SURAT

સુરતની ટીપીઓ કચેરીમાં EWS આવાસના રિઝર્વેશનના નામે દલાલો રૂપિયા ખંખેરી રહ્યા છે

સુરત(Surat): સુરતમાં ટીપીઓ કચેરીઓમાં (TPO) ચાલતા ભ્રષ્ટાચારની (Corruption ) પોલ ઉઘાડી પડી રહી છે. ટીપી સ્કીમોમાં (TP Scheme) EWS આવાસના રિઝર્વેશનના નામે પણ દલાલો (Brokers) ફૂટી નિકળ્યા છે. આ દલાલો દ્વારા જમીનમાલિકો પાસેથી લાંબી ટૂંકી રકમ લઈ લેવામાં આવે છે.

સુરતમાં મોટાભાગના ટીપીઓ પોતાની ઓફિસમાં સમયસર આવતા જ નથી અને કચેરીનો આખો કારભાર દલાલોના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે. આ દલાલોને વચ્ચે પાડ્યા વિના ટીપીઓ કચેરીમાં એકેય કામ પાર પડતા નથી. દરેક ટીપીઓ પાસે એકથી વધુ ટીપી સ્કીમોનો કારભાર હોવાને કારણે ટીપીઓને દલાલો થકી બખ્ખાં થઈ ગયા છે.

દલાલોને વચ્ચે નાખવામાં આવતાં જ ચપટી વગાડવામાં કામ થઈ જાય છે.ભૂતકાળમાં સુરતમાં ઘણા ટીપીઓના પરાક્રમ રાજયભરમાં ચર્ચાસ્પદ બન્યા હતા. તે સમયે સરકારે ટીપીઓને સીધાદોર કરી નાખ્યા હતા પરંતુ હવે ફરી ટીપીઓ કચેરી પરની સરકારની પકડ ઢીલી પડી ગઈ છે.

નાનુ વાનાણીના (NanuVanani) પત્ર બાદ ટીપીઓ કચેરીનો ભ્રષ્ટાચાર ઉઘાડો થઈ જવા પામ્યો છે. ટીપીઓ કચેરીમાં બેસી રહેતા દલાલો અને અધિકારીઓ અરજદારોને તેમના મૂલ્યવાન પ્લોટને અડોઅડ EWS આવાસનું રિઝર્વેશન છે તેમ કહીને તેને બદલવાના નામે ખેલ પાડે છે.

આખી ટીપી સ્કીમમાં અનેક વખત આ આવાસનો ભય બતાવી દલાલો અને બાબુઓ રોકડા કરી રહ્યા છે. ટીપીઓ કચેરીમાં કરપ્શનની હદ એટલી હદે વટાવી જાય છે કે એજન્ટની સમક્ષ જ નોટિસ આપી નોટિસનો જવાબ રેડી કરાવી મામલો પતાવટ કરી આપવામાં આવે છે.

ચાલુ ટીપી સ્કીમ દરમિયાન અધિકારી બદલાયા તો ફરી નવેસરથી વહેવાર કરવો પડે છે
સુરત શહેરની ટીપીઓ કચેરીમાં રાજય સરકારે નિયુકત કરેલા ટીપીઓ બદલી પામે તો અરજદારોની હાલત કફોડી બની જાય છે. ટીપી ડ્રાફટ હોય તેવા સ્ટેજથી પરામર્શ માટે જાય ત્યાં સુધી અનેક વખત સરકારી બાબુઓની બદલી થઇ જાય છે. જેને પગલે અરજદારોએ આગળ કરેલા તમામ સેટલમેન્ટ પાણીમાં જાય છે. અને તેમને નવેસરથી નવા અધિકારી પાસે પૈસાનો કોથળો ખૂલ્લો મૂકવો પડે છે.

આવું સુરત શહેરમાં અનેક વખત બની ચૂકયુ છે. સરકારની બદલીની સિસ્ટમથી બખૂબી જાણકાર દલાલો પણ પોતાની પાસે ટીપીના નકશા રાખતા થઇ જાય છે. જે નવા સાહેબ આ રીતે ફેરફાર કરશે. નવા સાહેબે આ રીતે દરખાસ્ત કરી છે. તેમજ ઉપરથી આ રીતે સૂચનાઓ આવી છે તેવી વાતો કહીને દલાલો અરજદારોને લૂંટી રહ્યા છે.

પરામર્શના નામે પણ ટીપી સ્કીમ ઘોંચમાં પડે
સુરત શહેર અને જિલ્લામાં રાજય સરકારના ટીપીઓ પાડી રહેલી યોજનાઓ ઘણી વખત નાહકની લંબાય છે. પરામર્શના નામે સરકારી કચેરીઓમાં ટીપીની દરખાસ્ત ટેબલે ટેબલે ફરતી રહે છે. જેને કારણે બે મહિનામાં પરામર્શ કરવાની સરકારની યોજના બર આવી નથી. રાજય સરકારે તમામ ટીપીનું બે મહિનામાં પરામર્શ કરવા તાકીદ કરી હતી. પરંતુ સુરત શહેરમાં કે જિલ્લામાં એકેય ટીપી એવી નથી. જેમાં નિયત સમયમાં પરામર્શ થાય છે. જેને લીધે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Most Popular

To Top