Comments

બાપુજીનાં સીધાં ચશ્માં..!

ચશ્માં ઉબડા..આઈ મીન.. ઊંધા હોય કે સીધા, એનો કોઈ પ્રોબ્લેમ નથી. માણસની  નજર સીધી જોઈએ. નજર સ્થાનભ્રષ્ટ થાય તો જ આડઅસર આવે..!  ભઈઈઈઈ.. ભલભલા કજોડા સંસારમાં સેટ થઇ જાય, તો ચશ્માં ક્યા બડી ચીજ હૈ..?  ઊંધા કે ચત્તા ચલાવી લેવાના..! બહુ નશ્કોરાં નહિ ફુલાવવાના..!  કાન હૈ તો કહાન હૈ..!  ચશ્માં ઊંધા પહેરો કે ચત્તા, કાનને કોઈ અડચણ આવવાની નથી. કાન સ્વયં જ એટલો  સહનશીલ છે કે, કાનમાં બીડી ભેરવો, મેઝર ટેપ ભેરવો કે, ચશ્માં ચઢાવો, નો પ્રોબ્લેમ! જગ્યા પ્રમાણે બધું  સેટ કરી આપે! પાડ માનો પરમેશ્વરનો કે શરીરમાં કાન ચોક્કસ જગ્યાએ ચોંટાડીને મોકલેલા છે. ધ બરડા પાછળ આપ્યા હોત તો? આ તો એક વાત! બરડામાં કોઈ શાબાશી આપવા ગયું તો. કાનનો કૂચો કરી નાંખે!

પીઠ થાબડવાની હેડકી ઉપડે એવી વાત કરું તો, આ વિશ્વને સીધાં ચશ્માં પહેરાવવાની શોધ આપણા ભારતે જ કરેલી. પછી. રળિયામણા થવા માટે ચશ્માં યુરોપ  ગયેલા. દરેકને પોતીકો શોખ તો હોય ને દાદૂ? એના કપાળમાં કાંદા ફોડું, પાશ્ચાત્ય સંસ્કૃતિનો ઢોળ માણસ જેવા માણસને ચઢે, તો ચશ્માંને કેમ નહિ? થયું એવું કે,’તારક મહેતાના ઊંધાં ચશ્માં’ વાળી સીરીયલ આવી પછી, ઊંધાં ચશ્માં, સીધા કરતાં ખૂબ ઉંચકાયા!’ બીજાના ખભા ઉપર બંદૂક ફોડીને શાબાશી મેળવે એમ, ચશ્માંની દાંડી કાન-બબૂલાએ  સંભાળી, ને વાહવાહી ચશ્મેડુંને મળી!  આજે ૧૩-૧૩ વર્ષથી આ સીરીયલ ઘર-ઘરમાં ઘર કરી ગઈ છે, બોલો! પહેલી પેઢી પણ બચ્ચરવાળ થઇ ગઈ હશે, છતાં ઊંધાં ચશ્માં હજી સીધાં થયા નથી. આજકાલ જમાનો જ  ઊંધા ચશ્માંનો હોય ત્યાં, કાનપટ્ટી પણ કેટલું કૂટે? બાકી, આટલી લાંબી સીરીયલ તો દેવી-દેવતાઓની પણ નથી ચાલી! આ  બધી ઊંધાં ચશ્માની કમાલ છે દાદૂ! ગામેગામ  બબીતા ને ગામેગામ જેઠાલાલ જોવા મળે, તો માનવું કે, એ ઊંધાં ચશ્માંના વાઈબ્રેશન હોઈ શકે. બાકી સીધા ચશ્માંના નજારા જોવા હોય તો ગાંધીબાપુ થવું પડે! બાપુજીના સીધા ચશ્માંએ જ તો ભારતને બોલવાની તાકાત આપી કે, મેરા ભારત મહાન હૈ!

ઊંધા ચશ્માની એક પ્રોડક્ટ બતાવું. એક છોકરો ગાંધીજીના ફોટાવાળી ૫૦૦ ની ચલણી નોટ લઈને ખરીદી કરવા ગયો. દુકાનદારે ગાંધીજીની નોટને બે-ચાર વાર ઉથલાવી, છતાં ગાંધીજી  હસતા જ રહ્યા. દુકાનદારને ખબર નહિ કે, નોટમાં છપાયેલા ગાંધીજીએ, જલ્લાદ અંગ્રેજોને ઉથલાવ્યા હોય, એને તું શું ઉથલાવવા બેઠો? પણ બાપુજી પણ જાણે હસતા જ રહ્યા.  દુકાનદારે જોયું તો નોટમાં ગાંધીજીના ચશ્માંની દાંડી છપાયેલી નહિ. દુકાનદારે કહ્યું, ‘ બેટા, આ નોટ ખોટી છે! આ નોટમાં ગાંધીજીના ચશ્માંની દાંડી તો દેખાતી જ નથી. છોકરો કહે, “ તમે તો અમારા બાપુની માફક દાંડીના સત્યાગ્રહી લાગો છો? તમારે ગાંધીજી સાથે મતલબ છે કે, દાંડી સાથે? દાંડી ના હોય તો એટલા પૈસા કાપી લો, પણ બાકીના પૈસાનો તો માલ આપો?’ છોકરાનો જવાબ સાંભળીને દુકાનદારની તો દાઢ હલી ગઈ! વિચારમાં પડી ગયો કે, આ છોકરો જન્મ્યો હશે કે, ‘ડાઉનલોડ’  થયો હશે?  બોલો, આને ઊંધાં ચશ્માંની સાઈડ ઈફેક્ટ કહેવાય કે બીજું કંઈ!

બીજી ઓક્ટોબર આવી ને મને મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ નું ગીત ગાવાની ઉપડી. આપણે નેતા ભલે નહિ રહ્યા, પણ ક્યારેક તો ગાંધીગીરી કરવાનું મન થાય ને મામૂ..? ગીત ગાવા માટે ૧૦-૧૫ વખત ગળું ખેંચી-ખેંચીને ખંખેરી જોયું, પણ ગળુંને બદલે જાણે ડોક બેસાડેલી હોય એમ, એમાંથી મિસકોલ જ નીકળ્યા. માત્ર ખોંખારો નીકળ્યો!  ભજન પ્રગટ થયું નહિ.  ભગવાન જાણે કયો વાઈરસ આભડી ગયો, તે ગાયકીનો દરવાજો ખુલ્યો જ નહિ.

ગીત યાદ આવે, પણ ઢાળ યાદ નહિ આવે. ચૂંદડી ઓઢું-ઓઢું ને ઊડી જાય, એમ રાગ યાદ આવે આવે ને છટકી જાય! ઢાળ ક્રીઝમાં આવે, પણ બેટિંગ નહિ કરે! જો કે આઝાદીના સમયને પણ ખાસ્સો સમય થયો ને? બીજું કે, મૂળ ગાંધી ગયા પછી, એટલા બધાં ગાંધી આવ્યા કે, ભજનના ઢાળ તો ઠીક, એના શબ્દો પણ રફેદફે થઇ ગયા!   કહેવાય છે ને કે, “જ્યાં નહિ પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એમ જ્યાં નહિ પહોંચે ગાંધી ત્યાં પહોંચે રેડિયો ટી.વી.”  એમ, ચરણ ચાંપી મૂછ મરડીને મીડિયા હજી યાદ અપાવે છે, એ આપણું અહોભાગ્ય કહેવાય!  ભલે ગાંધીજી જેવી ટોપી નહિ પહેરે, પણ ટોપી તો પહેરાવતાં આવડે છે! ગાદીઓ ભલે ઉથલપાથલ કરીએ, પણ ગાદીએ ચઢ્યા પછી ‘મહાત્મા ગાંધી’ કી જય બોલતાં તો આવડે છે!

રોજ ભલે બ્રાન્ડેડ  કપડાં પહેરે પણ, વાર તહેવારે ખાદી તો ચઢાવતા આવડે છે! એના કપાળમાં કાંદા ફોડું, જ્યાં જ્યાં નજર મારી ઠરે, એક જ ધ્યેય દિશે  કે ચલણમાં ચાલે તે રૂપિયો! ગાંધીજીના ત્રણ વાંદરાનું રમકડું, એકબીજાના હાથનું રમકડું થઇ ગયું દાદૂ..! જે વાંદરો મૂંગો હતો એ બોલતો થઇ ગયો, આંધળો હતો એ દેખતો થઇ ગયો ને બહેરો હતો એ સાંભળતો થઇ ગયો, ને માણસ વાંદરવેડાના રવાડે ચઢી ગયો. માત્ર વૈષ્ણવ જનના લેબલ લગાવીને શ્વાસો કાઢતો હોય એવો લાગે!  ગાંધીજીના વ્યવહારને બદલે, હવે તહેવાર બની ગયા. બીજી ઓક્ટોબરે ટી.વી.ની કોઈ પણ ચેનલ દબાવો, તો ટી.વી.માં ગાંધીજી દેખાય, પણ વાણી-વર્તન અને વ્યવહારમાં ગાંધીજી શોધવા હોય તો, ‘ડીપાણ’ માં ડોકિયું કરવું પડે!

લાસ્ટ ધ બોલ

પાંપણ પર પડેલું ટપકું ચોમાસું થઇ ગયું
તમે કહો છો આંસુ પણ મારે બારમાસુ છે
– રસમંજન
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top