Columns

રાષ્ટ્રપતિનું સ્ત્રીલિંગ-પુલ્લિંગ: ભાષામાં લૈંગિક ભેદભાવ

દ્રોપદી મુર્મુએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે હવાલો સંભાળ્યો તેના 48 કલાકમાં જ તેમના સંબોધનને લઈને એક ગંદો વિવાદ ઊભો થઇ ગયો. લોકસભામાં કોંગ્રેસના વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરીએ એક ચેનલ સાથે વાતચીતમાં શ્રીમતી મુર્મુ માટે ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ વાપર્યો, તેના પગલે સત્તાધારી BJPના નેતાઓ લોકસભામાં અને TV સ્ટુડિયોમાં કોંગ્રેસ પર, વિશેષ તો પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી પર તૂટી પડ્યા. અધિર રંજન ચૌધરીએ તો તેને ‘સરતચૂક’ ગણીને પોતાની ભૂલ સ્વીકારી લીધી અને રાષ્ટ્રપતિને મળીને માફી માગવાની પણ ઓફર કરી પરંતુ BJPના નેતાઓ 1000 વાર ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ બોલીને કોંગ્રેસને યાદ કરાવતા રહ્યા કે તેમણે દેશનું અને દેશના સર્વોચ્ચ હોદ્દાનું અપમાન કર્યું છે. 

એમાંથી એક ચર્ચા એવી પણ ઊભી થઇ કે રાષ્ટ્રપતિપદ પર મહિલા હોય તો તેમનું સંબોધન શું હોવું જોઈએ? શ્રીમતી મુર્મુ પહેલા મહિલા રાષ્ટ્રપતિ નથી. અગાઉ, કોંગ્રેસના શાસનમાં 2007માં શ્રીમતી પ્રતિભા પાટીલ આ પદ શોભાવી ગયાં છે, જો કે તે વખતે તેમના સંબોધનને લઈને આવો કોઈ વિવાદ થયો નહોતો કારણ કે ‘રાષ્ટ્રપતિ’ને પુલ્લિંગ કે સ્ત્રીલિંગ ગણવામાં આવતું નથી, તે જેન્ડર ન્યુટ્રલ છે. હા, એવી ચર્ચા જરૂર થઇ હતી કે શ્રીમતી પ્રતિભા પાટીલને ‘રાષ્ટ્રપતિ’ કહેવા કે ‘રાષ્ટ્રમાતા’? અમુક નારીવાદીઓ અને કર્મશીલોએ એવું જરૂર કર્યું હતું કે ‘રાષ્ટ્રમાતા’ પિતૃસત્તાક અને લિંગ-ભેદ કરતું સંબોધન લાગે છે.

રાજ્યસભાનાં ઉપાધ્યક્ષ નજમા હેબ્તુલ્લાહને ‘ઉપસભાપતિ’અને પાટીલને ‘રાષ્ટ્રપતિ મહોદયા’ તરીકે સંબોધવામાં આવતાં હતાં.  તે વખતે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં બાળ ઠાકરેએ એવું સૂચન કર્યું હતું કે પ્રતિભાતાઈને ‘રાષ્ટ્રાધ્યક્ષ’ કહેવાં જોઈએ અને આ ‘પતિ’કે ‘પત્ની’ની બબાલથી છૂટકારો મેળવવો જોઈએ. જો કે, ધ ઇન્ડિયન એકસપ્રેસમાં આવેલી એક ટૂંકી માહિતી મુજબ, 1947માં બંધારણીય સભામાં ‘રાષ્ટ્રપતિ’ના સ્થાને ‘નેતા’ અથવા ‘કર્ણધાર’નો પ્રસ્તાવ આવ્યો હતો. એ વખતે જવાહરલાલ નહેરુના સૂચનથી ‘રાષ્ટ્રપતિ’ સંબોધનને મંજૂર રાખવામાં આવ્યું હતું.

દર અસલ, ‘રાષ્ટ્રપતિ’માં ‘પતિ’નો સંબંધ ‘હસબંડ’ સાથે નથી. તેનો સંદર્ભ વરિષ્ઠ, શાસક, સ્વામી અથવા માલિક સાથે છે. જેમ કે કરોડપતિ, લક્ષ્મીપતિ, સેનાપતિ, બૃહસ્પતિ, વાચસ્પતિ, છત્રપતિ, ગૃહપતિ, ઉદ્યોગપતિ, પ્રજાપતિ વગેરે. એ જયારે છુટ્ટો (‘પતિ’) વપરાય, ત્યારે તેનો અર્થ પત્નીના પતિ તરીકે થાય.  આમાં એક વ્યાપક મુદ્દો ભાષાનો છે. ભાષાનું મૂળ કામ કોમ્યુનિકેશનનું છે. આપણે જે રીતે જીવીએ છીએ, વિચારીએ છીએ, અનુભવીએ છીએ તે પ્રમાણે ભાષામાં વ્યક્ત કરીએ છીએ. દુનિયાની તમામ ભાષાઓની ‘સમસ્યા’એ છે કે તેમાં સખત લૈંગિક ભેદભાવ છે. ભાષા ઉપર કામ કરતા લોકો એવું માને છે કે સમાજમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ભેદભાવ અને અસમાનતા છે, ભાષામાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળે છે. ઇન ફેક્ટ, ઘણા નારીવાદીઓ તો એવો આરોપ મૂકે છે કે પ્રાચીન સમયમાં ભાષાનું નિર્માણ જ પુરુષોએ કર્યું હતું અને તેમાં સ્ત્રીઓનો ખ્યાલ રાખવામાં આવ્યો ન હતો કારણ કે સામાજિક સંપર્ક વ્યવસ્થાનું કામ પુરુષોના હાથમાં હતું, જયારે સ્ત્રીઓ ઘરની ચાર દીવાલો વચ્ચે જરૂરી ભાષાથી કામ ચલાવતી હતી.

માણસના કબીલાઈ જીવનથી જ સ્ત્રી અને પુરુષની ભૂમિકા નિશ્ચિત થઇ ગઈ હતી એટલે ઘર બહાર જે પણ માનવ વિકાસ થયો તેમાં પુરુષોને ધ્યાન રાખીને થયો હતો, કારણ કે એમાં માત્ર પુરુષો જ હતા. માનવ સંસ્કૃતિનો અભ્યાસ કરનારાઓ કહે છે કે વિશ્વને પુરુષની નજરે જોવામાં આવ્યું હતું. મનુષ્યજાતિ તરીકેની આપણી સહિયારી ઓળખ પુલ્લિંગ છે. એટલા માટે અંગ્રેજીમાં ‘મેનકાઈન્ડ’શબ્દ છે. મનુષ્યને ‘મેન’તરીકે જ ઓળખવામાં આવે છે (તેમાં સ્ત્રી પણ આવી ગઈ).

એક સાદા ઉદાહરણથી સમજવું હોય તો, સ્ત્રીઓનાં વસ્ત્રોમાં ખિસ્સા રાખવાની પ્રથા હમણાં સુધી ન હતી કારણ કે ખિસ્સામાં ચીજવસ્તુઓ મૂકવાની જરૂરિયાત માત્ર પુરુષોની જ હતી. ભાષામાં પણ એવું જ થયું. મોટાભાગની સંપર્ક વ્યવસ્થા પુરુષો માટે, પુરુષો દ્વારા જ હતી એટલે એમાં પુરુષલક્ષી શબ્દો અને વ્યાકરણનું વર્ચસ્વ વધી ગયું. જેમ કે પ્રાચીન સમયમાં, કોઈ પણ સમાજ કે સંસ્કૃતિ હોય, ઈશ્વર પુરુષ હતો, કારણ કે ત્યારે માત્ર ઈશ્વરની જ કલ્પના હતી. દેવીની કલ્પના પાછળથી આવી એટલે આજે પણ ભાષામાં ઈશ્વરનું જ પ્રભુત્વ છે.

એવી જ રીતે ‘નારી’ શબ્દનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તેનો આધાર ‘નર’ છે. બાઈબલની વાર્તા પ્રમાણે, પ્રભુએ કહ્યું મનુષ્યનું એકલા રહેવું સારું નથી એટલે તેના માટે હું એક સહાયક બનાવીશ એટલે પરમેશ્વરે માટીમાંથી પશુ-પંખીઓ બનાવ્યાં પણ મનુષ્ય માટે કોઈ સહાયક ન મળ્યું એટલે તેમણે તેને ઘેરી ઊંઘમાં સૂવડાવી દીધો અને તે ઊંઘતો હતો ત્યારે તેની પાંસળીઓમાંથી એક પાંસળીને બહાર કાઢી અને ખાલી જગ્યાને માંસથી ભરી દીધી.

પરમેશ્વરે એ પાંસળીમાંથી સ્ત્રી બનાવી અને તેને લઈને મનુષ્ય પાસે લાવીને કહ્યું, “અંતત: આ મારી જ અસ્થિઓની અસ્થિ છે, મારા જ દેહનો દેહ છે; એને ‘નારી’કહેવામાં આવશે કારણ કે તેને ‘નર’માંથી કાઢવામાં આવી છે.” આ જીવવિજ્ઞાનને ઊંધું કરી દેવાની વાત હતી. સ્ત્રીની કુખેથી જન્મ લેવા છતાં પુરુષ સ્ત્રીની મુખ્ય ભૂમિકાને નકારી કાઢે છે અને પોતાને બીજદાતા (ખેડૂત) અને સ્ત્રીને જમીન સ્થાપિત કરી દે છે (ખેડૂત શબ્દ પુરુષ માટે જ છે, એમાં સ્ત્રી માટે સમાંતર કોઈ શબ્દ નથી).

અંગ્રેજીમાં ‘ચેરપર્સન’ અથવા ‘સ્પોકપર્સન’નું ચલણ નારીવાદી અંદોલન પછી શરૂ થયું, બાકી સ્ત્રી અને પુરુષ બંને ‘ચેરમેન’જ કહેવાતાં હતાં. આપણે ત્યાં સ્ત્રીઓ માટે ‘અધ્યક્ષા’ શબ્દનો આગ્રહ થઇ રહ્યો છે પરંતુ હજુ પણ તે શબ્દ સહજ પ્રયોગમાં આવી શક્યો નથી. ‘પુરુષાર્થ’ શબ્દ માત્ર પુરુષો માટે છે પરંતુ સ્ત્રીઓ માટે તેનો કોઈ સમકક્ષ શબ્દ નથી. કોઈ ‘પુરુષાર્થી’નું અપમાન કરવું હોય તો ‘સ્ત્રૈણ’ શબ્દ છે. રાણી લક્ષ્મીબાઈ જેવી બહાદુર મહિલાઓ માટે ‘વીરાંગના’ શબ્દ પણ પુરુષો માટેના ‘વીર’ પરથી આવ્યો છે. આ શબ્દમાં પણ લિંગભેદ સ્પષ્ટ છે. જે વીર્યવાન છે તે વીર છે અને જે વીર્યવાન નથી તે નિર્વીર્ય છે.

ભાષા કેવી રીતે લિંગભેદ કરે છે તેનું બીજું એક સશક્ત અને પ્રત્યક્ષ ઉદાહરણ ‘બોલવા’ અને ‘મૌન’ના ગુણમાં છે. મોટાભાગના સમાજોમાં મૌનને સ્ત્રીઓનો ગુણ માનવામાં આવે છે જયારે બોલવું એ પુરુષોનો અબાધિત અધિકાર છે. આજે પણ ઘરમાં કોઈ છોકરી બહુ બોલે તો તેને નિર્લજ્જ ગણવામાં આવે છે પણ છોકરો બહુ બોલે તો બહાદુર કહેવામાં આવે છે. મોટાભાગની સામાજિક-રાજકીય ક્રાંતિઓના નારાઓ પુરુષો માટે હતા કારણ કે સાર્વજનિક રીતે બોલવું એ સ્ત્રીઓ માટે તેમની ભ્રષ્ટતાનું પ્રતીક હતું.  જેની પાસે જબાન હોય છે તે જીવન અને ઈતિહાસના પ્રવાહને બદલી શકે છે. પુરુષોએ કાયમ આ પ્રવાહનું નિયંત્રણ કર્યું છે એટલે તેનો આકાર પિતૃસત્તાક રહ્યો છે. જે સમાજોમાં સ્ત્રીઓના બોલવા પર પણ લગામ હોય તો પછી ભાષા ‘ભાઈડાછાપ’જ રહેવાની ને!

Most Popular

To Top