Editorial

માત્ર છ દાયકામાં ગુજરાત સરકારનું બજેટ 115 કરોડથી વધીને 3 લાખ કરોડ પર પહોંચી ગયું

ગુજરાતીઓ આખા વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. જ્યાં વેપાર હોય ત્યાં ગુજરાતી હોય જ પરંતુ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ગુજરાત નામના રાજ્યનું અસ્તિત્વ જ નહોતું. આઝાદી બાદ આંદોલનને પગલે 1960માં એટલે કે આઝાદી મળ્યાના 13 વર્ષ બાદ ગુજરાત રાજ્યનો જન્મ થયો હતો. સરકાર ચાહે કોઈપણ પક્ષની રહી હોય પરંતુ ગુજરાતે હંમેશા પ્રગતિ જ કરી છે. આ જ કારણે અમદાવાદ અને સુરત, બંને શહેરોમાં દેશના અનેક પ્રાંતોમાંથી આવીને લોકો વસી રહ્યા છે.

તેમાં પણ સુરતમાં તો દેશના લગભગ તમામ રાજ્યોના લોકો વસી રહ્યા છે. ગુજરાતને આગળ લાવવામાં સરકારો કરતાં પણ વધુ ફાળો ગુજરાતીઓનો જ રહ્યો છે અને તેને કારણે ગુજરાત એક રહેવાલાયક રાજ્ય બની શક્યું છે. ગુજરાતની આ ખાસિયતને કારણે ભાજપે પણ આખા રાજ્યમાં રાજકીય લાભ લેવા માટે ગુજરાતને રોલ મોડેલ રાજ્ય તરીકે રજૂ કર્યું. જો દિલ્હીથી મુંબઈ જવું હોય તો વચ્ચે ગુજરાત આવે જ અને તેને કારણે ગુજરાતને વિકાસના અનેક પ્રોજેક્ટો મળ્યા છે. આજ કારણે ગુજરાતનો વિકાસ દિવસેને દિવસે વધુને વધુ વધી રહ્યો છે.

ગુજરાત સરકારનું બજેટનું કદ એવી રીતે વધી રહ્યું છે કે જેના થકી ગુજરાત રાજ્યનો ભારે વિકાસ થઈ રહ્યો હોવાની પ્રતિતી થઈ રહી છે. સને 1960માં જ્યારે ગુજરાત સરકારનું પ્રથમ બજેટ તત્કાલિન મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા દ્વારા રજૂ કરવામાં આવ્યું ત્યારે તેનું કદ માત્ર 115 કરોડનું હતું. આ બજેટમાં મહેસૂલી આવક 54.25 કરોડ દર્શાવવામાં આવી હતી અને ખર્ચા 58.12 કરોડ અંદાજવામાં આવી હતી. ગુજરાત સરકારના પ્રથમ બજેટમાં રૂપિયા 3.87 કરોડની ખાદ્ય જોવા મળી હતી. ડો. જીવરાજ મહેતાથી શરૂ થયેલી બજેટ રજૂ કરવાની પરંપરામાં ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 76 બજેટ રજૂ થયા હતા.

જેમાં સૌથી વધુ 18 વખત બજેટ વજુભાઈ વાળા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. વજુભાઈ વાળાની ખાસિયત એ હતી કે જ્યારે તેઓ બજેટ રજૂ કરતાં હતા ત્યારે હળવી શૈલીમાં રજૂ કરતાં હતા. વજુભાઈ વાળા પછી સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ નિતીનભાઈ પટેલના નામે છે. જ્યારે રાષ્ટ્રપતિ શાસનને કારણે 3 વખત ગુજરાતનું બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 20 વખત એવું થયું છે કે, ગુજરાત સરકાર દ્વારા બજેટને બદલે લેખાનુદાન રજૂ કરવામાં આવ્યા હોય.

ગુજરાત સરકારના બજેટના કદને જોવામાં આવે તો એવું સમજી શકાય છે કે દર છ વર્ષમાં દર 3 વર્ષે એક લાખ કરોડનો વધારો થયો છે. ગુજરાત સરકારના બજેટને 1 લાખ કરોડ સુધી પહોંચવામાં 57 વર્ષ લાગી ગયા હતા. સને 2017-18માં ગુજરાત સરકારનું બજેટ 1, 72, 179 કરોડને પાર થયું હતું. જોકે, બાદમાં 3 જ વર્ષમાં બજેટનું કદ વધીને 2, 17, 287 કરોડ પર પહોંચી ગયું હતું. બાદમાં ફરી 3 વર્ષમાં એટલે કે 2023-24નું બજેટ એક લાખ કરોડ વધીને 3,01,022 કરોડ થઈ ગયું છે. જે એક નવો જ વિક્રમ છે. 60 વર્ષમાં જ ગુજરાત સરકારના બજેટનું કદ 115 કરોડથી વધીને 3 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.

આ વખતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2023-24 માટે રજૂ કરેલા બજેટમાં એક વાત એ ખાસ છે કે, નવા કરવેરા કોઈ લાદવામાં આવ્યા નથી અને જે વેરાઓ હતા તે પણ સીએનજી-પીએનજી પરથી ઘટાડી દેવામાં આવ્યા છે. સાથે સાથે ઈલેકટ્રીસિટી પરના વેરાના દરો પણ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવું બજેટ રહ્યું છે કે જેમાં લોકોને સીધા સ્પર્શતા નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારના બજેટનું કદ વધવા પાછળ એક મોટું કારણ એ પણ છે કે જીએસટીની જે આવક મળી રહી છે તે ખૂબ મોટી છે. ગુજરાત રાજ્ય આમ પણ વેપાર-ધંધા માટેનું રાજ્ય છે. જેથી ત્યાં વધુ જીએસટી આવે તે સ્વાભાવિક છે અને હવે કેન્દ્ર સરકાર દ્વારા તેને પરત આપવામાં આવવાને કારણે બજેટમાં તેનો સમાવેશ કરી શકાયો છે.

આ વખતના બજેટમાં મોટા પ્રોજેક્ટો રજૂ કરાયા નથી. એવું પણ કારણ હોય શકે કે આગામી વર્ષ ચૂંટણી વર્ષ છે તેથી બજેટમાં નવા પ્રોજેક્ટોને સામેલ કરવામાં આવે. મોટાભાગે ખેડૂતોલક્ષી આ બજેટ બનાવવામાં આવ્યું છે. જે રીતે ગુજરાત સરકારના બજેટનું કદ વધી રહ્યું છે તે બતાવી રહ્યું છે કે, આગામી એક-બે વર્ષમાં જ ગુજરાત સરકારના બજેટનું કદ વધીને 5 લાખ કરોડ સુધી પહોંચી જશે. જોકે, એક વાત એ ચોક્કસ છે કે, બજેટનું કદ ગમે તેટલું વધે પણ જો લોકોને તેનો સીધો લાભ નહીં મળે તો બજેટના વધેલા કદનો કોઈ જ મતલબ નથી.

Most Popular

To Top