National

ભારતમાં કોવિડના કેસોમાં તાજેતરના ઉછાળા માટે આર્કટરસ વેરિઅન્ટ જવાબદાર

નવી દિલ્હી: ભારતમાં (India) આજે કોવિડ-૧૯ના (Corona) ૧૦૧૫૮ કેસો નોંધાયા છે જે આઠ મહિના જેટલા સમયમાં સૌથી વધુ છે અને તાજેતરના આ ઉછાળા માટે કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના એક સબ-વેરિઅન્ટ આર્કટરસને જવાબદાર માનવામાં આવે છે. બાળકોમાં પહેલીવાર આને લીધે આંખો આવવી (કન્જક્ટીવાઇટિસ) જેવા લક્ષણો દેખાય છે.

આમ તો આ કોઇ નવો સબ વેરિઅન્ટ નથી, તે એક્સબીબી.૧.૧૬ સ્ટ્રેઇનનું જ એક નવું નામ છે જે નામ તેને વેરિઅન્ટ ટ્રેકરો દ્વારા અપાયું હોવાનું માનવામાં આવે છે. આ વેરિઅન્ટ તેના પુરોગામી વેરિઅન્ટો કરતા વધુ સંક્રામક માનવામાં આવે છે અને જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં કેસો વધી રહ્યા હતા ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ તેને દેખરેખ હેઠળનો વેરિઅન્ટ માર્ચમાં જાહેર કર્યો હતો. આ વાયરસ આગાહી કરી શકાય તેવી પેટર્નમાં સેટલ થયો નથી અને તે ફેલાવાનું ચાલુ રહ્યું છે. ઓમિક્રોન એ વિશ્વભરમાં પ્રભાવી વેરિઅન્ટ તરીકે ચાલુ રહ્યો છે અને તેના હજી ૬૦૦ કરતા વધુ સબલાઇનેજ ફરી રહ્યા છ. જેમના પર અમે નજર રાખી રહ્યા છીએ તેમાંનો એક વેરિઅન્ટ એક્સબીબી૧.૧૬ છે. તે સ્વરૂપમાં ઘણે અંશે એક્સબીબી-૧.પને મળતો આવે છે. જો કે તેના સ્પાઇક પ્રોટિનમાં વધુ એક મ્યુટેશન છે એમ હુના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં કોવિડના કેસોમાં થયેલા વધારા માટે આ સબ-વેરિઅન્ટને જવાબદાર ગણવામાં આવે છે. ભારતમાં અનેક રાજ્યોમાં તેની હાજરી જણાઇ છે અને વિશ્વના ૨૦ જેટલા દેશોમાં આ સબ-વેરિઅનટની હાજરી જણાઇ છે જેમાં ભારત ઉપરાંત અમેરિકા, સિંગાપોર, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

આર્કટરસ સબ-વેરિઅન્ટ અગાઉના તમામ વેરિઅન્ટો કરતા વધુ ચેપી છે
આર્કટરસ વેરિઅન્ટ અગાઉના ઓમિક્રોન સબ-વેરિઅન્ટો કરતા વધુ ચેપી હોવાનું જણાયું છે. એક્સબીબી-૧.પ ક્રેકન વેરિઅન્ટ કરતા આ વેરિઅન્ટ ૧.૨ ગણો જેટલો વધુ ચેપી જણાયો છે અને અત્યાર સુધીના સૌ સબ-વેરિઅન્ટો કરતા વધુ ચેપી તેને માનવામાં આવે છે. જો કે તે ગંભીર અસરો ઉપજાવતો જણાયો નથી.

Most Popular

To Top