SURAT

સુરતનાં વરાછામાં જમીન દલાલનાં ઘરમાં પિસ્તોલ સાથે ઘુસી વ્યાજખોરોએ આપી ધમકી

સુરત: મોટા વરાછા(Mota varachha) ખાતે રહેતા જમીન દલાલે(Land broker) બે ટકાના વ્યાજે 55 લાખ રૂપિયા લીધા બાદ ચાર મહિનામાં 60 લાખ ચુકવી દીધા હતા. તેમ છતાં ફાયનાન્સર(Financier) દ્વારા 1 કરોડની ઉઘરાણી કરીને ધમકી (Threat)(આપવામાં આવતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

  • મોટા વરાછામાં વ્યાજખોરોનો આતંક : જમીન દલાલ પાસે 55 લાખની સામે 1 કરોડની ઉઘરાણી
  • જમીન દલાલે 2 ટકાના દરે 55 લાખ લીધા હતા, ચાર માસમાં વ્યાજ સહિત 60 લાખ ચુકવી દીધા હતા
  • જો કે અગાઉ બિટકોઇન મામલે પણ ધાક ધમકીનો વિવાદ થયો હતો

અમરોલી પોલીસ સ્ટેશનમાંથી બનાવ અંગે મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે આકૃતિ હાઈટ્સમાં રહેતા 40 વર્ષીય રાજુ બાલાભાઈ ઈટાલીયા સરથાણા જકાતનાકા વિસ્તારમાં જમીન- મકાનની દલાલીનું કામ કરે છે. વર્ષ 2019 માં કામરેજના સેવણી ગામની જમીનમાં હિસ્સો રાખવા માટે પૈસાની જરૂરીયાત હોવાથી તેના મિત્ર મારફતે મોટા વરાછા વી.આઈ.પી સર્કલ પાસે રોયલ સ્કેવરમાં ઓફિસ ધરાવતા ફાયનાન્સર જગદીશ કાના રાઠોડ ઉર્ફે જે.કે. રાજપુત (રહે,પ્રિન્સેસ હાઉસ મોટા વરાછા) પાસેથી 55 લાખ રૂપિયા 2 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં કોરોનાને લીધે લોકડાઉન વખતે જમીનનો સોદો કેન્સલ થયો હતો. ચાર મહિના પછી રાજુભાઈએ ફાયનાન્સરને તેની મુદલ રકમ વ્યાજ સહિત 60 લાખ પરત કર્યા હતા.

55 લાખ સામે 1 કરોડની ઉઘરાણી
વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવા છતાં જગદીશે એક વર્ષ સુધી 3 ટકા પેનલ્ટી સાથે એક કરોડની ઉઘરાણી કાઢી હતી. ફ્લેટનો બળજબરી સાટાખત કરાવી લીધો હતો. ફાયનાન્સરની પઠાણી ઉઘરાણીથી ગભરાઈને રાજુભાઈ ફેબ્રુઆરી મહિનામાં બે તબક્કામાં વધુ 13.50 લાખ આપ્યા હતા. છતાંયે સાટાખત પરત આપ્યા નહોતા. અમરોલી પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. દરમિયાન જગદીશ કાના રાઠોડ અગાઉ બિટ કોઇનમાં વિવાદમાં સપડાયો હતો. તત્કાલ સમયે પણ તેની સામે ધાક ધમકી આપવા મામલે વિવાદ થયો હતો.

ફાયનાન્સરે સાગરીતો સાથે પિસ્તોલ લઈને ઘરમાં ઘુસી ધમકી આપી
માર્ચ 2022 માં રાજુભાઈ સાઉથ આફિક્રા ગયા હતા. તે વખતે જગદીશ સાગરીતો સાથે પિસ્તોલ લઈને તેના ઘરે ગયો હતો. અને તેના દીકરા મીતને પપ્પાને ફોન કરી વાત કરાવ કહી ગાળાગાળા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત રાજુભાઈના નાના ભાઈ સંદિપને પણ તેના મારફતે પૈસા કઢાવવાનો પ્રયાસ કરી ધમકી આપી હતી. રાજુભાઈ સાઉથ આફિક્રાથી પરત આવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top