Comments

ધર્મ શબ્દનો સાચો અર્થ સમાજમાં ફેલાવીએ તો સાચો ધર્મ નિભાવ્યો ગણાય

શું મહાભારતના યુધ્ધમાં એક પક્ષે હિંદુ અને બીજા પક્ષે અન્ય ધર્મી હતા? શું અર્જુનને જે લડાઈ કરવાની હતી તે કોઈ દેવસ્થાનને બચાવવા,કોઈ પૂજા અર્ચનની પરમ્પરા બચાવવા માટે કરવાની હતી? શું ક્રષ્ણ ગીતામાં અર્જુનને જે ધર્મના પાલનની અને રક્ષણની વાત કહે છે, તે આ? આજે ભારતમાં “ધર્મ”શબ્દ નો જે અર્થ થાય છે તે મુજબ છે? ના અંગ્રેજીમાં “રીલીજીઅસ”શબ્દ જેને માટે બોલાય છે, તે શ્રધ્ધા, પૂજાની પરમ્પરાના વર્તન અને પાલન માટે વપરાય છે. ભારતમાં વર્ષોથી ધર્મ શબ્દ વપરાય છે તે ક્યાંય પૂજા અને શ્રધ્ધા માટે વપરાતો નથી.

ધર્મ શબ્દના વપરાશ અને ઉપયોગ જો જોઈએ અને તપાસીએ તો તે મોટે ભાગે ફરજ સાથે જોડાયેલો,સોંપવામાં આવેલા કર્મ સાથે જોડાયેલો દેખાય છે.ધર્મ શબ્દનો જ્યાંથી સૌથી વધુ સંદર્ભ લેવાય છે તે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવાયેલા ગીતાના સંદેશમાંથી લેવાય છે. હવે આ મૂળ જગ્યાએ જ ધર્મનો અર્થ પોતાને ભાગે આવેલ કર્મ બજાવવું તેવો છે. લડવું એ ક્ષત્રિયનો ધર્મ ખાસ તો રણ મેદાનમાં આવેલા સૈનિકનો ધર્મ ..આમાં ક્યાંય પૂજા પાઠની, કર્મકાંડની વાત જ નથી. ના કોઈ દેવસ્થાન કે પરમ્પરાને બચાવવા લડવાની વાત છે. અર્જુન માટે તો લડવું એ જ ધર્મ છે તેમ કૃષ્ણ કહે છે. કોના માટે લડવાનું અને કેમ લડવાનું એ તો વાત જ બીજા નંબર પર છે.

મૂળ ધ્રૂ ધાતુ પરથી ધર્મ શબ્દ આવ્યો છે, જેનો સામાન્ય અર્થ થાય છે ધારણ કરવું.માણસ હોય કે વસ્તુ, તે જે ગુણ ધારણ કરે છે તેનું તેણે પાલન કરવું જોઈએ,તે જ તેનો ધર્મ.એટલે આપણા ભાગે આવેલા કર્તવ્યનું પાલન તે જ ધર્મ. શિક્ષકનો ધર્મ ભણવું અને ભણાવવું, દાકતરનો ધર્મ દર્દીની સારવાર કરવી, દર્દ દૂર કરવું, સૈનિકનો ધર્મ રાજ્યની રક્ષા કરવી. જે પોતાને ભાગે આવેલા કર્તવ્યનું નિર્વહન નથી કરતો તે ધર્મ ચૂક્યો ગણાય. આ અર્થમાં જ રાજાનો ધર્મ પ્રજાના જાનમાલની રક્ષા અને યોગ ક્ષેમનું વહન કરવું તે છે. ભારતીય પરંપરામાં માત્ર વ્યક્તિ જ નહીં, વસ્તુ અને અન્યના ધર્મ અને ગુણધર્મની વાત થઇ છે જેમ કે વહેવું એ નદીનો ધર્મ. વિસ્તરવું એ આકાશનો. કાંટાનો ગુણધર્મ જ તીક્ષ્ણતા અને ફૂલનો ધર્મ જ સુગંધ ફેલાવવી તે, અગ્નિનો ધર્મ બાળવું, ભસ્મ કરવું અને પાણીનો ધર્મ જ ઠારવું, આગ હોય કે તરસ…..

જે દેશમાં યુગોથી ધર્મનો આટલો સ્પષ્ટ અર્થ આપેલો હોય તે જ દેશમાં ઉપાસના અને પૂજાની પરમ્પરા,માન્યતા અને શ્રધ્ધાના વિષય સાથે આ શબ્દને જોડવો એ કેટલું યોગ્ય? અને આ જોડાણ જયારે ભયાનક પૂર્વગ્રહો અને અનર્થો સર્જે ત્યારે ચુપકીદી સેવવી તે કેટલું યોગ્ય? અને સૌથી ખતરનાક તો એક બાબત માટે વપરાયેલા શબ્દ સંદર્ભનો અન્ય બાબત માટે સાવ ખોટો ઉપયોગ કરવો. મુદ્દો હિંદુ અને મુસ્લિમ માન્યતાનો હોય ત્યારે ધર્મ માટે લડો, ધર્મ માટે બલિદાન આપો, ભગવાન કૃષ્ણે પણ ધર્મ માટે લડવાનું કીધું છે એમ પાનો ચડાવવો તે કેટલો યોગ્ય?

ક્યારેક પ્રશ્ન થાય કે આઝાદ ભારતના પ્રારંભિક તબક્કામાં શું કોઈ જાણકારી કે નિસ્બતવાળા વિદ્વાનો નહિ હોય, જે ખોટા શબ્દોને સમાનાર્થી બનતા રોકે? સંસ્કૃત સાહિત્યમાં ક્યાંય ધર્મ શબ્દ અત્યારે જેના માટે વપરાય છે તેના માટે વપરાયો જ નથી અને ભારતીય ભાષાઓમાં વ્યવહારમાં પ્રવચનોમાં આજે પણ ધર્મ શબ્દ કર્તવ્યપાલનના ભાગ રૂપે જ વપરાય છે, પણ કેટલાક ચોક્કસ લોકો હેતુપૂર્વક ધર્મ શબ્દનો બીજો અર્થ પણ વાપરે છે, જે અર્થ પરમ્પરા સાથે સુસંગત નથી. ભાષા એ દરેક દેશમાં અલગ રીતે ઉદ્ભવી છે.

માણસે વિકાસની સાથે સંવાદ વધાર્યો અને દરેક બાબતને ઓળખ ચિહ્ન આપ્યાં. પહેલાં ઉચ્ચાર આપ્યા પછી તે ઉચ્ચારો લિપિબદ્ધ કર્યા અને જેમ માણસો એક બીજા સમુદાયના સંપર્કમાં આવ્યા તેમ તેમને સમાનાર્થી શબ્દો દ્વારા ભાષાંતર કાર્ય કર્યું. જેમકે એક દેશમાં એક મોટા પ્રાણી માટે શબ્દ વપરાતો હાથી અને ઉચ્ચાર પણ તે થતો હવે, આવા જ મોટા પ્રાણી માટે બીજા દેશમાં ઉચ્ચાર વપરાયો એલીફન્ટ અને તે લખ્યો. હવે બન્ને દેશના લોકો મળ્યા અને આદાનપ્રદાન થયું તો ખબર પડી કે અમે જેને હાથી કહીએ છીએ તેને જ આ લોકો એલીફન્ટ કહે છે તો સંવાદમાં નક્કી થયું કે એલીફન્ટ હોય ત્યાં આપણે હાથી સમજવું. હવે સમાન બાબતો માટે વપરાતા શબ્દો માટે સમાન સમજણ કેળવી શકાય.

પણ આપણે જે પ્રાણી માટે હરણ શબ્દ વાપરતા હોઈએ અને તેઓ સિંહ માટે જે શબ્દ વપરાતા હોય તો એ બે સરખા કેવી રીતે ગણાય? માટે જ ધર્મ શબ્દનો અર્થ જે અપાય છે તે આપણા જેવા લાખો લોકોને એ માન્ય પણ નથી કારણ આપણે તો માનવ ધર્મને પણ માનનારા છીએ, જ્યાં કોઈ સંપ્રદાય કે વ્યક્તિ પરમ્પરા આવતી જ નથી. અપણા માટે આપણે ભાગે આવેલું કર્મ જ આપણો ધર્મ છે. માટે હવે સમય આવી ગયો છે શિક્ષિત નાગરિકના ધર્મને ધારણ કરવાનો અને બજ્વવાનો.

અત્યાર સુધી જે થયું તે ભલે થયું, પણ હવે આપણે કર્મકાંડ, શ્રધ્ધા, પૂજા અર્ચનાના અને ખાસ તો કોઈ વ્યક્તિ દ્વારા સ્થાપિત માન્યતા અને પરમ્પરાને સંપ્રદાય કહીશું અને આપણી ફરજોને જ ધર્મ કહીશું. એટલું જ નહિ, આપણને ધર્મ શબ્દનો અનર્થ કરી ગુમરાહ કરનારાઓને પણ કહીશું કે થોભો, અમે ધર્મનો અર્થ પણ જાણીએ છીએ અને નીભાવીએ પણ છીએ. અને તે અર્થ તમે કહો છો તે તો નથી જ .અમે ગીતામાં કૃષ્ણ જે કહ્યું તે મુજબનો ધર્મ પાળવામાં જ રસ છે. તમે કો તે અર્થ માનવામાં રસ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top