Editorial

આયાતી હાર્ડવેરની બાબતમાં સુરક્ષા અંગે કોઇ બાંધછોડ નહીં થાય તે જરૂરી છે

કેન્દ્ર સરકારે હાલ અઢી મહિના પહેલા અચાનક કોમ્પુટર, લેપટોપ, ટેબ્લેટ જેવી સામગ્રીની આયાત પર નિયંત્રણો જાહેર કર્યા હતા. ત્યારે જાહેર કરવામાં આવ્યું હતું કે કોમ્પ્યુટરો, પર્સનલ કોમ્પ્યુટરો, લેપ્ટોપ્સ, ડેટા પ્રોસેસિંગ મશીનો જેવી આઇટી સામગ્રીની આયાત હવે વિદેશોથી લાયસન્સ વગર કરી શકાશે નહીં. ત્રીજી ઓગસ્ટના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તત્કાળ અસરથી આ નિયમો અમલમાં આવી રહ્યા છે. જેઓ આયાત માટેનું લાયસન્સ મેળવશે તેવા આયાતકારો જ આ વસ્તુઓની વિદેશોથી આયાત કરી શકશે એમ જણાવાયું હતું.

આ લાયસન્સો મેળવી લેવા માટે કેટલોક સમય અપાયો હતો. આ નિયંત્રણો મૂકવા માટે એવું કારણ અપાયું હતું કે દેશમાં બનતી આ વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે અને સુરક્ષાના કારણોસર આ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જો કે બીજા દિવસે જાહેર કરવામાં આવ્યું હતું કે આ નિયંત્રણોનો અમલ પહેલી નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવે છે. હવે પહેલી નવેમ્બર નજીક આવી રહી છે ત્યારે અચાનક જાહેરાત કરવામાં આવી છે કે લાયસન્સની આવશ્યકતા દૂર કરવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે સરકારે લેપટોપ્સ અને કોમ્પ્યુટરોની આયાત પર નિયંત્રણો મૂકતા નિયમોમાં ફેરફાર કર્યા છે અને આયાતકારોને વિદેશોમાંથી આઇટી હાર્ડવેરના શિપમેન્ટો ફક્ત જથ્થા અને કિંમતની વિગતો આપીને ઓથોરાઇઝેશન કરાવીને લાવવા દેવાની મંજૂરી આપવામાં આવી છે.

સરકારે આઇટી હાર્ડવેરની આયાત માટે નવી આયાત વ્યવસ્થાપન પ્રણાલી જાહેર કરી છે. એમ જણાવાયું છે કે નવી આયાત મેનેજમેન્ટ સિસ્ટમ બજાર પુરવઠાને અસર કર્યા વિના અને બોજ સમાન લાયસન્સિંગ વ્યવસ્થા સર્જ્યા વિના દેશમાં બહારથી આવતા લેપટોપો, ટેબલેટો અને કોમ્પ્યુટરોના શીપમેન્ટો પર દેખરેખ રાખવાનો હેતુ ધરાવે છે. આ જાહેરાત ભારતમાં આઇટી હાર્ડવરના ક્ષેત્રે કાર્યરત કંપનીઓને રાહત પહોંચાડે તેવી આશા છે કારણ કે તેમણે આયાત માટે એક કડક લાયસન્સિંગ વ્યવસ્થા લાગુ પાડવા અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી.

દેશના બજારમાં જેમના ઉત્પાદનો વેચાય છે તે અગ્રણી બ્રાન્ડોમાં એચસીએલ, સેમસંગ, ડેલ, એલજી ઇલેકટ્રોનિક્સ, એસેર, એપલ, લેનોવો અને એચપીનો સમાવેશ થાય છે. ડિરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ(ડીજીએફટી) સંતોષ કુમાર સારંગીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ નવી લાયસન્સિંગ અથવા આયાત અધિકૃતતા/વ્યવસ્થાપન પ્રણાલિ તત્કાળ અસરથી અમલમાં આવશે અને તેનો પ્રાથમિક હેતુ આ ઉત્પાદનો વિશ્વાસપાત્ર સ્ત્રોતો તરફથી આવે છે તે સુનિશ્ચિત કરવા માટે આ આયાતો પર દેખરેખ રાખવાનો છે.

ઓથોરાઇઝેશન માગતી વખતે આયાતકારે આયાત માટેની વસ્તુઓની સમરી અને ભૂતકાળની આયાતો, નિકાસો અને ટર્નઓવરની વિગતો આપવાની રહેશે. કેટલીક શરતોને આધિન, સરકાર કોઇ પણ આયાત વિનંતી નકારશે નહીં અને આ સામાનના આવતા શિપમેન્ટો પર નજર રાખવા ડેટાનો ઉપયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ત્રીજી ઓગસ્ટના રોજ, સરકારે આયાત નિયંત્રણો જાહેર કર્યા હતા અને ચોથી ઓગસ્ટે જ આ નિર્ણય મુલતવી રાખ્યો હતો અને આ ઉદ્યોગ તરફથી વ્યક્ત કરાયેલ ચિંતાઓ પછી જણાવ્યું હતું કે આ નવી લાયસન્સિંગ વ્યવસ્થા પહેલી નવેમ્બરથી અમલમાં આવશે.

હવે એક અધિકારીએ જણાવ્યું હતું કે નવી ઓનલાઇન સિસ્ટમ બોજસમાન લાયસન્સ વ્યવસ્થાની સરખામણીમાં સરળ છે. આ નવી વ્યવસ્થા ફેસલેસ અને કોન્ટેક્ટલેસ હશે અને તેમાં આયાતકારો માટે વિગતો ભરવાનું અડચણમુક્ત હશે એમ જણાવાયું છે. ભારતમાં ઘરઆંગણે આઇટી હાર્ડવેરનું નોંધપાત્ર પ્રમાણમાં ઉત્પાદન થવા માંડયું છે અને ગુણવત્તા પણ સુધરી છે.

તેમ છતાં દેશમાં જે રીતે આઇટી હાર્ડવેરની માગ વધી છે અને ગુણવત્તાના આગ્રહ વાળા વપરાશકારો વિદેશી ઉત્પાદનોનો આગ્રહ રાખે છે તે જોતા મોટા પાયે વિદેશોથી આ વસ્તુઓ મંગાવવી પડે તેમ છે અને લાયસન્સના નિયમથી તેમાં મોટી સમસ્યા ઉભી થાય તેમ હતું તેથી આ નિયમ બદલવો પડ્યો છે એમ લાગે છે. પરંતુ વિદેશોથી આવતા, ખાસ કરીને ચીનથી આવતા હાર્ડવેરમાં જાસૂસી કરી શકાય તેવી તરકીબો કરેલી હોઇ શકે છે તેવી જે ચિંતાઓ ઉઠી છે તે યોગ્ય જ છે. અને આયાતી હાર્ડવેરની બાબતમાં આ ચિંતાઓ યોગ્ય રીતે હાથ ધરાય તે જરૂરી છે.

Most Popular

To Top