિવ જે. જયલલિતા તેમના રાજકીય માર્ગદર્શક અને મુખ્યમંત્રી એમ.જી. રામચંદ્રન (એમજીઆર) માટે સેંગોલ લઈને આવ્યા હતા.

આ પરિષદમાં એક તસવીર લેવામાં આવી હતી, જેમાં એમજીઆર અને જયલલિતા, બંને સેંગોલને પકડી રાખતા જોવા મળે છે. તે પછી જયલલિતાના સમર્થકો દ્વારા પક્ષમાં સત્તા સંઘર્ષ દરમ્યાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે એમજીઆર દ્વારા ‘સેંગોલ’જયલલિતાને સોંપવામાં આવ્યો હતો જે સંકેત આપે છે કે જયલલિતા ખરાં વારસદાર હતાં. ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા જ્યારે એવી જાહેરાત કરવામાં આવી કે ‘સેંગોલ’ને ભારતના નવા સંસદ ભવનમાં મૂકવામાં આવશે ત્યારે તમિળ લોકોએ ખાસ ઉત્સાહ નહોતો દેખાડ્યો, કેમકે તેમના માટે ‘સેંગોલ’નો મુદ્દો નવો નથી.

ભારતના મુખ્યત્વે દક્ષિણના પ્રાંતોમાં ‘સેંગોલ’નું મહત્ત્વ વધું જોવા મળે છે. તો પછી તે પંડિત નેહરુના હાથમાં ક્યાંથી આવી ગયો? તેનો ઈતિહાસ પણ જાણવો રસપ્રદ રહેશે. ૧૯૨૭માં જ્યારે ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા સંસદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યારે ઉદ્ઘાટનની પરંપરા યુરોપિયન હતી અને તેને ભારતીય પરંપરા સાથે કોઈ લેવાદેવા નહોતી. જ્યારે ભારત આઝાદ થવાની અણી ઉપર હતું ત્યારે લોર્ડ માઉન્ટબેટને વડાપ્રધાન જવાહરલાલ નેહરુને એક સરળ પ્રશ્ન પૂછ્યો હતો કે,‘તમે સત્તા પરિવર્તન કેવી રીતે કરશો?’નેહરૂએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ રાજાજી (સી. રાજગોપાલાચારી) ની સલાહ માંગી. રાજાજી એક ચુસ્ત તમિળ બ્રાહ્મણ હતા. તેમણે લોર્ડ માઉન્ટબેટનના હાથમાંથી જવાહરલાલ નેહરુના હાથમાં ‘સેંગોલ’સોંપવા દ્વારા સત્તાનું હસ્તાંતરણ કરવાનું સૂચન કર્યું. તેમનાં આ સૂચનને માન્ય રાખવામાં આવ્યું.

રાજાજીએ તમિલનાડુના થંજાવુર જિલ્લાના શૈવ મઠના વડા તિરુવદુથુરાઈ અધીનમને ચોલ અને પાંડવ કાળની શૈલીના ‘સેંગોલની’વ્યવસ્થા કરવા વિનંતી કરી. અધીનમે ‘સેંગોલ’બનાવવા માટે મદ્રાસના વુમ્મિડી બંગારુ ચેટ્ટી એન્ડ સન્સનો સંપર્ક કર્યો હતો. અધીનમે ન્યાય અને મક્કમતાના પ્રતિક રૂપે ‘સેંગોલ’ની ટોચ પર ‘નંદી’ મૂકવાની વિનંતી કરી. સેંગોલ બનાવવાની સમગ્ર પ્રક્રિયામાં લગભગ ૧૫થી ૨૦ દિવસનો સમય લાગ્યો હતો. એક કિલોગ્રામ જેટલા સોનામાંથી બનેલો આ ‘સેંગોલ’આશરે ૫ ફૂટ ઊંચાઈનો હતો. ટોચ ઉપર વ્યાસ લગભગ ૩ ઈંચ અને તળિયે ૧ ઈંચ હતો.

ગંગાજળના છંટકાવ અને ૭મી સદીના સંત તિરુગ્નાનાસંબંથર દ્વારા રચિત સ્તોત્રોના ગાનથી ભરપૂર એક વિસ્તૃત અને ધાર્મિક સમારોહ આયોજાયો હતો. ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રિએ માઉન્ટબેટન દ્વારા નેહરુને ‘સેંગોલ’સોંપવામાં આવ્યું હતું. તિરુવદુથુરાઈ અધીનમના નાયબ મુખ્ય વડા કુમારસ્વામી થમ્બુરને લોર્ડ માઉન્ટબેટનના હાથમાંથી રાજદંડ લીધો અને તેને ગંગાજળ વડે શુદ્ધ કર્યો. ‘સેંગોલ’નેહરુને સોંપતી વખતે ગાયકોએ તમિલ સંત તિરુગ્નાનાસંબંથર દ્વારા લખાયેલ કોલારુ પથિગમ ગાયું, જેમાં શિવની સ્તુતિ કરતા સ્તોત્રો છે.

ઈતિહાસકારોના મતે, જ્યારે સ્તોત્રની છેલ્લી પંક્તિનું પઠન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજદંડ સોંપવામાં આવ્યો હતો. આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું હતું કે, “સ્વર્ગના હુકમ મુજબ જ અનુયાયીઓ (રાજાઓ) શાસન કરશે.”નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ની સ્થાપના ફક્ત આપણી પરંપરા અને ગૌરવને પુનઃસ્થાપિત નથી કરતી પરંતુ દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની સંસ્કૃતિઓ વચ્ચે એકતા સાધે છે. વુમ્મિડી બંગારુ ચેટ્ટી પરિવારના ચોથી પેઢીના સભ્યએ વર્ણવ્યું કે કેવી રીતે ૧૯૬૫નો “કડક કાયદો” જેને ગોલ્ડ કંટ્રોલ એક્ટ કહેવાય છે, તેને કારણે થોડા સમય માટે વુમ્મિડી બંગારુ જ્વેલર્સના એકમો સહિત સોનાના ઉત્પાદનનાં ઘણાં કારખાનાં બંધ થઈ ગયાં.

આનાથી તેમના કેટલાક સમૃદ્ધ ઇતિહાસ વિશેના માહિતી ખોવાઈ ગઈ હતી. વર્ષ ૨૦૧૯માં એક તમિળ સાપ્તાહિકે ‘સેંગોલ’અને તેનો વુમ્મિડી બંગારુ જ્વેલર્સ સાથેનો નાતો જોડી આપ્યો હતો. ત્યાર બાદ આ જવેરી પરિવારે રાજદંડને શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યા. અલ્લાહાબાદના સંગ્રહાલયમાં આ દંડનો પત્તો લાગ્યા બાદ પરિવાર દ્વારા એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે વાઈરલ થઈને મોદી સુધી પહોંચી ગયો. પછી ‘સેંગોલ’નો ઈતિહાસ ચકાસવામાં આવ્યો હતો, જેના આધારે તેને સંસદમાં મૂકવામાં આવશે.

‘સેંગોલ’હિન્દુ રાજાઓના ધર્મશાસનનું પ્રતિક છે. ભારતના ભાગલા થયા બાદ જો પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર બનતું હોય તો ભારત એક હિન્દુ રાષ્ટ્ર બની જવું જોઈતું હતું; પરંતુ એવું ન થયું. ભારતનાં બંધારણમા ‘બિનસાંપ્રદાયિકતા’શબ્દને ઈન્દીરા ગાંધી દ્વારા ૧૯૭૬માં ઉમેરવામાં આવ્યો હતો. નેહેરુએ ‘સેંગોલ’મેળવ્યા બાદ તેને અલ્લાહાબાદના એક સંગ્રહાલયમાં મોકલાવી દીધું હતું, કેમકે તેમને હિન્દુત્વવાદી પ્રતિકો પસંદ નહોતા. ભારતના સ્વતંત્રતા દિવસનું એક મહત્ત્વનું પ્રતિક એવું ‘સેંગોલ’સાડા સાત દાયકાઓ અજાણ્યું રહ્યું. ‘સેંગોલ’ને ભારતની નવી સંસદમાં પુનર્સ્થાપિત કરવા સાથે ભાજપે દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની પોતાની ભાવના વ્યક્ત કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top