Columns

GSTની તરફેણમાં

‘દેશના મોટા ભાગના નાગરિકો માટે કમરતોડ એવો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જેને લાડથી ગબ્બરસિંઘ ટેક્સ પણ કહેવામાં આવે છે) તે કંઈ હસવાનો વિષય છે?”-એવું કોઈને લાગે તો વાજબી છે. છેલ્લા થોડા સમયમાં નાનામાં નાની અને પ્રાથમિકમાં પ્રાથમિક ચીજો પર GST ફટકારવામાં આવ્યો છે. સમજો ને, GST લગાડવા ઉપર જ GST લગાડવાનો બાકી છે. ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તેમનો વિરોધ ગણકારવો નહીં કારણ કે તેમને વિરોધ કરવાની ટેવ પડી છે. હોય, કોઈને સતત જૂઠું બોલવાની ટેવ હોય, કોઈને સતત આત્મરતિમાં રાચવાની ટેવ હોય, કોઈને દેશના રૂપિયાનો ધુમાડો કરવાની ટેવ હોય, તેમ કોઈને વિરોધ કરવાની પણ ટેવ હોય. આગળની બધી અને એવા પ્રકારની ટેવો આપણા ઘણા લોકો ઉદારતાથી નભાવી લેતાં હોય, તો વિરોધની શી વિસાત?

બીજી રીતે વિચારીએ તો, એક જમાનો એવો હતો જ્યારે લોકો ઇન્કમટેક્સ ભરવાના-એટલે કે તે ભરી શકે એટલી આવકે પહોંચવાનાં-સપનાં જોતાં હતાં. હિંદી વ્યંગકાર હરિશંકર પરસાંઈએ એક લેખમાં તેમની બે મહેચ્છાઓ વ્યક્ત કરી હતીઃ એક, બેન્કમાં તેમનું ખાતું ખૂલે અને બીજી, ઇન્કમટેક્સ ભરતા થવાય. હવે દેશનો વિકાસ એવી ચરમ સ્થિતિએ પહોંચ્યો છે કે દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ ટેક્સ ભરતો થઈ ગયો છે-ઇન્કમટેક્સ નહીં, GST સહી.

દાયકાઓ સુધી એક નાનકડો વર્ગ કોઈ પણ વાતમાં મહેણાં મારતો હતો કે ‘અમે ટેક્સ ભરીએ છીએ ને તેના જોરે બીજા તાગડધિન્ના કરે છે.’ તે વર્ગને કદાચ હજુ એવું જ લાગતું હશે પણ હવે એવા કોઈ પણ દાવાની સામે આ દેશનો ગરીબમાં ગરીબ નાગરિક માથું ઊચું રાખીને કહી શકે છે, ‘ખોટ્ટી ખાંડ ન ખાશો. અમે પણ તમારી જેમ જ, નાનામાં નાની ચીજ પર ટેક્સ ચૂકવીએ છીએ. તમારે ભરવા પડતા ટેક્સમાંથી તો તમારા CA ખાસ્સું એવું ‘એડજસ્ટ’ કરી આપતા હશે. અમારી પાસે એવો કોઈ વિકલ્પ નથી. અમારે તો ઊંધા વળીને GST આપવો જ પડે છે–એ રૂપિયા ક્યાં જાય છે, એની ભલે અમને ખબર પડતી ન હોય.’

ગરીબોનું ઉપરાણું લઈને GSTનો વિરોધ કરનારાએ સમજવું જોઈએ કે આ સરકારે 75 વર્ષમાં પહેલી વાર આખા દેશની સામાન્ય જનતા પર-છેવાડાનાં લોકો પર રહેલું કલંક દૂર કર્યું છે અને તેમને પણ ટેક્સ ભરતા કરી દીધા છે. (આ સરકારનો વિરોધ કરનારાએ કાયમી ધોરણે યાદ રાખી લેવું જોઈએ કે આ સરકાર જે કંઈ કરે છે, તે 75 વર્ષમાં પહેલી વાર જ થતું હોય છે.) સ્વમાન કરતાં-આત્મગૌરવ કરતાં ટેક્સ વધારે મહત્ત્વનો છે? વડા પ્રધાન ભલે વિદેશી કારમાં બેસીને, વિદેશી ચશ્મા પહેરીને પણ આત્મનિર્ભર બનવાની હાકલો કરે છે, તે શું ફક્ત ભૌતિક ચીજો માટે?

શું સ્વમાનના મામલે આત્મનિર્ભર બનવું અને તેના માટે કમર જ નહીં, આખું અસ્તિત્વ બેવડ વળી જાય એવા દરે, ચૂં કે ચાં કર્યા વિના GST ભરવો, તે આત્મનિર્ભરતાનો જ પ્રકાર નથી? તેમાં કોઈને શંકા લાગતી હોય તો સરકાર પાસેથી, વડા પ્રધાનની તસવીર સાથેનાં, એ મતલબનાં પ્રમાણપત્રો તૈયાર કરાવીને વહેંચી શકાય.  એક મહાપુરુષે કહ્યું હતું કે ‘દેશે તમારા માટે શું કર્યું એ ન પૂછો. તમે દેશ માટે શું કર્યું એ વિચારો.’ આ વાક્ય મોટે ભાગે સત્તાધીશો જ ઉચ્ચારતા હોય છે. આવું કહેવા પાછળ તેમની અપેક્ષા એવી હોય છે કે સાંભળનાર ‘દેશ’ અને ‘સરકાર’ વચ્ચેનો તોતિંગ તફાવત નજરઅંદાજ કરે અને સરકારને જ દેશ માની લે. તેમનો ઇરાદો મોટે ભાગે સફળ થાય છે.

એટલે બોલાય ભલે ઉપર લખેલું વાક્ય પણ તે સંભળાય છે આ રીતેઃ ‘સરકારે તમારા માટે શું કર્યું, એ ન પૂછો. તમે સરકાર માટે શું કર્યું, એ વિચારો.’ તમે સરકારને ફાયદો કરાવે એવી ધિક્કાર ઝુંબેશમાં સામેલ થયા? તમે IT સેલમાંથી આવતાં જૂઠાણાં અને અર્ધસત્યો ફોરવર્ડ કર્યાં? તમે સરકારની અસલિયત ખુલ્લી પાડે એવા સમાચારો તરફથી લોકોનું ધ્યાન ભટકાવવામાં તમારું કંઈ પ્રદાન આપ્યું? ઉપરથી આવતા દરેક આદેશ, આંખ મીંચીને, બંધ મગજે અનુસર્યા? સરકારી દાવા સામે તાર્કિક સવાલો પૂછનારાને બદનામ કરવા માટેની ઝુંબેશોમાં ભાગ લીધો? આવું કશું જ નથી કર્યું તો પછી સરકાર GSTમાં કંઈક કરે એવી અપેક્ષા શાના રાખો છો? હક અને ફરજમાંથી હક લેવા દોડો છો, પણ ફરજ તો અદા કરતા નથી-અને ગાંધીજીએ પણ કહ્યું હતું કે…

મતલબ, GSTનો મામલો આત્મનિર્ભરતાનો, માભોમ પ્રત્યેની ફરજનો અને ઉચ્ચ મૂલ્યોનો છે. તેને ફક્ત રૂપિયા પૈસાના હિસાબથી માપનારા-તોલનારાને દેશની કશી પરવા નથી. તે ઇચ્છતા નથી કે દેશ ઝડપથી વિશ્વગુરુ બને, 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બને. તેમ છતાં, આવા લોકોનો કકળાટ બહુ વધે તો પછી શક્ય છે કે સરકારને કોઈ ક્રાંતિકારી પગલું લેવું પડે. આ સરકાર અમસ્તી પણ માસ્ટર સ્ટ્રોક માટે પંકાયેલી છે. GSTનો લોકોને લાગતો માર ઘટાડવા માટે લોકલક્ષી પગલાંના ભાગરૂપે તે GSTનું નામ બદલીને ‘વિશ્વગુરુ ભારત ભંડોળ’ કે ‘રાષ્ટ્રનિર્માણ ત્યાગ-બલિદાન નિધિ’ જેવું કંઈક કરી શકે છે. પછી તેનો વિરોધ કરનારા આપોઆપ વિશ્વગુરુ ભારત કે રાષ્ટ્રનિર્માણના વિરોધી ગણાશે અને તેમનું શું થશે તે હવે અલગથી સમજાવવું પડશે?

Most Popular

To Top