Madhya Gujarat

ડાકોરમાં દબાણોની ભરમારથી ટ્રાફિક જામની સમસ્યા વકરી

ડાકોર તા 6
યાત્રાધામ ડાકોરમાં  લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ રાજા રણછોડના દ્વારે આવતા હોય છે. પરંતુ દર્શનાર્થીઓ અને સ્થાનિક શહેરીજનો માટે હાલમાં દબાણની સમસ્યાથી ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ડાકોર બસ સ્ટેન્ડ વિસ્તારથી ગાંધીજી બોડાણા સર્કલથી મંદિર સુધી અને વડા બજારથી કંકુ દરવાજાથી મંદિર સુધી દુકાનદારોએ પોતાના ધંધાના માલ સામાન રોડ ઉપર મૂકી રસ્તો સાંકડો બનાવી દીધો છે. તેમજ  દુકાન બહાર કચરો નાખવામાં આવે છે જેથી અવર જવર માટે ઘણી બધી તકલીફો પડશે તેવી રજૂઆતો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે. તેમજ વહેલી તકે નિવારણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી શહેર કોંગ્રેસના મહામંત્રી કુણાલ શર્મા ઉચ્ચારી છે
ડાકોરના મોટાભાગના રસ્તાઓ પર ઘણી વખત વેપારીઓના કારણે પણ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય  છે . યાત્રાધામ ડાકોરમાં જો આવી જ પરિસ્થિતિ રહેશે તો પારાવાર મુશ્કેલી ઉભી થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેથી તંત્ર વહેલી તકે દબાણકર્તાઓ સામે કડકપણે કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે.
દબાણો બાબતે કુણાલ શર્માએ જણાવ્યું હતું કે મોટાભાગના વેપારીઓ દ્વારા દુકાનની બહાર લગભગ દસ ફુટ નું દબાણ કરી દેવામાં આવ્યું છે. જેનાથી  સ્થાનિકો અને દર્શનાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જો બે થી ત્રણ દિવસમાં તંત્ર દ્વારા દબાણ હટાવવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર બેસીને ધરણાં ધરીશ.

Most Popular

To Top