Madhya Gujarat

ખેડા જિલ્લાના દાેઢ હજાર લાભાર્થીને ઘરનું ઘર મળશે

નડિયાદ, તા. 6
કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના ખેડા જિલ્લાના 6 વિધાનસભા ક્ષેત્રમાં યોજાશે. જેમાં માતર વિધાનસભામાં એન.સી.પરીખ સર્વોદય વિનય મંદિરના મેદાન ખાતે, નડિયાદ વિધાનસભા ક્ષેત્રમાં નવુ સ્વામીનારાયણ મંદિર, મહેમદાવાદ વિધાનસભામાં ખાત્રજ ખાતે સ્વામીનારાયણ મંદિર, મહુધા વિધાનસભા ક્ષેત્રમાં હેરંજ પ્રાથમિક શાળાના મેદાન ખાતે, ઠાસરા વિધાનસભા ક્ષેત્રામાં રામ પાર્ટી પ્લોટ, તેમજ કપડવંજ ખાતે જુના એ.પી.એમ.સી માર્કેટમાં આ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમની રૂપરેખા જણાવતા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યુ કે, આ કાર્યક્રમ ખેડા જિલ્લામાં 10મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં યોજાશે. જેમાં અંદજિત 30 હજાર લોકો જિલ્લાના અનેક કાર્યક્રમોના સ્થળે ઉપસ્થિત રહેશે.
વધુમાં કલેકટરએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ અને શહેરી યોજનાના લાભાર્થીઓ અને નાગરિકોને કોઇ મુશ્કેલી ન રહે તે બધા નોડલ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે. સાથોસાથ યાદવે જિલ્લામાં કાર્યક્રમના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા, અને પોલીસબંદોબસ્ત વિષે માહિતી મેળવી હતી. તેમજ કાર્યક્રમના સ્થળે ફાયર સેફ્ટી અને આરોગ્ય કેમ્પની વ્યવસ્થા કરવા અધિકારીઓને જણાવ્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, અધિક નિવાસી કલેકટર ભરતભાઇ જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top