Madhya Gujarat

આણંદમાં તસ્કરોએ દુકાનોની બહાર લગાવેલા CCTV ચોર્યા

આણંદ: આણંદના જે.પી. રોડ અને અન્ય વિસ્તારોમાં દુકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તસ્કરો ચોરી જતાં ચકચાર મચી છે. એક બે નહીં પણ સાત-સાત સીસીટીવી કેમેરાની ચોરીને લઇને વેપારીઓમાં પણ કૂતુહલ સર્જાયું છે. આ મામલે હાલમાં આણંદ ટાઉન પોલીસ દ્વારા અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદના જે.પી. રોડ ઉપર દુકાન ધરાવતા સાગરભાઇ વિનોદકુમાર ભાટિયા દુકાને આવ્યા ત્યારે તેમની દુકાનની બહાર સિક્યુરીટી માટે તેમણે લગાડેલો કેમેરો જોવા મળ્યો ન હતો. જેથી તેઓએ આસપાસ તપાસ કરતાં નજીકમાં આવેલી દિપેશભાઇ પટેલની દુકાનની બહાર લગાવેલો કેમેરો પણ ચોરાયો હતો. વિનોદભાઇએ આ બાબતે અન્ય વેપારી મિત્રોને પૂછતાં દિપેન સાચલાની દુકાનના બે કેમેરા, ગોદારામ નારણજી ચૌધરીની દુકાનનો, વિનોદભાઇ પ્રજાપતિની દુકાનનો તેમજ અન્ય દુકાનદારોનામળી ૭ જેટલાં સીસીટીવી કેમેરાની ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ મામલે સાગરભાઇએ આણંદ ટાઉન પોલીસ મથકે સીસીટીવી ચોરાયા મુદ્દે ફરિયાદ આપતાં પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top