SURAT

VIDEO: ગણેશજીની મૂર્તિ પર પત્થરમારા બાદ સુરતમાં બુલડોઝર એક્શન, સૈયદપુરામાં ગેરકાયદે મિલકતોનું ડિમોલીશન

સુરતઃ રવિવારની રાત્રે સૈયદપુરામાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર મુસ્લિમો દ્વારા પત્થરમારો કરાયા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે. આખી રાત અહીં માહોલ તંગ રહ્યો હતો. બે કોમના લોકો સામસામે આવી ગયા હતા. પોલીસે આખી રાત ઉજાગરો કરીને પત્થરમારો કરનારા અને તેમને સાથ આપનારાઓને પકડી લીધા છે. પોલીસે રાત્રે ટીયરગેસ છોડ્યા હતા. લાઠીચાર્જ કર્યો હતો. હવે આજે સોમવારે સવારે આ વિસ્તારમાં સુરત મનપા દ્વારા ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. સૈયદપુરા પોલીસ ચોકી પાસે વર્ષોથી ચાલતા પતરાનાં શેડમાં ખાણી પીણીની લારીઓ સુરત મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યું.

  • ગણેશજીની મૂર્તિ પર પત્થરમારા બાદ સુરતમાં બુલડોઝર એક્શન
  • સુરતના સૈયદપુરા ખાતે ચાલ્યું બુલડોઝર
  • તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
  • કોઇ ઘર્ષણ ના થાય તે માટે પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા
  • ગેરકાયદેસર રીતે જે બાંધકામ ઉભુ કરવામાં આવ્યું હતું તેના પર બુલડોઝર ચલાવવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સોમવારે તા. 9 સપ્ટેમ્બરની સવારથી જ સુરત મનપાનું દબાણ ખાતું સૈયદપુરા વિસ્તારમાં બુલડોઝર લઈ ઉતરી પડ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપાએ સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુમાં કરાયેલા દબાણની મિલકતોને તાત્કાલિક અસરથી દૂર કરવાની કાર્યવાહી કરી હતી, જેના લીધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

યુપીમાં યોગીના બુલડોઝર એક્શનની જેમ દાદાના ગુજરાતમાં પણ બુલડોઝર એક્શન શરૂ થઈ હોવાનો ગણગણાટ શરૂ થયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરત મનપાના અધિકારીઓએ હાજર રહી ગેરકાયદે મિલકતોનું ડિમોલીશન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે સૈયદપુરામાં ગણેશજીની પ્રતિમા પર છ મુસ્લિમોએ પત્થરમારો કર્યો હતો ત્યારથી જ અહીંના હિન્દુ સમાજમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે. મોડી રાત્રે સૈયદરપુરા પોલીસ સ્ટેશનની બહાર ભેગા થઈ હિન્દુઓએ બુલડોઝર એક્શનની માંગણી કરી હતી. દરમિયાન આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા દબાણની મિલકતો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવાતા ગુજરાતમાં બુલડોઝર એક્શન શરૂ થયાનો ગણગણાટ શરૂ થયો હતો.

ડીસીપી રાજદીપસિંહે કહ્યું કે, સુરત મનપાની ટીમે સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ દબાણ કરાયેલી મિલકતો તોડી પાડવા પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી, તે મુજબ બંદોબસ્ત અપાયો છે. કોઈ તોફાન ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top