બિગ બોસ 20ના ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાને રિતી તિવારીની ભાષા અને ઘરમાં થયેલા વિવાદને લઈને તેની સાથે સીધી વાત કરી હતી. પરંતુ આ વખતે સલમાનનો ગુસ્સો માત્ર રિતી સુધી સીમિત રહ્યો નહોતો. રિતી જ્યારે ઉદિતિ સિંહ સામે અપશબ્દોનો ઉપયોગ કરી રહી હતી ત્યારે તેને રોકવાને બદલે ચૂપચાપ જોનારા અને આ સમગ્ર ઘટનાને એન્જોય કરનારા ઘરના છોકરાઓને પણ સલમાને આકરી રીતે સવાલ કર્યા હતા. ‘ડિસ બેટલ’ દરમિયાન રિતી અને ઉદિતિ વચ્ચે વાતાવરણ ગરમ થયું હતું. ટાસ્કના ભાગરૂપે એકબીજાની ટીકા કરવાની હતી, પરંતુ રિતીની ભાષા પરિસ્થિતિને વધુ ઉગ્ર બનાવતી ગઈ હતી. આ દરમિયાન ઘરના કેટલાક છોકરાઓ ત્યાં હાજર હતા અને સમગ્ર ઘટનાને જોતા હતા. સલમાને આ વાત પર સવાલ ઉઠાવ્યો કે જ્યારે એક છોકરી બીજી છોકરીને આવી ભાષામાં બોલી રહી હતી ત્યારે ત્યાં હાજર છોકરાઓમાંથી કોઈએ તેને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો?
સલમાને ખાસ કરીને યંગ ડીએસએ, અમન, ગુલ્લુ અને સ્કાઉટને આ મુદ્દે ટકોર કરી હતી. તેણે તેમને સમજાવ્યું કે જો ઘરમાં કોઈ વ્યક્તિ મર્યાદા ઓળંગી રહી હોય તો માત્ર તમાશો જોવો કે તેનો આનંદ લેવો યોગ્ય નથી. કોઈ વ્યક્તિ સામે ખોટી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે તેને રોકવાની જવાબદારી માત્ર છોકરીઓની નથી, પરંતુ ત્યાં હાજર દરેક વ્યક્તિની છે. આ દરમિયાન સલમાને છોકરાઓને એક સીધો સવાલ પણ કર્યો હતો. તેણે પૂછ્યું કે જો ઉદિતિની જગ્યાએ તેમની પોતાની બહેન, પત્ની કે ગર્લફ્રેન્ડ હોત અને તેની સામે આવી રીતે અપશબ્દો બોલવામાં આવતા હોત, તો શું તેઓ ત્યારે પણ આ જ રીતે ચૂપ બેસીને જોતા રહેત? આ સવાલ દ્વારા સલમાને ઘરના છોકરાઓને પોતાની ભૂમિકા અંગે વિચારવા મજબૂર કર્યા હતા. ખાસ કરીને સ્કાઉટ અને યંગ ડીએસએ સાથે સલમાનની વાતચીતમાં આ મુદ્દો વધુ સ્પષ્ટ રીતે સામે આવ્યો હતો. સલમાને તેમને સમજાવ્યું કે કોઈપણ ટાસ્ક કે મજાકના નામે થતી વાતને માત્ર મનોરંજન તરીકે જોવાને બદલે યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે. જો સામેવાળી વ્યક્તિને અપમાનિત કરવામાં આવી રહી હોય તો તેને રોકવા માટે આગળ આવવું જોઈએ.
અમનને પણ સલમાને આ બાબતે સવાલ કર્યો હતો. ઘરમાં ચાલી રહેલી ઘટના દરમિયાન તે લોકો શા માટે માત્ર દર્શક બનીને રહ્યા, તે મુદ્દો સલમાએ સામે મૂક્યો હતો. સલમાનની વાતનો મુખ્ય મુદ્દો એ હતો કે બહારથી જોતા જે બાબત મજેદાર લાગે છે, તે જ બાબત જો પોતાના નજીકના વ્યક્તિ સાથે બને તો શું આપણે તેને સ્વીકારી શકીએ? ગુલ્લુની પણ સલમાને આ મામલે ક્લાસ લગાવી હતી. તેણે અગાઉની ઘટનામાં ટીમને જીતાડવાને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે એક તરફ ઘરમાં આવી ઘટના બને અને બીજી તરફ બધા મળીને તેને સેલિબ્રેટ કરે તે બાબત વિચારવા જેવી છે.
સલમાને ગુલ્લુને એ વાત પણ યાદ અપાવી કે તેણે જ આ ટીમને જીતાડવામાં ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ટીમના સભ્યો સાથે સેલ્ફી લેવામાં આવી હતી. સલમાનનો સવાલ હતો કે જ્યારે ટીમની અંદર જ કોઈ વ્યક્તિનું વર્તન મર્યાદા બહાર જઈ રહ્યું હતું ત્યારે તેને રોકવાને બદલે આખી ટીમ તેની સાથે ઊભી રહી અને બાદમાં ખુશી મનાવી રહી હતી. આ જ મુદ્દે આમ્રપાલી પણ સલમાનના સવાલોના ઘેરામાં આવી હતી. સલમાને તેને પણ પૂછ્યું કે જ્યારે રિતી આ રીતે બોલી રહી હતી ત્યારે તેણે તેને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો? માત્ર ઘટના જોઈને ચૂપ રહેવાને બદલે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોઈએ આગળ આવવું જોઈતું હતું, તેવો સંદેશ સલમાની વાતોમાં હતો.
બીજી તરફ રિતી તિવારીને સલમાને તેની પોતાની ભાષા અંગે પણ સમજાવી હતી. રિતીએ ‘ડિસ બેટલ’ દરમિયાન ઉદિતિ અને કાઝી તૌકીર સામે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેને લઈને સલમાને સ્પષ્ટ કર્યું કે ટાસ્ક હોવાના કારણે દરેક પ્રકારની ભાષાને યોગ્ય ઠેરવી શકાય નહીં. રિતીએ અગાઉ પોતાની તરફથી એવો બચાવ કર્યો હતો કે ટાસ્ક દરમિયાન તેણે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે ટાસ્કના સંદર્ભમાં હતા અને છંદ તથા જવાબ આપવા માટે બોલવામાં આવ્યા હતા. પરંતુ સલમાને સમજાવ્યું કે કોઈપણ ટાસ્કમાં મર્યાદા જાળવવી જરૂરી છે. બિગ બોસના ઘરમાં બોલવામાં આવેલી વાતો માત્ર ઘરની ચાર દિવાલો સુધી રહેતી નથી, પરંતુ તેની બહાર પણ ચર્ચા થાય છે.
સલમાને રિતીને તેના ‘રોકસ્ટાર’ બનવાના સપનાની વાત પણ યાદ અપાવી હતી. તેણે કહ્યું હતું કે રિતી શોમાં પોતાની ઓળખ બનાવવા અને રોકસ્ટાર બનવાના સપના સાથે આવી છે, પરંતુ ભાષાની પસંદગી તેની છબી પર અસર કરી શકે છે. આ અસર માત્ર રિતી સુધી સીમિત નહીં રહે, પરંતુ તેના પિતા મનોજ તિવારી પર પણ તેની અસર થઈ શકે છે.
આ સાથે સલમાને રિતીની ઓળખને લઈને ચાલી રહેલી ચર્ચા પણ તેની સામે મૂકી હતી. મનોજ તિવારીની પુત્રી હોવાના કારણે તેને બિગ બોસમાં સ્થાન મળ્યું હોવાની અથવા તેને પરિવારની ઓળખનો ફાયદો મળતો હોવાની ચર્ચા થતી હોવાનું સલમાને કહ્યું હતું. તેણે ‘નેપો-કિડ’ તરીકે વિશેષ વર્તન મળવાની ધારણા અંગે પણ રિતીને સવાલ કર્યા હતા. સલમાને આ વાતચીત દ્વારા એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો કે ઘરમાં કોઈ વ્યક્તિનું વર્તન યોગ્ય ન હોય તો તેની સામે સવાલ ઉઠાવવો જરૂરી છે. વ્યક્તિ છોકરો હોય કે છોકરી, જાણીતા પરિવારથી આવતી હોય કે સામાન્ય પરિવારથી, ટાસ્કમાં ભાગ લેતી વખતે પણ ભાષા અને વર્તનની મર્યાદા જાળવવી જરૂરી છે.
‘વીકેન્ડ કા વાર’ દરમિયાન રિતી ભાવુક થઈને રડતી પણ જોવા મળી હતી. બીજી તરફ છોકરાઓને સલમાને જે સવાલ કર્યા તેનાથી ઘરમાં હાજર અન્ય સ્પર્ધકોનું વર્તન પણ ચર્ચામાં આવ્યું હતું. ખાસ કરીને સ્કાઉટ, યંગ ડીએસએ, અમન અને ગુલ્લુને સલમાએ એ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો કે કોઈ વ્યક્તિ સાથે ખોટું થઈ રહ્યું હોય ત્યારે માત્ર દર્શક બનીને ઊભા રહેવું પૂરતું નથી. આ સમગ્ર એપિસોડમાં સલમાનની વાતનો એક મોટો મુદ્દો એ રહ્યો કે ‘ડિસ’ કે ‘રોસ્ટ’ના નામે થતી મજાકની પણ એક મર્યાદા હોય છે. કોઈને અપમાનિત કરવામાં આવે ત્યારે આસપાસના લોકોની પણ જવાબદારી બને છે કે તેઓ પરિસ્થિતિને વધુ બગડતી અટકાવે. રિતીની ભાષા અંગે સલમાને સવાલ કર્યા જ, પરંતુ સાથે જ જે લોકો આ બધું જોઈ રહ્યા હતા તેઓએ શા માટે દરમિયાનગીરી ન કરી તે સવાલ પણ ઘરના સભ્યો સામે મૂક્યો હતો.