Columns

ઈમાનદારી હોય તો આવી

એક યુવાન રોજ નહિ પણ અઠવાડિયામાં એક વાર મુંબઈના ભરચક ચર્ચગેટ સ્ટેશનથી ટ્રેન પકડે. ત્યાં એક ફેમસ વડાપાંઉની દુકાન. વડાપાંઉ એટલે મુંબઈની ઓળખાણ.ત્યાં દુકાન પર હંમેશા ગરદી જ હોય, ટ્રેન પકડવા પહેલાં બધા ત્યાંથી એક કે બે વડાપાંઉ હાથમાં લઈને જ ટ્રેન પકડે.દુકાનની આજુબાજુ ગરદી હોય અને ત્યાં આજુબાજુ વખાના માર્યા ગરીબો પણ હોય, જે ભીખ માંગે.યુવાન હંમેશા પોતે વડાપાંઉ લે તે પહેલાં આજુબાજુ કોઈ માંગતું હોય તો તેને પૈસા ન આપે, ગરમ વડાપાંઉ ચોક્કસ અપાવે. પછી પોતે એક વડાપાંઉ હાથમાં લઈને આગળ વધી જાય.

એક દિવસ સાંજે યુવાન વડા પાંઉની દુકાન પાસે આવ્યો અને ત્યાં બહુ જ ગરદી હતી તેણે પાછા ફરી જવાનું વિચાર્યું, પણ ત્યાં તેની નજર ગઈ એક ગરીબ સ્ત્રી, પુરુષ અને તેમનું નાનું છોકરું, નીચે પડી ગયેલા વડા અને પાઉંને જમીન પરથી ઉપાડીને સાફ કરી રહ્યા હતા.યુવાને તરત તેમને રોક્યા અને ત્રણ ગરમ વડાપાંવ લઈને તેમને આપ્યા.દુકાનના માણસે કહ્યું, ‘સાહેબ એ તો નીચે પડેલા એ લોકો ભેગા કરે છે એટલે જ હું નીચે કંઈ પડી જાય તો ઉપાડતો નથી .’યુવાનને ગુસ્સો આવ્યો. તે બોલ્યો, ‘તેઓ છે તો આપણા જેવા માણસો જ, ને નીચે પડેલા શું કામ, તારે આપવા હોય તો ડીશમાં મૂકીને આપ.’માણસ ચૂપ થઈ ગયો.

યુવાનનું મન આ માણસ અને દુકાનની આજુબાજુ ઊભા રહીને ખાતા અને માંગવા વાળાને દૂર ભગાડતા, બીજા માણસોના વર્તનથી ખાટું થઈ ગયું હતું તેને પોતે વડાપાઉં ખાવાનો વિચાર માંડી વાળ્યો અને માત્ર પાણીની બોટલ લીધી અને પેલા દુકાનના માણસને પેલા ગરીબ કુટુંબને પાણી અને બીજાં ત્રણ વડાંપાઉં બાંધી આપવા કહ્યું.થોડી વારમાં પેલો ગરીબ માણસ દોડીને યુવાન પાસે આવ્યો.

યુવાન બોલ્યો, ‘મારો આભાર માનવાની જરૂર નથી.તમારાથી થાય ત્યારે બીજાને મદદ કરજો.’ ગરીબ માણસ બોલ્યો, ‘સાહેબ, આ બીજાં ત્રણ વડાં પાઉં તમે મોકલાવ્યાં, પણ અમારો નાનકો તો એક જ માંડ ખાશે, માટે તમે આ લઇ લો, અમને નહિ જોઈએ.’યુવાન ગરીબ માણસની વાત સાંભળી અવાચક થઈ ગયો કે આટલું મન સાફ.આવી ઈમાનદારી.ગરીબીમાં પણ કોઈ લાલચ નહિ.યુવાનનું થોડું ભારી થઈ ગયેલું મન ખુશ થઇ ગયું.તેણે પેલા ગરીબ માણસને કહ્યું , ‘તમે તો આજે જ સારું કામ કરી લીધું.જો આ સિગ્નલ સામે બેઠા વૃધ્ધ ભિખારીને આ વડાપાઉં તમારા હાથે જ આપી આવો.’માણસ આભાર માણી સિગ્નલ તરફ દોડી ગયો.નાના માણસની મોટી ઈમાનદારીથી ખુશ યુવાન ટ્રેન પકડવા આગળ વધી ગયો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top