National

15મી ઓગસ્ટે દુનિયાભરમાં બની હતી આ મોટી ઘટનાઓ, જાણો ઈતિહાસના પાનામાં બીજું શું નોંધાયું

નવી દિલ્હી: અંગ્રેજોની લાંબી ગુલામી બાદ આખરે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે (India) મુક્ત હવાનો શ્વાસ લીધો અને સવારનો મુક્ત સૂરજ જોયો. જો કે આ તડકામાં વિભાજનના ઘાવની વેદના પણ હતી. ભાગલા પછી મળેલી આઝાદીએ સુખની સાથે સાથે રમખાણો અને કોમી હિંસાનું દુઃખ પણ આપ્યું. પરંતુ 15 ઓગસ્ટની તારીખ માત્ર ભારતની આઝાદી માટે જ યાદ નથી, પરંતુ આવી ઘણી ઘટનાઓ ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે જેના માટે આ તારીખ પણ જાણીતી છે.

ભારતીય ટપાલ સેવાના ઈતિહાસમાં 15મી ઓગસ્ટની તારીખ એક ખાસ કારણસર નોંધાયેલી છે. હકીકતમાં 1972 માં, 15મી ઓગસ્ટના એ જ દિવસે, ‘પોસ્ટલ ઇન્ડેક્સ નંબર’ એટલે કે પિન કોડ લાગુ કરવામાં આવ્યો હતો. દરેક વિસ્તાર માટે અલગ પિન કોડ રાખવાથી મેઇલની અવરજવર સરળ બની. મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની પીછેહઠ બાદ તાલિબાન લડવૈયાઓએ 15 ઓગસ્ટ 2021ના રોજ રાજધાની કાબુલ પર કબજો જમાવ્યો હતો અને આ સાથે સમગ્ર દેશ પર તાલિબાનોએ કબજો કરી લીધો હતો. આ પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

જણાવી દઈએ કે 15મી ઓગસ્ટના દિવસે ભારત તેમજ વિશ્વમાં એવી અનેક ધટનાઓ ઘટી છે જે આપણા સૌ માટે યાદગાર બનીને આપણી સાથે રહી છે. મળતી માહિતી મુજબ વર્ષ 1854માં ઈસ્ટ ઈન્ડિયા રેલ્વેએ કલકત્તા થી હુગલી સુધી પ્રથમ પેસેન્જર ટ્રેન ચલાવી હતી જો કે તેણે સત્તાવાર રીતે 1855 માં કામગીરી શરૂ કરી હતી. વર્ષ 1866માં લિક્ટેંસ્ટાઇન જર્મન શાસનમાંથી મુક્ત થયું હતું. વર્ષ 1872માં ભારતીય ફિલસૂફ શ્રી અરબિંદોનો જન્મ થયો હતો. વર્ષ 1886માં ભારતના મહાન સંત અને વિચારક ગુરુ રામકૃષ્ણ પરમહંસ ઉર્ફે ગદાધર ચેટર્જીનું અવસાન થયું હતું. આ જ દિવસે એટલે કે 15મી ઓગસ્ટ 1945માં દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા બંને સ્વતંત્ર થયા હતાં. જયારે આજનો દિવસ ભારત માટે એટલે ખાસ છે કારણકે 15મી ઓગસ્ટ 1947માં ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.

મળતી માહિતી મુજબ વર્ષ 1950માં ભારતમાં 8.6ની તીવ્રતાના ભૂકંપમાં 20 થી 30 હજાર લોકોના મોત થયા હતા. વર્ષ 1960માં કોંગો ફ્રેન્ચ ગુલામીમાંથી મુક્ત થયો હતો. વર્ષ 1971માં બહેરીન બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું હતું. તો 1975માં બાંગ્લાદેશમાં લશ્કરી ક્રાંતિ થઈ હતી. 1982માં રંગીન પ્રસારણ અને ટીવીનો રાષ્ટ્રીય કાર્યક્રમ દેશભરમાં શરૂ થયો હતો. વર્ષ 1990માં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ આકાશનું સફળ પ્રક્ષેપણ થયું હતું.

Most Popular

To Top