Dakshin Gujarat

‘સાહેબ, મારી બહેનને ટોર્ચર કરી હત્યા કરાઈ છે’: બનેવી સામે સાળાની ફરિયાદ

અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના હળદવા ખાતે રહેતા રાજસ્થાની પરિવારની મહિલાના મૃત્યુ બાદ તેના ભાઈએ રાજસ્થાનના ભીલવાડા પોલીસમથકે (Police Station) ફરિયાદ આપતાં ત્યાંથી મહુવા પોલીસને જાણ કરાતાં મહુવા પોલીસે મૃતક (Death) મહિલાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • હળદવામાં રાજસ્થાની પરિવારની મહિલાના શંકાસ્પદ મોતની ઘટનામાં મહુવા પોલીસે ફરિયાદ નોંધી

પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાનના કેરિયા ખાતે રહેતા અને હાલ મહુવા તાલુકાના હળદવા ગામે રહેતા ભૂપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાણાવતનાં લગ્ન 2012માં રાજસ્થાનની મહિમા ઉર્ફે પુરણ કંવર સાથે થયાં હતાં. દંપતી છેલ્લાં 10 વર્ષથી વધુ સમયથી મહુવાના વલવાડા ખાતે કરિયાણાની દુકાન ચલાવી રહેતું હતું. ગત તા-27/04/2022ના રોજ મહિમા કંવરના ભાઈ શ્રવણસિંહ ધોકસિંહ દેવડાને તેમના સંબંધી દ્વારા તેની બહેન મહિમાનાં મૃત્યુ અંગેના સમાચાર મળતાં તેમણે ત્વરિત બનેવી ભૂપેન્દ્રસિંહને બનાવની હકીકત જાણવા ફોન કરતાં તેમના બનેવીએ ફોન રિસીવ કર્યો ન હતો. અને બનેવીના પરિવારજનોએ પણ કોઈ માહિતી આપી ન હતી.

ત્યારબાદ લાશનું પોસ્ટ મોર્ટમ કર્યા વિના અને ગુજરાત પોલીસને જાણ કર્યા વિના મહિમાની લાશને રાજસ્થાનના ભીલવાડા જિલ્લા ખાતે લઈ આવ્યા હતા. લાશ સાથે આવેલા તમામ લોકોનો સંપર્ક કરવાનો મૃતક મહિલાના ભાઈએ પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોઈએ બનાવની સાચી હકીકત અંગે જાણ કરી ન હતી.

મૃતક મહિલાના ભાઈએ પોતાની બહેનનું મૃત્યુ તેને ટોર્ચર કરી મારવાથી થયું હોવાનું માની આ કૃત્ય તેના બનેવી ભૂપેન્દ્રસિંહ અને તેમના પરિવાર દ્વારા પૂર્વ નિયોજિત કાવતરું રચી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાવી દોષીઓને કડક સજા કરવાની માંગ સાથે રાજસ્થાનના ભીલવાડા પોલીસ સ્ટેશનના માંડલના સબ ઈન્સ્પેક્ટરને ફરિયાદ આપતાં પોલીસે મૃતક મહિલા મહિમા કંવરની લાશનો કબજો લઈ લાશ માંડલ સરકારી દવાખાનાના પીએમ રૂમમાં રાખવામાં આવી છે. આ ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતક મહિમા કંવરના ભાઈ શ્રવણની ફરિયાદના આધારે ભૂપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાણાવત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top